ગુજરાતના CRPF જવાન રાષ્ટ્રપતિના હસ્તે શોર્યચક્રથી સન્માનિત થયા, જાણો સાહસની કહાની
તાપી, 10 જુલાઈ 2024, વર્ષ 2021માં જમ્મુ કાશ્મીર ખાતે સ્પેશિયલ આતંક વિરોધી શોધખોળમાં ફરજ બજાવતા મુકેશ ગામીતે પોતાના અન્ય સાથીઓને ઘાતક હુમલાથી બચાવી આતંકવાદીને ઠાર માર્યો હતો.રાષ્ટ્રપતિના હસ્તે શોર્યચક્રથી સન્માનિત સી.આર.પી.એફ જવાન મુકેશ ગામીત વતન વ્યારા ખાતે આવતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામે રહેતાં સી.આર.પી.એફ જવાન મુકેશ ગામીતનું વ્યારા ખાતે સન્માન પણ કરવામાં આવ્યું હતું.
વ્યારા ખાતે બાઇક રેલી કાઢવામાં આવી
નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામના મુકેશકુમાર ગામીતને શૌર્યચક્ર પુરસ્કારથી સન્માનિત કરાવામાં આવ્યા હતા. જેને પગલે તાપી જિલ્લામાં ગૌરવની લાગણી પ્રવર્તી હતી.મુકેશ ગામીતના સન્માનમાં વ્યારા ખાતે બાઇક રેલી કાઢવામાં આવી હતી.તેમણે સમગ્ર આદિવાસી સમાજ સહિત ગામનું નામ રોશન કરતાં લોકો દ્વારા સ્વાગત કરાયુ હતું.
પોતાના સાથી જવાનને ગોળીબારથી બચાવ્યા
વીરતા, શૌર્ય અને પરાક્રમનો પરિચય આપતા 61 સીઆરપીએફના કોન્સ્ટેબલ મુકેશ ગામીતે મીડિયા સાથેના સંવાદમાં જણાવ્યું કે, 19 ડિસેમ્બર, 2021ના રોજ શ્રીનગરના દરબાગ ખાતે સર્ચ ઓપરેશનમાં મકાનમાં છુપાયેલા એક આતંકવાદી દ્વારા થઈ રહેલા અંધાધૂધ ફાયરિંગ દરમિયાન CRPFના જવાનો જવાબી કાર્યવાહી કરી રહ્યા હતા. તે વખતે આતંકવાદીના નજીક પહોંચતા પોતાના સાથી જવાનને ગોળીબારથી બચાવવા આતંકવાદીના રાયફલનું બેરલ ઉપરની તરફ કરીને તેનો સામનો કર્યો હતો.
આતંકવાદીનો પીછો કરીને ઠાર માર્યો
તેમણે વધુમાં કહ્યું હતું કે, આતંકવાદી જમીન પર ગ્રેનેડ ફેંકીને ઘરની બારીમાંથી બહાર ભાગ્યો હતો જેનો પીછો કરીને તેને ઠાર કર્યો હતો. આ બહાદુરી બદલ તેમને રાષ્ટ્રપતિના હસ્તે શૌર્યચક્ર પુરસ્કાર પ્રાપ્ત થતાં દેશભરમાં તાપી જિલ્લાનું નામ ગુજતું થયું હતું. જેમના સન્માનમાં આજે જિલ્લાના વડા મથક વ્યારા ખાતે તેમનું સન્માન કરી વ્યારા નગરમાં દેશભક્તિના ગીતો સાથે બાઇક રેલી કાઢવામાં આવી હતી અને તેમનું વ્યારાનગરમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃબનાસકાંઠા : ડીસા ભારત વિકાસ દ્વારા ટ્રાફિક પોલીસ અને T.R.B. જવાનોને રેઇનકોટ અપાયા