મૌલાના તૌકીર રઝાએ સામૂહિક ધર્માંતરણની કરી જાહેરાત, બરેલી પ્રશાસન પાસે માંગી મંજૂરી
- ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલના વડા મૌલાના તૌકીર રઝા ફરી એકવાર ચર્ચામાં
બરેલી, 16 જુલાઇ: ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ (IEMC)ના વડા મૌલાના તૌકીર રઝા ફરી એકવાર ચર્ચામાં છે. તેમણે આજે મંગળવારે 5 દંપતીને ઈસ્લામમાં પરિવર્તિત કરવાની અને 21 જુલાઈએ ઉત્તર પ્રદેશમાં બરેલીની ખલીલ હાયર સેકન્ડરી સ્કૂલમાં સવારે 11 વાગ્યે સામૂહિક નિકાહ કાર્યક્રમનું આયોજન કરવાની જાહેરાત કરી છે. આ માટે તેમણે જિલ્લા પ્રશાસનને પણ પત્ર લખીને પરવાનગી માંગી છે. જેમાંના કેટલાક દંપતી મધ્યપ્રદેશના અને બાકીના ઉત્તર પ્રદેશના જુદા જુદા જિલ્લાના હોવાનું કહેવાય છે.
Bareilly, UP: Ittehad-e-Millat Council chief Maulana Tauqeer plans mass conversions of Hindu youths to Islam, followed by marriages with Muslim partners. Scheduled for July 21, the event seeks official permission from the District Magistrate pic.twitter.com/JQPNz8jgBM
— IANS (@ians_india) July 15, 2024
મૌલાના તૌકીર રઝાએ કહ્યું કે, સુરક્ષાના કારણોસર આ યુગલોની ઓળખ જાહેર કરવામાં આવી રહી નથી. તૌકીર રઝાએ દાવો કર્યો છે કે, તેમની પાસે આવી 23 અરજીઓ છે જેમાં અરજદારોએ ઈસ્લામ સ્વીકારવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એમ 15 છોકરીઓ અને 8 છોકરાઓ છે. મૌલાનાએ કહ્યું કે, ઘણી મુસ્લિમ છોકરીઓએ હિન્દુ ધર્મ અપનાવ્યો છે, પરંતુ કોઈ હિન્દુ સંગઠને તેનો વિરોધ વ્યક્ત કર્યો નથી. તેથી કોઈપણ ધાર્મિક સંગઠન અમારા આ કાર્યક્રમનો વિરોધ નહીં કરે.
મૌલાના તૌકીર રઝાએ શું કહ્યું?
IEMCના વડા તૌકીર રઝાએ કહ્યું કે, ‘અમે એક પ્રતિબંધ લાદ્યો હતો કે જો કોઈ છોકરો કે છોકરી લાલચ અને કોઈના પ્રેમને કારણે ઈસ્લામ સ્વીકારવા માંગે છે, તો તેને તેની(ધર્માંતરણ) મંજૂરી આપવામાં આવશે નહીં. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ઘણું દબાણ બની રહ્યું હતું, જેમાં બહાર આવ્યું કે, એવા ઘણા છોકરા-છોકરીઓ છે જેઓ સાથે અભ્યાસ અને કામ કરે છે. જેના કારણે, તેઓના સંબંધો વિકસ્યા છે અને ઘણી જગ્યાએ તો લિવ-ઇન રિલેશનશિપમાં પણ રહી રહ્યા છે.
મૌલાનાએ વધુમાં કહ્યું કે, આમાંના ઘણા છોકરા-છોકરીઓ પહેલાથી જ ઇસ્લામ કબૂલ કરી ચૂક્યા છે, અમે સામૂહિક કાર્યક્રમમાં તેની જે પ્રક્રિયા હોય છે, તે અનુસાર તેમને ઇસ્લામ કબૂલ કરાવીશું. મને નથી લાગતું કે અમે કંઈ ગેરકાયદેસર કામ કરવા જઈ રહ્યા છીએ. તમામ પુખ્ત વયના લોકોને તેમના ધર્મ અને બાબતો વિશે નિર્ણય લેવાનો અધિકાર છે. પ્રથમ તબક્કામાં જે પાંચ દંપતીના લગ્ન થવાના છે તેમાંથી એક MP અને બાકીના બરેલી નજીકના છે.
કોણ છે મૌલાના તૌકીર રઝા ખાન?
મૌલાના તૌકીર રઝા બરેલીના ધાર્મિક નેતા છે. તે આલા હઝરત પરિવારમાંથી આવે છે, જેમણે ઇસ્લામના સુન્ની બરેલવી મસલકની શરૂઆત કરી હતી. તેમણે વર્ષ 2001માં ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ નામના પોતાના રાજકીય પક્ષની રચના કરી હતી. તેમની પહેલી જ ચૂંટણીમાં તેમની પાર્ટીએ 10 મ્યુનિસિપલ સીટો જીતી હતી. રઝા વર્ષ 2009માં કોંગ્રેસમાં જોડાયા હતા. તેમણે મુસ્લિમ મતદારોને કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણ સિંહ અરનની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર એરને બરેલીથી 6 વખતના ભાજપના સાંસદ સંતોષ ગંગવારને હરાવ્યા હતા.
પાર્ટીનું સપામાં વિલિનીકરણ કરવામાં આવ્યું હતું
ઉત્તર પ્રદેશના બરેલીમાં 2 માર્ચ 2010ના રોજ કોમી રમખાણો ભડકાવવાના આરોપસર તૌકીર રઝાની પોલીસે ધરપકડ કરી હતી. 2012ની UP વિધાનસભા ચૂંટણીમાં તૌકીર રઝાએ સમાજવાદી પાર્ટીને સમર્થન આપ્યું હતું. તેમની પાર્ટી ભોજીપુરાથી પણ ચૂંટણી જીતી હતી. અખિલેશ યાદવની સરકારે 2013માં તૌકીર રઝાને હેન્ડલૂમ કોર્પોરેશનના ઉપાધ્યક્ષ બનાવ્યા હતા. તેમણે પોતાની પાર્ટીના સપામાં વિલયની જાહેરાત કરી હતી. આ વર્ષે મુઝફ્ફરનગરમાં રમખાણો બાદ તેમણે આ પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને સપા સાથેના સંબંધો તોડવાની જાહેરાત કરી હતી. 2014માં તૌકીર રઝાએ માયાવતીની બસપાને ટેકો આપ્યો હતો.
રઝાએ હિન્દુઓને આપી હતી ધમકી
2007માં તૌકીર રઝાએ બાંગ્લાદેશી લેખિકા તસલીમા નસરીન વિરુદ્ધ ફતવો બહાર પાડ્યો હતો. તેમણે તસલીમાનું માથું લાવનારને 5 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. આ મૌલાનાએ 2022માં બરેલીમાં એક ધાર્મિક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે હિન્દુઓને ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ‘હું મારા હિન્દુ ભાઈઓને ચેતવણી આપવા માંગુ છું. મને ડર છે કે, જે દિવસે મારા મુસ્લિમ યુવાનોને કાયદો હાથમાં લેવાની ફરજ પાડવામાં આવશે, તે દિવસે તમારી પાસે ભારતમાં ક્યાંય છુપાવાની જગ્યા નહીં મળે.
આ પણ જૂઓ:બિહારમાં પડી રહેલા પુલો પર હવે ચિરાગ પાસવાને પણ આપ્યું નિવેદન, કહ્યું-‘ક્યાંક તો ભ્રષ્ટાચાર…’