ખેતરમાં પડેલી વસ્તુને ઘરે લઈ આવી મહિલા, 20 વર્ષ સુધી કર્યો ઉપયોગ, હકીકત ખબર પડી તો ચોંકી ઉઠી
- ચીનની એક 90 વર્ષ મહિલાની સ્ટોરી સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઈ રહી છે. મહિલાને ખેતરમાં ફરતા એક વસ્તુ મળી આવી હતી,જેને મહિલા હથોડી સમજી ઘર કામમાં ઉપયોગ કરતી હતી પણ જ્યારે હકીકત ખબર પડી…
ચીન, 10 જુલાઈ: ઘણી વખત, કેટલીક વસ્તુઓ અજાણતા બની જાય છે, જેની આપણને જાણ પણ હોતી નથી. અજાણતા આપણે મૃત્યુથી રમી રહ્યા હોઈએ છીએ, જેની આપણને ખબર પણ હોતી નથી. ચીનની આ મહિલાનું નસીબ સારું હતું કે તે 20 વર્ષ સુધી બચી ગઈ, નહીંતર કંઈ પણ થઈ શક્યું હોત.
ખેતરમાં મળેલી વસ્તુનો મહિલાએ 20 વર્ષ હથોડીની જેમ કર્યો ઉપયોગ
વાસ્તવમાં આ 90 વર્ષની મહિલાનું નામ કિન છે. એક દિવસ તે ખેતરમાં ફરી રહી હતી. અચાનક તેને ખેતરમાં પડેલી વસ્તુ મળી આવી. મહિલાને લાગ્યું કે તે એક મજબૂત લાકડું છે. જેનો ઉપયોગ તેઓ ઘરના નાના-મોટા કામો માટે કરી શકશે. તેને તે વસ્તુ હથોડા જેવી લાગતી હતી. મહિલા તેને ખેતરમાંથી ઘરે લઈ આવી. તેણીએ તેનો ઉપયોગ 20 વર્ષ સુધી તેનો ઉપયોગ મરચાંને વાટવા માટે, ખીલી બેસાડા માટે અને અખરોટ તોડવા માટે કર્યો. આ ઉપરાંત ઘરનું જે પણ નાનું કામ કરવામાં આવતું હતું જેમાં હથોડી અથવા મેલેટની જરૂર પડતી હતી ત્યાં આ મહિલા તે હેન્ડલ જેવી દેખાતી વસ્તુનો ઉપયોગ કરતી હતી. આ ઘટનાને 20 વર્ષ વીતી ગયા હતા. તે વસ્તુ તેની સાથે ઘરમાં જ રહી ગઈ. મહિલાએ તેનો ઉપયોગ કર્યા પછી તે સુંવાળી પણ થઈ ગઈ.
જ્યારે મહિલાએ હકીકત જાણી…
એક દિવસ મહિલાનું જૂનું ઘર તોડવાનું કામ ચાલી રહ્યું હતું. કેટલાક લોકો તેના ઘરે આવ્યા. તેમની નજર હથોડા જેવી દેખાતી વસ્તુ પર પડી ત્યાર પછી તે લોકોએ તે મહિલાને તે વસ્તુની ડરામણી હકીકત જણાવી અને મહિલા ચોંકી ઉઠી. આ પછી લોકોએ પોલીસને ફોન કર્યો. મહિલાને એ જાણીને આઘાત લાગ્યો કે તે 20 વર્ષથી મૃત્યુને આમંત્રણ મોકલી રહી હતી. તે મૃત્યુની સામગ્રી સાથે રમતી રહી.
મહિલા 20 વર્ષથી હેન્ડગ્રેનેડનો ઘરમાં કરી રહી હતી ઉપયોગ
પોલીસે કહ્યું કે હથોડા જેવી દેખાતી વસ્તુ બીજું કંઈ નથી પરંતુ મૃત્યુનું સાધન હેન્ડગ્રેનેડ એટલે કે હાથગોળા બમ છે. મહિલાએ તેનો ઉપયોગ નખ મારવાથી લઈને અખરોટ તોડવા સુધીના દરેક કામમાં કર્યો હતો. ખરેખર તે મહિલાનું નસીબ છે કે બોમ્બ ફાટ્યો નથી, જો બ્લાસ્ટ થયો હોત તો કંઈ પણ થઈ શકતું હતું. પોલીસે જણાવ્યું કે મહિલાએ તેનો એટલો ઉપયોગ કર્યો હતો કે ગ્રેનેડનું લાકડાનું હેન્ડલ ચીકણું થઈ ગયું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહિલા કહી રહી છે કે ‘હું તેનો ઉપયોગ ઘરે લાલ મરચાંનો ભૂકો કરવા, ડ્રાયફ્રૂટ્સ તોડવા અને ખીલીઓ નાખવા માટે કરતી હતી.’
મહિલાના જૂના મકાનને તોડી પાડનારા મજૂરોએ આ અંગે અધિકારીઓને જાણ કરી હતી. આ પછી હુઆંગબાઓ પોલીસ સ્ટેશનથી મહિલાના ઘરે એક સ્પેશિયલ યુનિટ મોકલવામાં આવ્યું હતું. ટીમે માહિતી આપી હતી કે તે વાસ્તવમાં એક હેન્ડ ગ્રેનેડ હતો જેનો ઉપયોગ મહિલા વર્ષોથી ઘરના હેતુ માટે કરી રહી હતી. પોલીસે કહ્યું કે તે વાસ્તવિક ગ્રેનેડ હતો જેને હવે નષ્ટ કરી દેવામાં આવ્યો છે. તેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. લોકોને જાણીને નવાઈ લાગે છે કે મહિલા આટલા વર્ષો સુધી ખતરા સાથે રમતી રહી અને તે મહિલાને કંઈ થયું પણ નહીં.
આ પણ વાંચો: ગ્લેશિયર પીગળ્યું તો 22 વર્ષ પહેલા દટાયેલા અમેરિકન ક્લાઇમ્બરનો મળ્યો મૃતદેહ, સાથે મળી આ વસ્તુઓ