ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મુસ્લિમ મહિલાઓ પણ પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે છે: સુપ્રીમ કોર્ટ

  • CrPCની કલમ 125 તમામ પરિણીત મહિલાઓને લાગુ પડે છે, પછી ભલે તે કોઈપણ ધર્મની હોય: SC

નવી દિલ્હી, 10 જુલાઈ: સુપ્રીમ કોર્ટે આજે બુધવારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને કહ્યું છે કે, કોઈપણ મુસ્લિમ છૂટાછેડા લીધેલ મહિલા CrPCની કલમ 125 હેઠળ તેના પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે હકદાર છે. આ કારણોસર તે ભરણપોષણ માટે અરજી કરી શકે છે. CrPCની કલમ 125 તમામ પરિણીત મહિલાઓને લાગુ પડે છે, પછી ભલે તે કોઈપણ ધર્મની હોય. મુસ્લિમ મહિલાઓ પણ આ જોગવાઈનો આશરો લઈ શકે છે અને ભરણપોષણ ભથ્થું માંગી શકે છે.

 

જસ્ટિસ બી.વી.નાગીરત્ના અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહે ચુકાદો સંભળાવતા કહ્યું કે, મુસ્લિમ મહિલાઓ ભરણપોષણ માટે તેમના કાયદાકીય અધિકારનો ઉપયોગ કરી શકે છે. તે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125 હેઠળ ભરણપોષણ અરજી દાખલ કરી શકે છે. જોકે, જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહે અલગ-અલગ ચુકાદો આપ્યો હતો, પરંતુ બંનેનો અભિપ્રાય એક જ છે. અદાલતનું કહેવું છે કે, મુસ્લિમ મહિલા (છૂટાછેડા પરના અધિકારોનું રક્ષણ) અધિનિયમ 1986 હકીકતમાં ધર્મનિરપેક્ષ કાયદાને બાયપાસ કરી શકે નહીં.

શું મુસ્લિમ મહિલાઓને ભરણપોષણ ભથ્થું મળતું નથી?

ઘણા કિસ્સાઓમાં, છૂટાછેડા લીધેલ મુસ્લિમ મહિલાઓને ભરણપોષણ ભથ્થું મળી શકતું નથી અથવા જો તે મળે તો પણ તે ‘ઇદ્દત’ના સમયગાળા સુધી જ છે. ઇદ્દત એક ઇસ્લામિક પરંપરા છે. આ મુજબ, જો કોઈ મહિલાને તેના પતિ દ્વારા તલાક આપવામાં આવે છે અથવા તેનું મૃત્યુ થાય છે, તો તે મહિલા ‘ઇદ્દત’ના સમયગાળા દરમિયાન ફરીથી લગ્ન કરી શકશે નહીં. ઇદ્દતનો સમયગાળો લગભગ 3 મહિનાનો હોય છે. આ સમયગાળો પૂરો થયા બાદ છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલા ફરીથી લગ્ન કરી શકે છે.

જો કે, એપ્રિલ 2022માં, અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસ પર તેના નિર્ણયમાં કહ્યું હતું કે, ‘છૂટાછેડા લીધેલ મુસ્લિમ મહિલા ઇદ્દતના સમયગાળા પછી પણ ભરણપોષણ ભથ્થું મેળવવા માટે હકદાર છે અને જ્યાં સુધી તે ફરીથી લગ્ન ન કરે ત્યાં સુધી તેને આ ભથ્થું મળતું રહેશે.’ તેવી જ રીતે, આ વર્ષે જાન્યુઆરીમાં એક કેસમાં, બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે, છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલા ફરીથી લગ્ન કરે તો પણ તે તેના ભૂતપૂર્વ પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે હકદાર છે.

શું છે આ સમગ્ર મામલો?

અબ્દુલ સમદ નામના મુસ્લિમ વ્યક્તિએ તેની પત્નીને ભરણપોષણ આપવાના તેલંગાણા હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે, છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલા CrPCની કલમ 125 હેઠળ અરજી દાખલ કરવા માટે હકદાર નથી. મહિલાએ મુસ્લિમ મહિલા અધિનિયમ, 1986ની જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે. આવી સ્થિતિમાં, કોર્ટ સમક્ષ પ્રશ્ન એ હતો કે, શું આ કેસમાં મુસ્લિમ મહિલા અધિનિયમ, 1986ને પ્રાથમિકતા આપવી જોઈએ કે CrPCની કલમ 125.

CrPCની કલમ 125 શું છે?

CrPCની કલમ 125 પત્ની, બાળકો અને માતા-પિતાના ભરણપોષણ અંગે વિગતવાર માહિતી આપે છે. આ કલમ મુજબ, પતિ, પિતા અથવા બાળકો પર નિર્ભર પત્ની, માતા-પિતા અથવા બાળકો ત્યારે જ ભરણપોષણનો દાવો કરી શકે છે, જ્યારે તેમની પાસે આજીવિકાનું બીજું કોઈ સાધન ઉપલબ્ધ ન હોય.

આ પણ જુઓ: સર્વાઇકલ કેન્સર સામે રસીકરણની શાળાઓથી થશે શરૂઆત, પીએમ મોદી શરુ કરાવી શકે છે અભિયાન

Back to top button