અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

સમગ્ર ગુજરાતમાં ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ મૉડલ લાગુ કરવામાં આવશે

ગાંધીનગર,16 જુલાઈ 2024: ગુજરાત સરકારે રાજ્યના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ લાગુ કરી હતી, જેની સફળતા બાદ હવે આ પહેલને રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં લાગુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ નવી પહેલના સફળ પ્રયોગને કારણે બનાસકાંઠા અને પંચમહાલની જિલ્લા સહકારી બેંકોમાં સહકારી મંડળીઓના સક્રિય સભ્યો દ્વારા 4 લાખથી વધુ નવા ખાતા ખોલવામાં આવ્યા છે, જેના પરિણામ સ્વરૂપે સહકારી બેંકોની થાપણોમાં 966 કરોડનો વધારો થયો છે.

સહકાર ક્ષેત્રમાં અવનવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે
કેન્દ્ર સરકારે ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝન હેઠળ દેશભરમાં સહકારી સંસ્થાઓને મજબૂત કરવા માટે સહકાર મંત્રાલયની સ્થાપના કરી હતી. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સહકાર ક્ષેત્રમાં અવનવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. આવા જ એક પાયલટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ શરૂ કરવામાં આવી હતી, જે ખૂબ જ સફળ રહી છે.
સહકાર ક્ષેત્રની આ નોંધપાત્ર સિદ્ધિ અંગે ગુજરાતના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, “મજબૂત સહકારી ક્ષેત્ર ‘વિકસિત ગુજરાત’ના પાયામાં મજબૂત આધારસ્તંભ સાબિત થઈ શકે છે.

બંને જિલ્લાની સહકારી બેંકોમાં 4.7 લાખથી વધુ નવા બચત ખાતા
જૂન 2023 અને જાન્યુઆરી 2024ની વચ્ચે, ગુજરાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની પરિકલ્પનાને અનુસરતા બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ શરૂ કરી હતી. આ સમયગાળા દરમિયાન, દૂધ સંઘો સાથે સંલગ્ન 1048 દૂધ મંડળીઓના પ્રવર્તમાન બેંક ખાતાઓ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો સાથે એકીકૃત કરવામાં આવ્યા અને વધારાનું ભંડોળ તેમના નવા બેંક ખાતાઓમાં સંપૂર્ણપણે ટ્રાન્સફર કરવામાં આવ્યું. બંને જિલ્લાની સહકારી બેંકોમાં 4.7 લાખથી વધુ નવા બચત ખાતા ખોલવામાં આવ્યા, જેના કારણે આ બેંકોની હાલની થાપણોમાં ₹966 કરોડનો વધારો થયો.

કમિશનના દરો પણ નક્કી કરવામાં આવ્યા
આ પહેલ હેઠળ સહકારી સંસ્થાઓ અને સક્રિય સભ્યોને કુલ 3.32 લાખ RuPay ડેબિટ કાર્ડ પણ જારી કરવામાં આવ્યા છે.આ ઉપરાંત, ગ્રામ્ય સ્તરે બેંકિંગ સુવિધાઓ અને નાણાકીય પ્રવાહીતા વધારવા માટે, આ જિલ્લાઓમાં કુલ 1736 મંડળીઓ, જેમાં દૂધ સંઘો સાથે સંકળાયેલી અગ્રણી દૂધ મંડળીઓનો પણ સમાવેશ થાય છે, તેમને ‘બેંક મિત્ર’ બનાવી તેઓને માઈક્રો ATM (પોઇન્ટ ઓફ સેલ મશીન) પૂરા પાડવામાં આવ્યા છે. આ સહકારી સંસ્થાઓ પર્યાપ્ત આવક મેળવે તે સુનિશ્ચિત કરવા માટે કમિશનના દરો પણ નક્કી કરવામાં આવ્યા છે, જે માઇક્રો- ATMના અસરકારક ઉપયોગને પ્રોત્સાહિત કરશે.

ડિજિટલ વ્યવહારો પર વિશેષ તાલીમ આપવામાં આવી
આ પહેલ હેઠળ, સભ્યો દ્વારા નાણાકીય સેવાઓ મેળવવામાં આવતા પડકારોને ધ્યાનમાં રાખીને, સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા 1631થી વધુ કર્મચારીઓને માઇક્રો- ATMના સંચાલન, રોકડ ઉપાડ અને થાપણો સહિત ડિજિટલ વ્યવહારો પર વિશેષ તાલીમ આપવામાં આવી છે. બનાસકાંઠા અને પંચમહાલમાં આ પાયલટ પ્રોજેક્ટની સફળતા બાદ રાજ્ય સરકારે તમામ જિલ્લાની સહકારી સંસ્થાઓમાં તેનો અમલ કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચોઃપાટણ : કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતનાં હસ્તે ડીંડરોલ ગામે પાણીની ઊંચી ટાંકીનું લોકાર્પણ કરાયું

Back to top button