- બનાસબેંક અને પંચમહાલ બેંકમાં કુલ 966 કરોડથી વધુની રકમની ડિપોઝીટમાં વધારો થયો
ગાંધીનગર, 10 જુલાઈ 2024, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા રાજ્યની વિવિધ સહકારી મંડળીઓ,બજાર સમિતિઓ અને ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિઓના ખાતાઓને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ખોલવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. જે માટેનો પરિપત્ર પણ તાજેતરમાં કરાયો છે. દેશમાં સહકાર સે સમૃધ્ધિના વિચારને ચરિતાર્થ કરવા કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા વિવિધ જન હિતલક્ષી કામગીરી હાથ ધરાઇ છે. જેના ભાગરૂપે ગુજરાતના સહકાર મંત્રી જગદિશ વિશ્વકર્માના માર્ગદર્શનમાં આ નિર્ણય કરાયો છે.
સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણમાં સરળતા રહેશે
મંત્રીએ સહકારી મંડળીઓ અને સભાસદો તેમજ બજાર સમિતિઓ, ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિઓ, તેના વેપારી અને કમીશન એજન્ટો તથા કર્મચારીઓના બેંક ખાતા પણ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ખોલવા જણાવાયું કહ્યું હતુ જેના પરિણામે સહકારી મંડળીઓના ફંડ જિલ્લા બેંકમાં વધવાથી જિલ્લા બેંકો મજબૂત બનશે. જેનાથી જોડાયેલી હજારો સેવા મંડળીઓ અને સભાસદોને ફાયદો થશે.મંડળીઓ અને બજાર સમિતિઓની સાથે સાથે સભાસદો, ખેડૂતો, વેપારીઓના ખાતાઓ પણ જિલ્લા બેંકમાં ખોલવા માટે અનુરોધ કરાયો છે.જેનાથી એક જ પ્રકારની બેંકમાં ખાતા હોવાથી સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણમાં સરળતા રહેશે.
966 કરોડથી વધુની રકમની ડિપોઝીટમાં વધારો થયો
મંત્રીએ વધુમાં કહ્યું કે, બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. જેના અંતર્ગત બનાસકાંઠા માં 750થી વધુ દુધ મંડળીઓ અને 8500 થી વધુ સભાસદોના કિસાન ક્રેડિટ કાર્ડ ખાતા અને 3 લાખથી વધુ વિવિધ ડિપોઝીટ ખાતાઓ બનાસબેંકમાં અને પંચમહાલ જિલ્લામાં 300થી વધુ દુધ મંડળીઓ અને 53 હજારથી વધુ સભાસદોના કિસાન ક્રેડિટ કાર્ડ ખાતા અને 4.82 લાખ થી વધુ વિવિધ ડિપોઝીટ ખાતાઓ પંચમહાલ બેંકમાં ખોલવામાં આવ્યા છે.આ બંને બેંકમાં કુલ રૂ. 966 કરોડથી વધુની રકમની ડિપોઝીટમાં વધારો થયો છે. જિલ્લામાં સ્થાનિક સ્તરે વહીવટી તંત્ર દ્વારા આ સમગ્ર કામગીરીને સરળ બનાવવામાં મદદ કરવામાં આવશે.
આ પણ વાંચોઃગુજરાતમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 47.04% જમીનમાં વાવેતર થયુ