દહેગામનું જૂના પહાડીયા ગામ વેચી મારવા મામલે સાત લોકો સામે ફરિયાદ નોંધાઈ
ગાંધીનગર, 15 જુલાઈ 2024, દહેગામ તાલુકાનાં પહાડીયા ગામને વેચી દેવા મામલે પ્રાંત અધિકારી દ્વારા રખિયાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં સબરજીસ્ટ્રારને ગેરમાર્ગે દોરી દસ્તાવેજ રજિસ્ટર્ડ કરવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ખાનગી સર્વે નંબર પર લોકો સ્ટેમ્પ પેપર પર જૂના લખાણ કરી મકાનો બાંધી 40 વર્ષ કરતા વધુ સમયથી રહે છે.રેવન્યુ રેકોર્ડ પર મૂળ માલિકનાં નામે ચાલતા હોવાથી વારસાનો લાભ આ જમીન ખુલ્લી હોવાનાં ફોટા બતાવી ખોટી માહિતી આપી વેચાણ દસ્તાવેજ કરાયો છે. જેની દહેગામ પ્રાંત અધિકારીએ ફરિયાદ નોંધાવી છે.7 લોકો વિરુદ્ધ રખીયાલ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. જેની તપાસ લોકલ ક્રાઇમ બ્રાંચને સોપવામાં આવી છે.
હકીકતલક્ષી અહેવાલ તેમજ પંચનામાં સહિતની કામગીરી કરાઈ
દહેગામ તાલુકાનું જુના પહાડિયા ગામ અગાઉ સરવે નંબર 142માં વસ્યું હતું. જે ગામ બાંધવા માટે જમીન માલિક દ્વારા જે તે સમયે અમુક રકમ લઈ વસવાટ કરવા માટે જગ્યા આપવામાં આવી હતી.જુના પહાડિયા ગામ માટે જમીન આપનારાઓના વારસદારો દ્વારા ગત તારીખ 23 જૂનના રોજ રજીસ્ટર દસ્તાવેજથી અન્યને આખું ગામ વેચી માર્યું હોવાનું ગ્રામજનોના ધ્યાને આવતા હોબાળો મચી ગયો છે. જમીન માલિકે અમુક રકમ લઈ સ્વેચ્છાએ જમીન આપી હોવા છતાં 14,597 ચોરસ મીટર જમીનનો દસ્તાવેજ જમીન માલિકના વારસદારોએ અન્ય વ્યક્તિને કરી દેવાયો હતો. આ મામલે ગઈકાલે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ સ્થિતિનો હકીકતલક્ષી અહેવાલ તેમજ પંચનામાં સહિતની કામગીરી કરવામાં આવી હતી. જેમાં દસ્તાવેજ નોંધણી વખતે તંત્રને અંધારામાં રાખવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું.
લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ ડી બી વાળાએ તપાસ શરૂ કરી
આ મામલે જેતે સમયે દસ્તાવેજ નોંધણી કરનાર દહેગામ સબ રજીસ્ટ્રાર વિશાલ ચૌધરીએ ફરીયાદ નોંધાવી છે. જમીનના રેવન્યુ રેકર્ડેથી નોંધાયેલ જમીન માલીકો દ્વારા બારોબાર વેચાણ કરી દેવાતા વિવાદ ઉભો થતાં દસ્તાવેજની વિગતો ચકાસતા વેચાણ કરનાર,વેચાણે લેનાર અને સાક્ષી તરીકે સહીઓ કરનાર વ્યક્તિઓ દ્વારા જાહેર કરવાની રહેતી સત્ય હકીકતો છુપાવી ઉપરોક્ત જમીનમાં વસાહત હોવા છતાં દસ્તાવેજમાં સ્થળ સ્થિતી વર્ણનમાં ખુલ્લી જમીન તરીકે દર્શાવેલ હોવાનું સબ રજીસ્ટ્રાર વિશાલ ચૌધરીને ધ્યાને આવ્યું હતું.સબ રજીસ્ટ્રાર દ્વારા જમીન વેચનાર – લેનાર વિરુદ્ધ ગુનો દાખલ કરાવતા લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ ડી બી વાળાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ પણ વાંચોઃગાંધીનગર જિલ્લાના જૂના પહાડિયા ગામનો બારોબાર સોદો થઈ ગયો, તંત્ર દોડતુ થયું