ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો કરી રહ્યું છે પ્રયાસ: અમેરિકન અધિકારીઓનો મોટો ખુલાસો
- હત્યાના પ્રયાસને પગલે ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા પણ વધારી દેવામાં આવી
વોશિંગ્ટન DC, 17 જુલાઇ:અમેરિકન સંરક્ષણ અધિકારીઓએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અધિકારીઓએ કહ્યું છે કે થોડા અઠવાડિયા પહેલા અમેરિકાને ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના ઈરાની ષડયંત્રની જાણ થઈ હતી. આ ગુપ્ત માહિતી એક વ્યક્તિએ આપી હતી. આ કારણોસર ટ્રમ્પની સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે હાલમાં જ એક ચૂંટણી રેલી દરમિયાન અમેરિકાના પૂર્વ પ્રમુખ અને આગામી પ્રમુખની ચૂંટણીના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળી વાગી હતી, જેમાં તેઓ બચી ગયા હતા.
ષડયંત્ર અંગે માહિતી આપવામાં આવી હતી
અમેરિકી અધિકારીઓએ કહ્યું કે, શનિવારે ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરનાર 20 વર્ષીય વ્યક્તિ અને ઈરાની ષડયંત્ર વચ્ચે કોઈ સંબંધ જાણવા મળ્યો ન હતો. ત્યારે હવે અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીએ પુષ્ટિ કરી છે કે, અમેરિકી ગુપ્તચર વિભાગ અને ટ્રમ્પ અભિયાનને ઈરાની ષડયંત્ર વિશે માહિતી આપવામાં આવી હતી. આ કારણોસર ટ્રમ્પની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
છેલ્લા ઘણા સમયથી નજર
યુએસ વ્હાઇટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા એડ્રિન વોટસને માહિતી આપી છે કે, યુએસ સુરક્ષા અધિકારીઓ છેલ્લા ઘણા સમયથી ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે સંકળાયેલા ભૂતપૂર્વ અધિકારીઓ સામે ઈરાની ધમકીઓ પર નજર રાખી રહ્યા હતા. યુએસ સિક્રેટ સર્વિસે કહ્યું કે, તે કોઈ ચોક્કસ ધમકીના પ્રવાહ પર ટિપ્પણી કરી શકે નહીં પરંતુ કહ્યું કે, ગુપ્તચર સમુદાય ધમકીઓને ગંભીરતાથી લે છે.
ઈરાને શું કહ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના કાવતરાના આરોપો પર ઈરાનનો જવાબ પણ બહાર આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાની મિશને અમેરિકી અહેવાલને અપ્રમાણિત અને દૂષિત ગણાવીને નકારી કાઢ્યો છે. જો કે, ઈરાને એમ પણ કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ એક ગુનેગાર છે જેની સામે કાયદાકીય અદાલતમાં કાર્યવાહી થવી જોઈએ અને સજા થવી જોઈએ.
આ પણ જૂઓ: દેશમાં અમેરિકા જેવો થઇ શકે છે હુમલો, જાણો કોને વ્યક્ત કરી આશંકા?