હાર્દિક પંડ્યાને લઈને મોટું અપડેટ, આ શ્રેણીમાંથી રહી શકે છે બહાર
- હાર્દિક પંડ્યા ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે શ્રેણીમાંથી બહાર રહી શકે છે. પંડ્યાએ આ અંગે BCCI સાથે વાત કરી છે. આજે ટીમની જાહેરાત થઈ શકે છે
મુંબઈ, 16 જુલાઈ: ઝિમ્બાબ્વે બાદ હવે ટીમ ઈન્ડિયાનું આગામી મિશન શ્રીલંકાનો પ્રવાસ છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ T20 મેચ અને ત્યારબાદ ત્રણ ODI મેચ રમાશે. તેનું શિડ્યુલ બહાર પાડવામાં આવ્યું છે. હવે માનવામાં આવી રહ્યું છે કે ટુંક સમયમાં જ ટીમની જાહેરાત કરવામાં આવશે. દરમિયાન, મોટા સમાચાર આવી રહ્યા છે કે હાર્દિક પંડ્યા આ સિરીઝનો ભાગ નહીં બની શકે. જો કે, અત્યાર સુધી જે સમાચાર આવી રહ્યા છે તેની પુષ્ટિ નથી. બીસીસીઆઈ અને હાર્દિક પંડ્યાએ પોતે આ અંગે કંઈ કહ્યું નથી.
હાર્દિક પંડ્યા શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાંથી રહી શકે છે બહાર
ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી ત્રણ T20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમાશે. આ પછી ઓગસ્ટમાં ત્રણ મેચની વનડે સીરીઝ રમાવાની છે. હાલમાં જ જે સમાચાર પ્રકાશમાં આવ્યા છે તેમાં ખુલાસો થયો છે કે બીસીસીઆઈ દ્વારા આજે સાંજ સુધીમાં આ માટેની ટીમની જાહેરાત કરવામાં આવશે. જો કે, હજુ એ નિશ્ચિત નથી કે ટીમ આખી શ્રેણી માટે જાહેર થશે કે પછી માત્ર T20 શ્રેણી માટે. એવું માનવામાં આવે છે કે રોહિત શર્માની T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ બાદ હાર્દિક પંડ્યા જ T20 માટે ભારતીય ટીમની કેપ્ટનશીપનો એકમાત્ર દાવેદાર છે, તેથી બની શકે કે કદાચ હાર્દીક માત્ર T20 સિરીઝ રમી શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હાર્દિક પંડ્યાએ અંગત કારણોસર BCCI પાસેથી ODI સિરીઝ માટે બ્રેક માંગ્યો છે. એટલે કે તેઓ T20 સીરીઝ રમીને જ સ્વદેશ પરત ફરશે.
રોહિત, કોહલી અને બુમરાહ પણ વનડે શ્રેણીનો ભાગ નહીં હોય
પહેલાથી જ નક્કી કરવામાં આવ્યું હતું કે હાર્દિક પંડ્યા ટી-20 અને કેએલ રાહુલ વનડે સિરીઝ માટે કેપ્ટન તરીકે જોવા મળશે. હાર્દિક પંડ્યા પહેલા પણ એવા સમાચાર આવ્યા હતા કે રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહે પણ વનડે સિરીઝમાંથી પોતાના નામ પાછા ખેંચી લીધા હતા. એટલે કે ચાર મોટા ખેલાડીઓ વનડે શ્રેણીમાં નહીં રમે. આનાથી એ પણ સ્પષ્ટ છે કે જીતની જવાબદારી યુવા ટીમ પર રહેશે. પરંતુ આ સમાચાર વિશે ચોક્કસ ત્યારે જ કહી શકાય જ્યારે BCCIની પસંદગી સમિતિ ટીમની જાહેરાત કરે.
આ પણ વાંચો: ભારત અને શ્રીલંકા T20-ODI સિરીઝનું શેડયૂલ જાહેર, જાણો ક્યારે છે મેચ ?
શ્રીલંકા સીરીઝ બાદ ટીમ ઈન્ડિયાને મળશે લાંબો બ્રેક
શ્રીલંકા વિરૂદ્ધ વનડે શ્રેણીની છેલ્લી મેચ 7મી ઓગસ્ટે રમાશે, ત્યારબાદ ભારતીય ટીમ સમગ્ર ઓગસ્ટ દરમિયાન મેદાનમાં જોવા નહીં મળે. મતલબ કે ફરી એક લાંબો વિરામ ટીમને મળશે. બાંગ્લાદેશની ટીમ સપ્ટેમ્બરમાં ભારતની મુલાકાતે આવશે, જ્યાં મેચો ફરી શરૂ થશે. એવું માનવામાં આવે છે કે તે પછી જ ભારતના મોટા અને સ્ટાર ખેલાડીઓ વાપસી કરતા જોવા મળશે, કારણ કે ત્યાં ટેસ્ટ મેચ પણ યોજાવાની છે, જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો એક ભાગ હશે. હાલમાં ટી-20 સીરીઝ અને વનડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની ટીમ શું હશે, ક્યા ખેલાડીઓ રમશે અને કોને આરામ આપવામાં આવશે તેના પર તમામની નજર છે.
આ પણ વાંચો: વડોદરામાં હાર્દિક પંડ્યાનો વિક્ટરી રોડ શો, મા તુજે સલામ સોન્ગ પર લોકો ઝૂમ્યા