બનાસકાંઠાના ગૌશાળા સંચાલકોની ચીમકી – પાંજરાપોળની સહાય ન ચૂકવી તો કલેક્ટર કચેરીમાં ગાયો છોડી મૂકીશું
બનાસકાંઠાઃ છેલ્લા પંદર દિવસથી બનાસકાંઠાના 14 તાલુકાઓમાં ગૌશાળાઓ અને પાંજરાપોળના સંચાલકો તંત્રને આવેદન પત્ર આપી સહાયની માંગ કરી રહ્યા હતા.
પાંજરાપોળના સંચાલકોએ ધરણાં કર્યા
આ દરમિયાન જિલ્લાના ગૌશાળાના સંચાલકો દ્વારા મંગળવારે પાંજરાપોળની સહાય ચૂકવવા કલેકટર કચેરી નજીક ધરણાં અને પ્રતિક ઉપવાસ કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ગૌભક્તો અને પાંજરાપોળના સંચાલકોએ હાજર રહી જાહેર કરાયેલી સહાય સરકાર નહીં ચૂકવે તો આગામી દિવસોમાં કલેકટર કચેરી આગળ ગાયોને છોડી મૂકવાની ચીમકી આપી હતી.
હજુ સુધી સહાય ચૂકવવામાં આવી નથીઃ સંચાલક
બનાસકાંઠામાં 170 જેટલી ગૌશાળાઓ અને પાંજરાપોળ આવેલી છે. જેમાં હજારો પશુઓનો નિભાવ થાય છે. ત્યારે પાંચેક માસ અગાઉ રાજ્ય સરકારે 500 કરોડની સહાયની જાહેરાત કરી હતી. પરંતુ આ સહાય હજુ ચુકવવામાં આવી નથી. જેને લઈને આવેદનપત્ર આપીને માંગણી કરવામાં આવી રહી હતી છતાં આજદિન સુધી સહાય ગૌમાતા સુધી પહોંચી નથી કે તે અંગે કોઈ નીતિ ઘડાઇ નથી. જેથી તમામ ગૌશાળા – પાંજરાપોળ સંચાલકો દ્વિધામાં છે.
‘વારંવાર આ મામલે રજૂઆત કરી છે’
ગૌશાળાના સંચાલકો સહિત પાંજરાપોળના સંચાલકોએ આ મામલે વારંવાર સરકારમાં રજૂઆતો કરી રહ્યા છે. તેમ છતાં સરકાર દ્વારા કોઈ પ્રતિભાવ ના મળતા બનાસકાંઠાની ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોએ મંગળવાર સવારે 10 વાગ્યાથી મોડી સાંજ સુધી મુલ્કી ભવન પાસે પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હતા. આ અંગે સંચાલકોએ જણાવ્યુ હતુ કે, સરકારે પાંજરાપોળ માટે જાહેર કરેલી સહાય ચૂકવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાયોને અમે કલેક્ટર કચેરી આગળ છોડી મૂકીશું.