ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભોજશાળા પર ASIએ 2000 પાનાનો રિપોર્ટ HCમાં રજૂ કર્યો, દેવી-દેવતાઓની મૂર્તિ હોવાનો દાવો

  • ASIએ 22 માર્ચથી ભોજશાળાનો સર્વે શરૂ કર્યો હતો, જે 98 દિવસ સુધી ચાલ્યો હતો

નવી દિલ્હી, 15 જુલાઇ: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) વિભાગે મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં આજે સોમવારે ધારની ભોજશાળા-કમાલ મૌલા મસ્જિદ સંકુલનો સર્વે રિપોર્ટ રજૂ કર્યો છે. ASI એડવોકેટ હિમાંશુ જોશીએ કહ્યું કે, 2000 પાનાનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. ASIએ 22 માર્ચથી સર્વે શરૂ કર્યો હતો, જે 98 દિવસ સુધી ચાલ્યો હતો. હિન્દુ પક્ષના અરજદારે દાવો કર્યો છે કે, ASI સર્વે દરમિયાન ભોજશાળામાંથી દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી આવી છે. બીજી તરફ, હિન્દુ પક્ષે સુપ્રીમ કોર્ટ પાસે વહેલી સુનાવણીની માંગ કરી હતી અને MP હાઈકોર્ટ દ્વારા સુનાવણી પરના પ્રતિબંધ સામે વહેલી સુનાવણીની માંગ કરી હતી.

 

હિન્દુ સમુદાય ભોજશાળાને વાગદેવી (દેવી સરસ્વતી)ના મંદિર તરીકે માને છે, જ્યારે મુસ્લિમ પક્ષ આ 11મી સદીના સ્મારકને કમલ મૌલા મસ્જિદ કહે છે. આ સંકુલ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા સુરક્ષિત છે. સુપ્રીમ કોર્ટે આશ્વાસન આપ્યું છે કે, તે આ મામલાની તપાસ કરશે. ઉલ્લેખનીય છે કે, 1 એપ્રિલે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટની ઈન્દોર બેંચ દ્વારા વધુ સુનાવણી પર રોક લગાવી દીધી હતી. જોકે ASI સર્વેને લીલી ઝંડી આપવામાં આવી હતી. અરજીકર્તાના વકીલ વિષ્ણુ જૈને કોર્ટને જણાવ્યું હતું કે, હવે ASIનો રિપોર્ટ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી કરવી જોઈએ.

શું છે આ સમગ્ર મામલો?

‘હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસ’ નામના સંગઠનની અરજી પર મધ્યપ્રદેશ હાઈકોર્ટે 11 માર્ચે ASIને ભોજશાળા-કમાલ મૌલા મસ્જિદ સંકુલનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી ASIએ 22 માર્ચથી આ વિવાદિત સંકુલનો સર્વે શરૂ કર્યો હતો. મધ્યપ્રદેશ હાઈકોર્ટે 2 જુલાઈએ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ ASIએ સર્વે રિપોર્ટ સબમિટ કરવા માટે ચાર સપ્તાહનો સમય વધારવાની માંગણી કરી હતી. મધ્યપ્રદેશ હાઈકોર્ટે 10 દિવસનો સમયગાળો આપ્યો હતો અને 15 જુલાઈ સુધીમાં સર્વે રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ કર્યો હતો.

ભોજશાળા મુક્તિ યજ્ઞના સંયોજક ગોપાલ શર્મા, જે સર્વેક્ષણ દરમિયાન હિન્દુઓના પ્રતિનિધિ તરીકે હાજર હતા, તેમણે દાવો કર્યો હતો કે ASIને ભગવાન શિવની પૌરાણિક મૂર્તિઓ અને ‘વાસુકી નાગ’ (સાત માથાવાળા સાપ) સહિત અનેક પુરાતત્વીય અવશેષો મળ્યા છે. સર્વેક્ષણ દરમિયાન, અસંખ્ય શિલ્પો, બંધારણો, સ્તંભો, દિવાલો અને ભીંતચિત્રો સહિત 1,700થી વધુ કલાકૃતિઓ ઉજાગર થઈ હતી. ASIએ સંકુલના ખોદકામ દરમિયાન મળેલા પથ્થરો અને થાંભલાઓનું ‘કાર્બન ડેટિંગ’ સર્વે પણ હાથ ધર્યું હતું. સમગ્ર સર્વે પ્રક્રિયા હાઈકોર્ટના નિર્દેશને અનુસરીને અને બંને (હિન્દી-મુસ્લિમ) પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં કરવામાં આવી હતી.

હાલમાં, વિવાદાસ્પદ સંકુલ ASIના રક્ષણ હેઠળ છે અને હિન્દુઓને સંકુલના વાગદેવી (સરસ્વતી) મંદિરમાં દર મંગળવારે પૂજા કરવાની મંજૂરી છે, જ્યારે મુસ્લિમોને દર શુક્રવારે સંકુલની એક બાજુએ આવેલી મસ્જિદમાં નમાઝ અદા કરવાની મંજૂરી છે.

આ પણ જૂઓ: 1976માં ન્યૂયોર્કમાં જગન્નાથ યાત્રામાં ટ્રમ્પે કરી હતી મદદ, જેને યાદ કરી જુઓ શું કહ્યું ઈસ્કોને?

Back to top button