NGO સેન્ટર ફૉર ફાઈનાન્સિયલ એકાન્ટેબિલિટીની FCRA નોંધણી રદ
- કેન્દ્ર સરકારની ટીકા કરવા માટે તેમને નિશાન બનાવવામાં આવ્યા હોવાનો સંગઠનનો દાવો
નવી દિલ્હી, 12 જુલાઈ: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે NGO સેન્ટર ફોર ફાઇનાન્શિયલ એકાઉન્ટિબિલિટીની પેરેન્ટ એન્ટિટીની ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ(FCRA) નોંધણી રદ કરી છે, જે નાણાકીય સંસ્થાઓની ભૂમિકા અને તેની વિકાસ પર અસર તેમજ માનવ અધિકારો અને પર્યાવરણ પર નિરીક્ષણ અને તેનું વિશ્લેષણ કરે છે. જોકે, સંગઠને દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારની ટીકા કરવા માટે તેમને નિશાન બનાવવામાં આવ્યા છે.
The People’s Commission on Public sector and Public Services has issued a statement in fraternal solidarity with @cfa_ind whose FCRA license has been arbitrarily revoked by the NaMo regime’s pic.twitter.com/JIJTXeezra
— Sridhar V (@sritara) July 11, 2024
વિદેશી ભંડોળ પ્રાપ્ત કરવા માટે NGOને ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ હેઠળ નોંધણી ફરજિયાત છે. સેન્ટર ફોર ફાઇનાન્શિયલ એકાઉન્ટેબિલિટી હવે વિદેશમાંથી નવું દાન મેળવવા માટે અયોગ્ય છે. વર્તમાન વિદેશી દાનનો ઉપયોગ કરવા માટે તેને ગૃહ મંત્રાલયની મંજૂરીની પણ જરૂર છે. કેન્દ્રએ અન્ય મુદ્દાઓ ઉપરાંત, NGO દ્વારા નાણાકીય વર્ષ 2017-’18 અને 2018-’19 માટે ખોટી ટેક્સ ફાઇલિંગનો ઉલ્લેખ કર્યો છે.
સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરે શું કહ્યું?
સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર જો અથિયાલીએ જણાવ્યું હતું કે, ‘તેમના વિદેશી યોગદાન નિયમન અધિનિયમની નોંધણી કોઈપણ ઉલ્લંઘનને બદલે નહીં પરંતુ રાજકીય વિચારણાઓને કારણે રદ કરવામાં આવી છે.’ અથિયાલીએ કહ્યું કે, “અમે માનીએ છીએ કે સરકાર પર પ્રશ્ન ઉઠાવતા અમારા કામને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. સરકારે પાછલા છ વર્ષમાં તો કોઈ કથિત રીતે ખોટી ટેક્સ ફાઇલિંગ દર્શાવી નથી અને સંસ્થાને તેને સુધારવાની કોઈ તક પણ આપી નથી. જો ફાઇલિંગમાં કોઈ ભૂલ હોય તો કંપનીઓ બંધ થતી નથી, તેને સુધારવાની તક આપવામાં આવે છે.”
સેન્ટર ફોર ફાઇનાન્સિયલ એકાઉન્ટેબિલિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે દલીલ કરી હતી કે, કેન્દ્રીય એજન્સીઓ કેન્દ્ર સરકારની વિચારધારાને શેર કરતી સંસ્થાઓ સામે આવી કાર્યવાહી કરતી નથી. જ્યારે તેમની સંસ્થા સામેની કાર્યવાહી એ તેમના દ્વારા રજૂ કરવામાં આવેલી અસંમતિઓ અને ટીકાઑને નિશાન બનાવતી કેન્દ્ર સરકારની મોટી પેટર્નનો ભાગ છે.
જો અથિયાલીએ જણાવ્યું કે, “આ પેટર્ન માત્ર FCRA સુધી મર્યાદિત નથી. આ જ અભિગમ ભીમા કોરેગાંવ કેસમાં જોવા મળ્યો હતો, જેમાં [આદિવાસી અધિકાર કાર્યકર્તા] સ્ટેન સ્વામી(Stan Swamy) પર ખોટા પુરાવા રોપવામાં આવ્યા હતા. આ જ અભિગમ [કાર્યકર અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી] ઉમર ખાલિદને [2020ના દિલ્હી રમખાણોના સંબંધમાં] જેલમાં પૂરવામાં આવ્યો ત્યારે પણ આ જોવા મળ્યો હતો.” અથિયાલીએ જણાવ્યું હતું કે, આગામી અઠવાડિયે સંસ્થાની બોર્ડ મીટિંગમાં કાનૂની પગલાં અંગે નિર્ણય લેવામાં આવશે.
સંસ્થા દ્વારા તાજેતરમાં પ્રકાશિત અહેવાલની અસર
ગુજરાતના કચ્છમાં અદાણી ગ્રૂપ દ્વારા પર્યાવરણીય જોખમો અંગેના સંસ્થાના તાજેતરના અહેવાલ બાદ NGO સામે કેન્દ્રની કાર્યવાહી કરવામાં આવી છે. 7 જુલાઈના રોજ સેન્ટર ફોર ફાયનાન્સિયલ એકાઉન્ટેબિલિટી દ્વારા પ્રકાશિત અન્ય એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં સત્તાવાળાઓ અદાણી કંપનીના દબાણ હેઠળ અદાણી કોલસાની ખાણ દ્વારા વિસ્થાપિત લોકોની ધરપકડ કરી રહ્યા છે.
છેલ્લા 10 વર્ષમાં 20,700 NGOએ આ લાઇસન્સ ગુમાવ્યું: કેન્દ્ર
સેન્ટર ફોર ફાઇનાન્સિયલ એકાઉન્ટેબિલિટી એ NGO કંપની ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ફોર ક્રિટિકલ એક્શન સેન્ટર ઇન મૂવમેન્ટનો પ્રોજેક્ટ છે. આ સંસ્થા જ્યારે 2005માં સ્થાપવામાં આવી ત્યારથી તેને વિદેશી ભંડોળ પ્રાપ્ત થઈ રહ્યું છે. નાણાકીય વર્ષ 2016-’17 અને 2021-’22 ની વચ્ચે, 6,600થી વધુ NGOના ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ લાયસન્સ રદ કરવામાં આવ્યા હતા તેમ કેન્દ્રએ ડિસેમ્બર 2022માં સંસદને જણાવ્યું હતું. છેલ્લા 10 વર્ષમાં લગભગ 20,700 NGOએ તેમનું વિદેશી યોગદાન રેગ્યુલેશન એક્ટ લાઇસન્સ ગુમાવ્યું છે. ગયા વર્ષે, કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું હતું કે, ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ હેઠળ નોંધાયેલા 13,520 NGOએ 2019-’20 અને 2021-22 વચ્ચે વિદેશી યોગદાનમાં રૂ. 55,741.51 કરોડ મેળવ્યા છે.
આ પણ જૂઓ: ગાંધીનગર GIFT સિટીમાં ડૉલર – પાઉન્ડમાં બેંક ખાતું ખોલાવી શકાશેઃ RBIએ આપી મંજૂરી