અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

બાંધકામ શ્રમિકોને રાહત દરે ભાડેથી રહેવાની સુવિધા, CMના હસ્તે 17 સાઈટોનું ખાતમૂહુર્ત

અમદાવાદ, 18 જુલાઈ 2024, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાંધકામ શ્રમિકો સહિતના અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે આહાર, આરોગ્ય, આવાસ અને આર્થિક આધાર ઉપલબ્ધ કરાવીને તેમના જીવન ધોરણમાં ગુણાત્મક બદલાવ લાવવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ઉપક્રમે રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટ ખાતે નિર્માણ થનારા શ્રમિક બસેરાનું અમદાવાદમાં ભૂમિભૂજન કર્યું હતું. આ શ્રમિક બસેરા તૈયાર થતાં અંદાજે 15 હજારથી વધુ બાંધકામ શ્રમિકોને લાભ મળશે.

શ્રમિકોને મૂળભૂત સુવિધાઓ સાથે કામચાલાઉ આવાસ મળશે
આગામી ત્રણ વર્ષમાં 1500 કરોડ રૂપિયાના ખર્ચે 3 લાખ જેટલા બાંધકામ શ્રમિકો માટે સુવિધાયુક્ત હંગામી આવાસ-શ્રમિક બસેરા ઉભા કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં જગતપુર ખાતે નિર્માણ થનારા શ્રમિક બસેરાનું ભૂમિપૂજન શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સંપન્ન કર્યું હતું. તેમણે આ અવસરે જણાવ્યું કે, મોટા બિલ્ડીંગ, ઈમારત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગો માટે જરૂરી ફેક્ટરીઝ એમ દરેક નિર્માણને પોતાના પરસેવાથી સિંચતા બાંધકામ શ્રમિકોને પોતાનું આશ્રય સ્થાન મળે એની ચિંતા સરકારે કરી છે.પંડિત દીન દયાળ ઉપાધ્યાયના ‘હર હાથ કો કામ, હર હાથ કા સન્માન’ના મંત્રને સાકાર કરતાં ગુજરાતમાં અસંગઠિત ક્ષેત્રના આવા બાંધકામ શ્રમિકોને મૂળભૂત સુવિધાઓ સાથે કામચાલાઉ આવાસ શ્રમિક બસેરાથી મળશે.

રાજ્યભરમાં 290થી વધુ શ્રમિક અન્નપૂર્ણા ભોજન કેન્દ્ર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, બાંધકામ શ્રમિકોને આવાસ સાથે આહાર મળે તે માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના રાજ્ય સરકારે શરૂ કરી છે.આવા શ્રમિકોને માત્ર પાંચ રૂપિયાના રાહત દરે રાજ્યભરમાં 290થી વધુ શ્રમિક અન્નપૂર્ણા ભોજન કેન્દ્ર પરથી ગરમ અને પૌષ્ટિક ભોજન અપાય છે. અત્યાર સુધીમાં 2 કરોડ 54 લાખ ભોજન વિતરણ થયું છે.શ્રમિક 60 વર્ષની વયે પહોંચે અને વયના કારણે કામકાજ કરવા શક્તિમાન ન રહે તો પણ તેના નિર્વાહ માટે દર મહિને 3000 રૂપિયા જેટલી પેન્શન રકમ શ્રમયોગી માન ધન યોજના અન્વયે મળે છે. રાજ્યમાં 3 લાખથી વધુ શ્રમિકોને આ યોજનાઓનું કવચ મળેલું છે.

લાભાર્થીઓને 6.80 લાખ રૂપિયાની સહાયનું વિતરણ
તેમણે આ અવસરે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તથા શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ યોજનાઓના મળીને 28 લાભાર્થીઓને 6.80 લાખ રૂપિયાની સહાયનું વિતરણ પણ કર્યું હતું. શ્રમિક બસેરા યોજનાના પોર્ટલનું લોન્ચિંગ પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આજે 17 સાઈટ પર હંગામી આવાસના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે.શ્રમિકોના અન્ન, આરોગ્ય અને આહારની ચિંતા કરતી રાજ્ય સરકારનું આગામી સમયમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ વધુ 100 કેન્દ્રો ખોલવાનું આયોજન છે. ઉદ્યોગોની સ્થાપના સાથે ઉદ્યોગોને અનુરૂપ કૌશલ્ય નિર્માણ માટે ‘કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી’ પણ કાર્યરત છે. આમ, ઉદ્યોગ માટે સર્વ પ્રકારે અનુરૂપ વાતાવરણથી વિદેશી રોકાણ અને રોજગાર ક્ષેત્રમાં ગુજરાત દેશમાં મોખરે છે.

15000 બાંધકામ શ્રમિકોને યોજનાનો લાભ મળવાનો અંદાજ
આ યોજના હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકો તથા તેઓના પરિવારને રાહત દરે ભાડેથી રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવશે, લાભાર્થી શ્રમિકના 06 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે કોઇ ભાડું લેવામાં આવશે નહીં. આગામી ૩ વર્ષમાં ૩ લાખ જેટલા શ્રમિકો માટે આવાસ સુવિધા ઊભી કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. યોજના અંતર્ગત શ્રમિકોને કડિયાનાકાના ૧ કિમી જેટલા વિસ્તારમાં રહેઠાણ પૂરા પાડવામાં આવશે. આવસોમાં પાણી,રસોડું, વીજળી, પંખા, સ્ટ્રીટ લાઈટ, સિક્યોરિટી, મેડિકલ ફેસિલિટી, ઘોડિયાઘર સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાશે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક બસેરા યોજનાના માધ્યમથી અંદાજે કુલ 15000 બાંધકામ શ્રમિકોને યોજનાનો લાભ મળવાનો અંદાજ છે.

આ પણ વાંચોઃગુજરાતમાં વર્ગ 3 અને 4ના કર્મીઓને કાયમી કરવાની વાત અફવા, સરકારે સ્પષ્ટતા કરી

Back to top button