ઉત્તર ગુજરાત

બનાસકાંઠામાં લમ્પી વાઇરસના રોજ સરેરાશ 215 કેસ, ‘રાઉન્ડ ધ ક્લોક’ સેવામાં

Text To Speech

પાલનપુર : પશુઓમાં આવેલ લમ્પી વાઇરસથી પશુપાલકોમાં ભયનો માહોલ વ્યાપો છે પરંતુ આ વાઇરસથી બિલકુલ ડરવાની કે ગભરાવવાની જરૂર નથી. બનાસકાંઠા જિલ્લામાં હાલ 9 તાલુકાઓમાં આ વાયરસની અસર પશુઓમાં જોવા મળી રહી છે ત્યારે આ વાઇરસને ફેલાતો અટકાવવા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમયસર કામગીરી હાથ ધરીને વ્યાપક પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે.

લમ્પી વાયરસની સારવાર, સર્વે અને અવેરનેસ માટે જિલ્લામાં 42 ટીમોમાં 84 પશુધન નિરીક્ષકો અને વેટર્નરી તબીબો ખડેપગે સેવા આપી રહ્યાં છે. આ વાઇરસના જિલ્લામાં હાલ સરેરાશ રોજના 215 જેટલાં નવા કેસો નોંધાઇ રહ્યાં છે. 15 ટકા જેટલો રિકવરી રેટ છે અને મૃત્યુનું પ્રમાણ માત્ર 1 થી 2 ટકા છે. સઘન સર્વે સાથે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ પણ ચાલી રહ્યું છે, ગઇકાલ 25 જુલાઇ સુધીમાં જિલ્લામાં 2100 ડોઝ રસીકરણ થયું છે. જે ગામમાં અત્યાર સુધીમાં આ વાઇરસનો એકપણ કેસ ન નોંધાયો હોય તેવા તંદુરસ્ત પશુઓને રસી આપવાનું કામ ચાલુ છે. તંદુરસ્ત પશુઓમાં આ રોગનો પગપેસારો ન થાય તે માટે રસી અપાવવા પશુપાલન વિભાગ દ્વારા પશુપાલકોને અપીલ કરવામાં આવી છે.

lumpy Banaskatha 01

મદદનીશ પશુપાલન નિયામક ર્ડા. જે. પી. મજેઠીયાએ જણાવ્યું છે કે, લમ્પી વાઇરસ બનાસકાંઠા જિલ્લામાં ફક્ત ગાયોમાં જ જોવા મળ્યો છે. ભેંસ, ઘેંટા, બકરા કે અન્ય પ્રાણીઓમાં હજુ સુધી આ રોગ જોવા મળ્યો નથી. તેમણે પશુપાલકોને અપીલ કરી છે કે જો તમારું પશુ લમ્પી વાઇરસથી અસરગ્રસ્ત હોય તો તે પશુને સત્વેર સારવાર અપાવવી, બીજા પશુથી અલગ રાખવા અને ચરવા ન છોડવા વિનંતી છે જેથી અન્ય પશુમાં પ્રસરતા ચેપને અટકાવી શકાય. પશુઓમાં આ રોગના ચિહ્નો દેખાય તો ટોલ ફ્રી 1962 હેલ્પ લાઇન નંબર પર અથવા નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવા પશુપાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે. ગાય- ભેંસ વર્ગના પશુઓમાં ગાંઠદાર ત્વચા રોગ (લમ્પી સ્કિન ડીસીઝ) જોવા મળે છે. વાઇરસથી થતો આ રોગ મચ્છર, માખી, જૂ, ઇતરડી વગેરે દ્વારા તથા સીધો સંપર્ક, દૂષિત ખોરાક અને પાણીથી ફેલાય છે.

આ પણ વાંચો : ગુજરાતમાં લમ્પી વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 1000થી વધુ પશુઓના મોત; કચ્છ, જામનગર અને બનાસકાંઠામાં સૌથી વધુ કેસ

રોગ ફેલાવવાના કારણો

  • આ રોગ વાયરસ (વિષાણુ) થી ફેલાતો ચેપી રોગ છે
  •  ગાય અને ભેંસમાં આ રોગ ફેલાવવામાં માખી અને મચ્છર મુખ્ય પરિબળ તરીકે કામ કરે છે
  • ઇતરડીને પણ રોગનો ફેલાવો કરવામાં જવાબદાર ગણવામાં આવે છે.
  • સામાન્ય રીતે લોહી પીતા પરોપજીવી દ્વારા રોગીષ્ટ પશુમાંથી તંદુરસ્ત પશુમાં ફેલાય છે.
  • આ એક ચેપી રોગ છે જે અસર કરતાં તરત જ ચામડીને જાડી કરે છે અને પશુ માંદુ પડે છે.
  • લમ્પી સ્કીન ડીસીઝ એ એક વાયરસ જન્ય રોગ છે જેનો ફેલાવો મચ્છર, માખી,જૂ, ઇતરડી વગેરે દ્વારા તથા સીધો સંપર્ક, દુષિત ખોરાક અને પાણીથી ફેલાય છે.

લમ્પી વાયરસના લક્ષણો

  •  મુખ્ય રીતે પશુઓમાં સામાન્ય તાવ આવવો,
  •  આંખ-નાક માંથી પ્રવાહી આવે,
  • મોઢામાંથી લાળ પડે,
  • આખા શરીર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા પડે,
  • પશુનું દૂધ ઉત્પાદન ઘટે,
  • ખાવાનુ બંધ કરે કે ખાવામાં તકલીફ પડે,
  • ગાભણ પશુ તરવાઇ જાય અને ક્યારેક જ પશુ મૃત્યુ પામે છે. રોગિષ્ટ પશુને સાજા થવામાં 2-3અઠવાડિયા જેટલો સમય લાગે છે, સાથે સાથે પશુની ઉત્પાદન ક્ષમતા ઘણા સમયે પાછી આવે છે.

રોગ ફેલાતો અટકાવવા આટલું કરો

  • રોગિષ્ટ પશુને સૌ પ્રથમ અલગ કરવું. જેથી બીજા પશુઓમાં રોગ ફેલાય નહિ.
  • રોગગ્રસ્ત વિસ્તારોમાંથી પશુનું સ્થળાંતર બંધ કરવું.
  • માખી મચ્છર અને ઇતરડીના ઉપદ્રવને અટકાવવા માટે યોગ્ય દવાઓનો છંટકાવ કરવો.
  •  રસીકરણથી આ રોગને થતો અટકાવી શકાય છે.
  • પ્રથમ રસીકરણ : છ મહિનાની ઉંમરે
  • બુસ્ટર રસી: પ્રથમ રસીકરણના 12 માસ પછી દર વર્ષે રસીકરણ કરાવવું.
  • રસી ન મુકેલ મોટા પશુને ગમે ત્યારે રસી મૂકી શકાય છે.
Back to top button