સુરતમાં વ્યાજખોરે 2 લાખનું 6.83 લાખ વ્યાજ વસૂલતાં ફરિયાદ, ED અને IT તપાસ કરશે
સુરત, 17 જુલાઈ 2024, ગુજરાતમાં પોલીસ દ્વારા વ્યાજખોરો સામે લાલ આંખ કરી કડક કાર્યવાહી કરવાની સાથે તાલુકા મથકે સેમિનાર યોજવામાં આવી રહ્યાં છે. ત્યારે સુરતમાં વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફે લાલીને ઉધના પોલીસે ઝડપ્યો હતો. તેનો તેના વિસ્તારમાં જ વરઘોડો કાઢીને તેની ઓફિસમાં તપાસ હાથ ધરી હતી.પોલીસે તેની ઓફિસનું તાળું તોડીને એન્ટ્રી લીધી હતી તેમજ તેની સંપત્તિ અંગે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરને પણ જાણ કરાશે. લાલીએ અલથાણના જમીન-દલાલને વ્યાજે આપેલા 2 લાખની સામે 6.83 લાખ પડાવી લીધા બાદ વધુ ત્રણ લાખની માગણી કરી હતી. 15 લાખની રકમનો ચેક લખાવી કોર્ટમાં ખોટા કેસ કરવાની તેમજ રૂપિયા નહીં આપે તો જીવતો નહીં રહેવા દેવાની ધમકી આપી હતી.
આરોપી 12થી 15 ટકા લેખે વ્યાજ વસૂલતો હતો
ઉધના પોલીસે લાલી જે ઓફિસમાં બેસીને વ્યાજખોરીનો ધંધો કરતો હતો એ ઓફિસનાં તાળાંની ચાવી ન મળતાં ઓફિસના શટરનું તાળું હથોડા વડે તોડીને પ્રવેશ કર્યો હતો. ઓફિસની અંદર દસ્તાવેજ અને કાગળો લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસને જાણકારી મળી છે કે વ્યાજખોરી કરીને આરોપી લાલીએ કરોડો રૂપિયાની સંપત્તિ પણ બનાવી લીધી છે. આ સંપત્તિની તપાસ ટૂંક સમયમાં EDને સોંપવામાં આવશે. આ મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ધર્મેન્દ્ર પાસે લાઇસન્સ છે જેનો દુરુપયોગ કરીને તે વ્યાજે રૂપિયા ફેરવતો હતો. નિયમ પ્રમાણે દોઢ ટકા જ વ્યાજ વસૂલી શકાય છે. પરંતુ આરોપી 12થી 15 ટકા લેખે વ્યાજ વસૂલતો હતો.
પોલીસને લાલીની ઓફિસમાંથી અનેક ફાઈલો પણ મળી આવી
લાલીએ જમીન-દલાલ આશિષ મુખીજા પાસેથી 12 ટકા વ્યાજ સાથે નાણાં વસૂલી ઉપરથી 15 લાખના ચેક લખાવી ધમકી આપી હતી. લાલી પર ભૂતકાળમાં અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. આગામી દિવસોમાં વધુ ફરિયાદો દાખલ થાય એવી શક્યતા છે. આ સિવાય પોલીસ લાલી અને તેના પરિવારના નામે જેટલી મિલકતો છે એની વિગતો મેળવીને ઇન્કમટેક્સ અને ઇડીને રિપોર્ટ કરશે. વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફે લાલીની હાઈટેક ઓફિસમાં કોઈ પ્રવેશ કરી શકે એમ નહોતું, કારણ કે તેની ઓફિસ માત્ર તેના ચહેરાથી જ ખૂલી શકે છે. લાલીએ પોતાની ઓફિસમાં ફેસલોક રાખ્યું છે. પોલીસને લાલીની ઓફિસમાંથી અનેક ફાઈલો પણ મળી આવી છે, જેની તપાસ હવે ટૂંક સમયમાં ઉધના પોલીસ દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચોઃઅમદાવાદની યુવતીનો આક્ષેપ, મારી ફરિયાદ ના લીધી અને બેસાડી રાખી, પોલીસે સ્પષ્ટતા કરી