કર્ણાટક સરકાર દ્વારા ખાનગી નોકરીઓમાં 100% અનામત! C-D કેટેગરી માટે બનાવી રહી છે નિયમ
- સિદ્ધારમૈયા સરકારે 50 ટકા સ્થાનિક લોકોને મેનેજમેન્ટ કેટેગરીમાં અને 75 ટકાને નોન-મેનેજમેન્ટ કેટેગરીમાં નિયુક્ત કરવાનો નિર્ણય લીધો
બેંગલુરુ, 17 જુલાઇ: કર્ણાટકમાં ટૂંક સમયમાં સ્થાનિક લોકોને એટલે કે કર્ણાટકમાં રહેતા લોકોને નવી નીતિ હેઠળ ખાનગી ક્ષેત્રમાં C અને D કેટેગરીની નોકરીઓમાં 100 ટકા અનામત મળશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું છે કે, કેબિનેટે ખાનગી ક્ષેત્રમાં ગ્રુપ C અને D પોસ્ટમાં કન્નડીગા(Kannadigas) માટે 100 ટકા આરક્ષણ લાગુ કરવાના બિલને મંજૂરી આપી દીધી છે. સોમવારે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર આ મુદ્દે વિધાનસભામાં બિલ લાવવા જઈ રહી છે. સિદ્ધારમૈયા સરકારે 50 ટકા સ્થાનિક લોકોને મેનેજમેન્ટ કેટેગરીમાં અને 75 ટકાને નોન-મેનેજમેન્ટ કેટેગરીમાં નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે.
BIG NEWS 🚨 Karnataka cabinet approves 50% reservation for locals in management jobs & 75% reservation in non-management categories.
This bill covers entire private sectors, including the IT sector
Violating the bill will incur a penalty of up to Rs 25,000.
Cabinet has also… pic.twitter.com/4a50cKOVI4
— Times Algebra (@TimesAlgebraIND) July 17, 2024
આ બિલનું નામ છે Karnataka State Employment of Local Candidates in the Industries, Factories and Other Establishments Bill, 2024 અને આ બિલ હજુ સુધી વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું નથી. આ બિલ આવતીકાલે ગુરુવારે વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. CM સિદ્ધારમૈયાએ કહ્યું છે કે, “અમે કન્નડ તરફી સરકાર છીએ. અમારી પ્રાથમિકતા કન્નડ લોકોના કલ્યાણની કાળજી લેવાની છે.” તેમની સરકારના નિર્ણય વિશે માહિતી આપતા CM સિદ્ધારમૈયાએ કહ્યું કે, “અમારી સરકાર ઈચ્છે છે કે કન્નડ ભૂમિમાં કન્નડ લોકોને નોકરીથી વંચિત ન રાખવામાં આવે અને તેમને તેમની માતૃભૂમિમાં આરામદાયક જીવન જીવવાની તક આપવામાં આવે.”
સિદ્ધારમૈયા સરકારના બિલમાં શું છે?
કર્ણાટકની કોંગ્રેસ સરકારના આ બિલમાં કહેવામાં આવ્યું છે કે, હવે રાજ્યમાં કામ કરતી ખાનગી કંપનીઓએ તેમની ભરતીમાં સ્થાનિક લોકોને પ્રાથમિકતા આપવી પડશે.
- હવે ગ્રુપ C અને Dની નોકરીઓમાં 100% અનામત રહેશે એટલે કે આ નોકરીઓ 100% માત્ર કન્નડ લોકો માટે જ હશે.
- મેનેજર અથવા મેનેજમેન્ટ સ્તરની પોસ્ટ માટે 50% અનામત રહેશે એટલે કે આ પોસ્ટ પર અડધા કન્નડ લોકોની ભરતી કરવામાં આવશે.
- નોન-મેનેજમેન્ટ નોકરીઓમાં 75% અનામત રહેશે. જેનો અર્થ એ થયો કે, નોન-મેનેજમેન્ટ ભરતીઑનો ત્રણ ચતુર્થાંશ ભાગ કન્નડ ઉમેદવારો માટે રાખવામાં આવશે.
કઈ નોકરીઓ C અને D કેટેગરીમાં આવે છે?
ગ્રુપ D કેટેગરીમાં આવતી નોકરીઓમાં ડ્રાઈવર, પટ્ટાવાળા, ક્લીનર્સ, માળી, ગાર્ડ, વાળંદ અને રસોઈયાનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ Cમાં સુપરવાઈઝર, ક્લાર્ક આસિસ્ટન્ટ, સ્ટેનોગ્રાફર, ટેક્સ આસિસ્ટન્ટ, હેડ ક્લાર્ક, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ, સ્ટોર કીપર, કેશિયર જેવી નોકરીઓનો સમાવેશ થાય છે. આ સિવાય અનેક પ્રકારની ટેકનિકલ અને નોન-ટેક્નિકલ પોસ્ટ પણ આ કેટેગરીમાં આવે છે.
કોણ છે સ્થાનિક?
આ બિલ સ્થાનિકને વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે કે જે કર્ણાટકમાં જન્મેલો છે, 15 વર્ષથી રાજ્યમાં રહે છે અને કન્નડ સ્પષ્ટ રીતે બોલી, વાંચી અને લખી શકે છે.
બિલ જણાવે છે કે જો ઉમેદવારો પાસે કન્નડ ભાષામાં માધ્યમિક શાળા પ્રમાણપત્ર નથી, તો તેમણે ‘નોડલ એજન્સી’ દ્વારા લેવામાં આવતી કન્નડ પ્રાવીણ્ય પરીક્ષા(Kannada Proficiency Test) પાસ કરવી પડશે.
