ટોપ ન્યૂઝનેશનલવર્લ્ડ

‘ભારત રશિયા સાથેના મજબૂત સંબંધોનો ઉપયોગ કરી યુક્રેન યુદ્ધ અટકાવે’, અમેરિકાની અપીલ

  • યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કરી અપીલ
  • ભારતે પુતિનને યુએન ચાર્ટરનું અને યુક્રેનની પ્રાદેશિક સાર્વભૌમત્વનું સન્માન કરવા કહેવું જોઈએ : મિલર

વોશિંગટન, 16 જુલાઈ : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકાએ ભારતને અપીલ કરી છે કે તે રશિયા સાથેના તેના ઐતિહાસિક સંબંધોનો ઉપયોગ કરે અને રશિયન પ્રમુખ પુતિનને યુક્રેન વિરુદ્ધ યુદ્ધ રોકવા માટે કહે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે આ અપીલ કરી છે. મેથ્યુ મિલરે કહ્યું કે, ‘ભારતના રશિયા સાથે જૂના અને મજબૂત સંબંધો છે અને દરેક આ વાત જાણે છે. અમે ઈચ્છીએ છીએ કે ભારત રશિયા સાથેના તેના સંબંધોનો ઉપયોગ કરીને પુતિનને યુક્રેન વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધને રોકવા અને શાંતિ સ્થાપિત કરવા અપીલ કરે.

આ પણ વાંચો : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ, જુઓ ક્યાં કેટલા ઇંચ નોંધાયો?

‘ભારતે પુતિનને યુએન ચાર્ટરનું સન્માન કરવા સમજાવવું જોઈએ’

મિલરે કહ્યું કે ‘ભારતે પુતિનને યુએન ચાર્ટરનું સન્માન કરવા અને યુક્રેનની પ્રાદેશિક સાર્વભૌમત્વનું સન્માન કરવા કહેવું જોઈએ. ભારત પણ અમારો મહત્વપૂર્ણ સાથી છે, તેથી અમે ઈચ્છીએ છીએ કે ભારત રશિયાને મનાવવાનો પ્રયાસ કરે. અમેરિકી વિદેશ મંત્રાલયનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં રશિયાની મુલાકાતે ગયા હતા. યુક્રેનના પ્રમુખે પીએમ મોદીની રશિયાની મુલાકાતની ટીકા કરી હતી અને કહ્યું હતું કે આનાથી શાંતિ પ્રયાસોને મોટો ફટકો પડશે. અમેરિકાએ પણ ભારત પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

પીએમ મોદીને રશિયા તરફથી સર્વોચ્ચ સન્માનથી કરાયા હતા સન્માનિત

વડાપ્રધાન મોદીએ મોસ્કોની મુલાકાત દરમિયાન રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં બંને દેશો વચ્ચે વેપાર વધારવાના ઉપાયો પર ચર્ચા કરવામાં આવી હતી. 2030 સુધીમાં બંને દેશો વચ્ચેનો વાર્ષિક વેપાર 100 અબજ ડોલર સુધી વધારવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. રશિયાના પ્રવાસ દરમિયાન પીએમ મોદીને રશિયાના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલ’થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. પુતિન સાથેની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ ભાવિ પેઢીઓ માટે શાંતિ સ્થાપવાની વાત પણ કરી હતી. તેમણે કહ્યું કે યુદ્ધના મેદાનમાં કોઈ ઉકેલ શોધી શકાતો નથી અને માત્ર વાતચીત દ્વારા જ ઉકેલ શોધી શકાય છે.

આ પણ વાંચો : કેન્દ્ર-રાજ્ય સરકારોને અનુસૂચિત જાતિઓની યાદી સાથે ચેડા કરવાનો કોઈ અધિકાર નથી, SCનું કડક વલણ

Back to top button