સુરતમાં ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી તેના માથામાં પથ્થર મારી હત્યા કરનાર હેવાનને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. નરાધમ રામપ્રસાદ સિંહે બાળકીની હત્યા બાદ તેના મૃતદેહને ખાડામાં દાટી દીધો હતો. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ આરોપી વિરુદ્ધ કેસ ચલાવ્યો હતો, જેમાં 15થી વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.
104 દિવસ બાદ ચુકાદો
આરોપી રામપ્રસાદે ત્રણ વર્ષની બાળકી સાથે પહેલા તો બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ. ત્યારબાદ, તેની પર 15 કિલોથી વધુ વજનનો પથ્થર મૂકી હત્યા કરી નાંખી હતી. આટલું ઓછું હોય તેમ આ હેવાને પોતાનું પાપ છુપાવવા માટે બાળકીની લાશને ત્યાં જ ખાડો ખોદી દાટી દીધી હતી. જેથી પોલીસના હાથ તેની ગરદન સુધી ન પહોંચે પરંતુ, કહેવાય છે ને કે પાપ ક્યારેય છુપાતું નથી. કંઈક એવી જ રીતે આરોપીએ આચરેલા નરાધમ કૃત્ય પરથી સમયના વહેણ સાથે પડદો ઉંચકાઈ ગયો. અને તેના ગરદન સુધી પોલીસના હાથ નહીં પણ ફાંસીનો ફંદો પહોંચી ગયો. આ ઘટના ઘટ્યાના 104 દિવસ બાદ કોર્ટે ચુકાદો આપ્યો છે અને હવે આ હેવાનને ફાંસીએ લટકાવી દેવામાં આવશે.
અવાવરુ જગ્યાએ આચર્યું પિશાચી કૃત્ય
વાત 13 એપ્રિલની છે. જ્યારે આરોપી ઘર નજીકથી બાળકને ઉંચકીને અવાવરુ જગ્યાએ લઈ જઈ પિશાચી કૃત્ય આચર્યું હતું. ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસે નજીકમાં લાગેલા CCTV કેમેરાની મદદથી આરોપીની ઓળખ કરી. ત્યારબાદ તેને દબોચી લીધો હતો. આ મામલે ઝડપથી ચાર્જશીટ થયા બાદ કેસ ચાલ્યો હતો. કોર્ટે હત્યા તેમજ પોક્સોના કેસમાં 20 જુલાઈએ આરોપીને દોષિત ઠેરવ્યો હતો. મંગળવારે સુરત એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા રામપ્રસાદ ઉર્ફે લલનસિંગ ગૌણને ફાંસીની સજા ફટકારવામાં આવી.
પીડિત પરિવારને વળતર આપવા હુકમ
કોર્ટમાં સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે આરોપીના CCTV ફેસ રેકોગ્નાઈઝેશન અને મેડિકલ પુરાવા આ કેસમાં મહત્વના સાબિત થયા હતા. આરોપીને ફાંસીની સજા સંભળાવવાની સાથે-સાથે ભોગ બનનાર પરિવારને ત્રણ લાખનું વળતર આપવાનો પણ કોર્ટે હુકમ કર્યો છે.