બિલ વધુમાં જણાવે છે કે, જો લાયક સ્થાનિક ઉમેદવારો ઉપલબ્ધ નથી તો, કંપનીઓએ સરકાર અથવા તેની એજન્સીઓના સક્રિય સહયોગથી ત્રણ વર્ષની અંદર તેમને તાલીમ આપવા માટે પગલાં લેવા જોઈએ.
કંપનીઓ છૂટછાટ માટે કરી શકે છે અરજી
જો પૂરતી સંખ્યામાં સ્થાનિક ઉમેદવારો ઉપલબ્ધ ન હોય, તો કંપનીઓ આ નિયમની જોગવાઈઓમાં છૂટછાટ માટે સરકારને અરજી કરી શકે છે.
કર્ણાટક સરકારના આ બિલમાં કહેવામાં આવ્યું છે કે, સરકારની નોડલ એજન્સી કંપનીમાં કામ કરતા કર્મચારીઓના રેકોર્ડની તપાસ કરી શકશે અને સ્ટાફ વિશે માહિતી મેળવી શકશે. જો કોઈપણ કંપની આ જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે, તો કંપની પર દંડ લાદવામાં આવી શકે છે.
ઉદ્યોગ અગ્રણીઓએ ચિંતા વ્યક્ત કરી
કોંગ્રેસ સરકારના આ નિર્ણય પર ખાનગી ક્ષેત્રના મોટા ઉદ્યોગપતિઓએ પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે, સરકારના આ નિર્ણયથી ખાનગી કંપનીઓને કુશળ શ્રમિકોની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. મહત્ત્વપૂર્ણ છે કે, કર્ણાટકની રાજધાની બેંગલુરુ એક હબ છે, જ્યાં અન્ય રાજ્યોના હજારો યુવાનો કોલ સેન્ટર, BPO અને સ્ટાર્ટ અપના ક્ષેત્રમાં કામ કરે છે.
- બાયોકોનના ચેરપર્સન કિરણ મઝુમદાર શૉ આ નિર્ણય પર પ્રતિક્રિયા આપનારા પ્રથમ બિઝનેસ લીડર છે. તેમણે કહ્યું કે, “આ નીતિથી ટેક્નોલોજી ક્ષેત્રે રાજ્યના ટોચના સ્થાનને અસર થવી જોઈએ નહીં.” તેમણે ટેક્નોલોજી આધારિત અને ઉચ્ચ સંભવિત નોકરીઓ માટે આ નિયમમાંથી મુક્તિની માંગ કરી છે. તેમણે X પર મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, શિવકુમાર અને રાજ્યકક્ષાના મંત્રી પ્રિયંક ખડગેને ટેગ કરીને લખ્યું છે કે, ” એક ટેક હબના રૂપમાં અમને કુશળ પ્રતિભાઑની જરૂર છે અને જ્યારે અમારો ઉદ્દેશ્ય સ્થાનિક લોકોને રોજગારી આપવાનો છે, ત્યારે આપણે આ પગલાને ટેક્નોલોજી ક્ષેત્રે આપણી અગ્રણી સ્થિતિને અસર ન થવા દેવી જોઈએ, એવા નિયમો હોવા જોઈએ જેનાથી ઉચ્ચ કૌશલ્યવાળી ભરતીઓમાં આ નીતિથી છૂટ મળે.”
- ઉદ્યોગપતિ ટીવી મોહનદાસ પાઈએ આ નીતિ પર સવાલ ઉઠાવ્યા અને માંગણી કરી કે, સરકારે અનામતને ફરજિયાત બનાવવાને બદલે કૌશલ્ય વિકાસ(Skill Development) પર વધુ ખર્ચ કરવો જોઈએ. તેમણે જવાબ આપ્યો કે, “જો તમે કન્નડીગા(કન્નડ લોકો)ને નોકરીમાં પ્રમોટ કરવા માંગો છો, તો ઉચ્ચ શિક્ષણ પર વધુ પૈસા ખર્ચો. કૌશલ્ય વિકાસ પર વધુ પૈસા ખર્ચો. ઇન્ટર્નશિપ પર વધુ પૈસા ખર્ચો, ટ્રેનિંગ કાર્યક્રમમાં વધુ ખર્ચ કરો. જેથી તેઓ કુશળ બની શકે. એવું ન કરે જેવુ તમે કરી રહ્યા છો, તમે આનાથી શું પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો?”
- સ્વર્ણ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર સી.એચ. VSV પ્રસાદે પ્રશિક્ષિત સ્ટાફની અછત તરફ પણ ધ્યાન દોર્યું. તેમણે કહ્યું કે, “આવા નિયંત્રણો મૂકવાથી છેવટે તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ બંધ થઈ જશે અને જો ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગો પર આવા નિયંત્રણો લાદવામાં આવશે તો ઉદ્યોગો પણ બંધ થઈ જશે. તેથી મારો મત એ હશે કે સરકારે કન્નડીગાઓને ગ્રુપ C અને Dમાં પ્રાથમિકતા આપવી જોઈએ પરંતુ, જો અમને સ્થાનિક લોકો ન મળે તો અમારી પાસે કયો વિકલ્પ છે?” VSV પ્રસાદે વધુમાં કહ્યું કે, સરકારે પહેલા ઉદ્યોગની સ્થિતિનું વિશ્લેષણ કરવું જોઈએ અને પછી નિર્ણય લેવો જોઈએ.”
આ પણ જૂઓ: ગુજરાતમાં વર્ગ 3 અને 4ના કર્મીઓને કાયમી કરવાની વાત અફવા, સરકારે સ્પષ્ટતા કરી