કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં લૂંટની 3 ઘટનાઓ, લૂંટારૂઓને પકડવા પોલીસ દોડતી થઈ

Text To Speech

સુરેન્દ્રનગર, 17 જુલાઈ 2024, ગુજરાતમાં લૂંટની ઘટનાઓ વધુ પ્રમાણમાં બની રહી છે. ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ જગ્યાએ લૂંટની ઘટના બની છે. એક વૃદ્ધને છરી બતાવી 18 લાખની રકમ લૂંટીને લૂંટારા ફરાર થઈ ગયા છે. જ્યારે થાનમાં એક સોનીની દુકાનમાંથી ત્રણેક કિલો સોના-ચાંદીના દાગીના ભરેલી બેગની પણ લૂંટ થઈ છે. તે ઉપરાંત પાટડીના ઝીંઝુવાડામાં કરિયાણાના વેપારી સાથે લૂંટ થઈ હતી. ત્યારે આ તમામ ઘટના મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

વૃદ્ધ પાસે રહેલા 18 લાખ 20 હજાર લૂંટી લીધા
સુરેન્દ્રનગરના મેગા મોલ નજીક એક વૃદ્ધ એક્ટિવા લઈને બેંકમાં જઈ રહ્યા હતા. એ દરમિયાન બાઈક પર આવેલા બે અજાણ્યા ઈસમે વૃદ્ધને આંતરીને છરી બતાવીને વૃદ્ધ પાસે રહેલા 18 લાખ 20 હજાર લૂંટી લીધા હતા.થાનમાં સોનીની દુકાનમાંથી અંદાજે ત્રણ કિલો સોના-ચાંદીના દાગીના ભરેલી બેગ લઈ લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા.મેઇન બજારમાં સોના-ચાંદીની દુકાનના માલિક સવારે પોતાની દુકાને આવી દાગીના ભરેલો થેલો ટેબલ ઉપર મૂકી દીવાબત્તી કરી રહ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ સોના-ચાંદીના દાગીના ભરેલા થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતાં.

વેપારીને છરીના ઘા મારી રોકડા 40 હજાર લૂંટી લીધા
પાટડીના ઝીંઝુવાડા ગામે મોડી રાત્રે કરિયાણાના વેપારી જગદીશભાઈ ભાવસાર પર છરી વડે હુમલો કરી 40 હજાર રોકડા, ચાંદીના સિક્કાઓ અને બે મોબાઈલની લૂંટ ચલાવ્યાની વધુ એક ચોંકાવનારી ઘટના બની હતી. ઝીંઝુવાડા ગામના જગદીશભાઈ ભાવસાર ગત રાત્રીના દુકાન બંધ કરીને ઘર તરફ જઈ રહ્યાં હતા, ત્યારે બાઈક પર આવેલા 25-30 વર્ષના બે યુવકોએ જગદીશભાઈ ભાવસાર પર છરી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી એમની પાસેથી રૂ. 40,000 રોકડા, ચાંદીના સિક્કાઓ અને બે મોબાઈલની લૂંટ કરીને રાત્રીના અંધારામાં પલાયન થઇ જવામાં સફળ થયા હતા.

આ પણ વાંચોઃNGOને બે કરોડનું દાન લેવાની લાલચ ભારે પડી, જાણો ગઠિયો એક કરોડ કેવી રીતે લઈ ગયો

Back to top button