- હરારેમાં કેપ્ટ્ન ગિલ અને જયસ્વાલની તોફાની ઇનિંગ
- જયસ્વાલે 93 રન અને ગિલે 58 રનની ઇનિંગ રમી
હરારે, 13 જુલાઈ : ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની ચોથી મેચ 13 જુલાઈ (શનિવાર) ના રોજ હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતે 10 વિકેટે શાનદાર જીત મેળવી હતી. ભારતને મેચ જીતવા માટે 153 રનનો ટાર્ગેટ હતો જે તેણે 15.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે ભારતીય ટીમે શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. બંને ટીમો વચ્ચે આ સીરીઝની છેલ્લી મેચ આ મેદાન પર 14 જુલાઈએ રમાશે.
ભારતીય ટીમ માટે ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને શુભમન ગીલે શાનદાર બેટિંગ કરી અને યજમાન ટીમને કોઈ તક આપી ન હતી. યશસ્વીએ 53 બોલમાં 93 રન બનાવ્યા જેમાં 13 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. કેપ્ટન ગિલે 39 બોલમાં 6 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 58 રનની ઇનિંગ રમી હતી. બંને ખેલાડીઓએ 156 રનની અણનમ ભાગીદારી કરી હતી.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા યજમાન ઝિમ્બાબ્વેએ સાત વિકેટે 152 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે માટે કેપ્ટન સિકંદર રઝાએ 28 બોલમાં 46 રનની ઇનિંગ રમી જેમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. ઓપનર તદિવનાશે મારુમણીએ 32 રન અને વેસ્લી મધેવેરે 25 રનનું યોગદાન આપ્યું હતું. મધેવર-મરૂમણિએ પ્રથમ વિકેટ માટે 52 બોલમાં 63 રનની ભાગીદારી કરી હતી. ભારત તરફથી ખલીલ અહેમદે સૌથી વધુ બે વિકેટ લીધી હતી. જ્યારે અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે અને તુષાર દેશપાંડેને એક-એક વિકેટ મળી હતી.