કુપવાડા, 14 જુલાઈ : જમ્મુ-કાશ્મીરના કુપવાડાના કેરન સેક્ટરમાં રવિવારે સેનાએ એલઓસી પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન ભારતીય સેનાએ 3 આતંકીઓને ઠાર કર્યા હતા. મળતી માહિતી મુજબ હજુ પણ ઓપરેશન ચાલુ છે. સેનાએ ઘૂસણખોરોના એક જૂથને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ ગોળીબાર શરૂ થયો. મળતી માહિતી મુજબ, સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા, જેમના મૃતદેહ મેળવવામાં આવી રહ્યા છે. હજુ ઓપરેશન ચાલુ છે.
સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો
આ પહેલા ગુરુવારે સેનાએ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં આતંકીઓની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. શંકાસ્પદ આતંકવાદીઓનું એક જૂથ રાત્રિ દરમિયાન ભારતીય ક્ષેત્રમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યું હતું પરંતુ નિષ્ફળ જતાં તેઓને પાછળની તરફ ભાગવું પડ્યું હતું. જ્યારે આતંકવાદીઓએ નિયંત્રણ રેખા (એલઓસી) દ્વારા ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે સેનાએ ગોળીબાર કર્યો, જેના પછી આતંકવાદીઓને પાછા ફરવું પડ્યું હતું.
આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો
સોમવારે કઠુઆમાં આતંકીઓએ સેનાના વાહન પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો, જેમાં પાંચ જવાન શહીદ થયા હતા. આ પછી સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ પણ થઈ હતી. હુમલા બાદ ઘટનાસ્થળેથી સેનાના વાહનની તસવીર પણ સામે આવી હતી, જેમાં ફાયરિંગને કારણે તેને નુકસાન થતું જોવા મળ્યું હતું. હુમલા બાદ ઘાટીમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. સૂત્રોએ જણાવ્યું કે પહાડી પર છુપાયેલા આતંકવાદીઓએ સેનાના વાહન પર ગોળીબાર કર્યો અને સેનાના વાહન પર ગ્રેનેડ પણ ફેંક્યો. છેલ્લા કેટલાક દિવસોમાં ઘાટીમાં અશાંતિ વધી છે. આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટરના સમાચાર સતત આવી રહ્યા છે.
સેનાએ 5,189 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું
જમ્મુમાં એક મહિનામાં આ પાંચમો હુમલો છે અને કાશ્મીર ખીણની તુલનામાં પ્રમાણમાં શાંતિપૂર્ણ વિસ્તારમાં થયો છે. આ હુમલો બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ શરૂ થયો હતો. કઠિન શારીરિક અને માનસિક પડકારોનો સામનો કરવા છતાં, ભારતીય સેનાની ગઢવાલ રેજિમેન્ટના સૈનિકોએ આતંકવાદીઓ પર 5,189 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, જેના કારણે તેઓને સ્થળ પરથી ભાગી જવાની ફરજ પડી હતી, એમ એક અધિકારીએ સમાચાર એજન્સીને જણાવ્યું હતું.