સુરતમાં રોંગ સાઇડમાં પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે બસને ટક્કર મારીઃ 16 લોકો ઇજાગ્રસ્ત
સુરત, 18 જુલાઈ 2024, શહેરમાં L&T કંપનીના ગેટ સામે ગત રાતે રોંગ સાઈડે પૂરઝડપે જઈ રહેલા ડમ્પર ચાલકે શેલ કંપનીની સિક્યોરિટી એજન્સીની બસને ટક્કર મારી હતી. આ દરમિયાન બસની પાછળ આવી રહેલી ઈનોવા કાર પણ બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. CCTV પ્રમાણે બસને રોંગમાં આવતું ડમ્પર 20થી 25 ફૂટ સુધી ઢસડે છે. આ ઘટનામાં બસના ડ્રાઇવર-ક્લીનર સહિત 4 જણાને ગંભીર ઈજા થઇ હતી. ડ્રાઈવર-ક્લીનરને પતરાં કાપી બહાર કઢાયા હતા. આ ઘટનામાં 16 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં.
રોંગ સાઇડ આવી રહેલા ડમ્પર સાથે અકસ્માત થયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે વિઝિલ સિક્યોરિટી કોલોનીમાંથી ગત રાત્રે એજન્સીના 15 સિક્યોરિટી જવાનને લઈ એજન્સની બસ હજીરા સ્થિત શેલ કંપનીમાં જઈ રહી હતી ત્યારે હજીરા રોડ ખાતે L&T કંપનીના ગેટ નં. 2 નજીક રોંગ સાઇડ આવી રહેલા ડમ્પર સાથે અકસ્માત થયો હતો.રોંગ સાઇડ પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર ધડાકાભેર બસ સાથે અથડાતાં બસની કેબિનનો ભુક્કો થઈ ગયો હતો અને ડમ્પરને પણ નુકસાન થયું હતું. ડમ્પર અને બસ વચ્ચે અકસ્માત થતાં પાછળ આવી રહેલી ઇનોવા કાર પણ બસ સાથે અથડાતાં તેના બોનેટને પણ નુકસાન થયું હતું.
બસના ડ્રાઇવર-ક્લીનર સહિત 16 લોકોને ઈજા પહોંચી
આ અકસ્માતની ઘટનામાં બસનો ડ્રાઇવર અને ક્લીનર કેબિનમાં ફસાઈ જતાં ફાયરબ્રિગેડે હાઇડ્રોલિકનો ઉપયોગ કરીને કાઢયા હતા.અકસ્માતમાં ડ્રાઇવર-ક્લીનર સહિત 16 લોકોને ઈજા પહોંચી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રોંગ સાઈડ પર પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકચાલકે સામેથી બસને ટક્કર મારી હતી. ત્યાર બાદ આ બસને 20થી 25 ફૂટ સુધી રિવર્સમાં ઢસડી હતી. એમાં એક કાર પણ અકસ્માતમાં અથડાઈ હતી.
આ પણ વાંચોઃગાંધીનગરના દહેગામનો બનાવઃ કાર ચાલકે ટક્કર મારતા શિક્ષિકા હવામાં ફંગોળાયા