UPમાં PM આવાસના પહેલા હપ્તાના પૈસા મળતા જ 11 મહિલાઓ પતિને છોડી પ્રેમી સાથે ભાગી ગઈ
- પ્રધાનમંત્રી આવાસ યોજના ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં ખોટો ફાયદો ઉઠાવવામાં આવ્યો
ઉત્તર પ્રદેશ, 9 જુલાઇ: પ્રધાનમંત્રી આવાસ યોજના સામાન્ય લોકોના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ હવે તેનો ખોટો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. અહેવાલો મુજબ, ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં ઘણી મહિલાઓએ તેમના પ્રેમીઓ સાથે ભાગી જવા માટે આનો ઉપયોગ કર્યો છે. હકીકતમાં, 11 મહિલાઓ પર PM આવાસ યોજનાનો પહેલો હપ્તો લઈને પ્રેમીઓ સાથે ભાગી જવાનો આરોપ છે. આવાસ પૂરો પાડતી પીએમ આવાસ યોજના 11 માણસોના ઘર બરબાદ થવાનું કારણ બની ગઈ છે.
આ વાત સમગ્ર વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગઈ છે. અહેવાલો અનુસાર, તેમની પત્નીઓને ગુમાવ્યા બાદ પીડિત પતિઓ હવે સરકારી કચેરીઓના ચક્કર લગાવી રહ્યા છે અને સમસ્યા એ છે કે, સત્તાવાળાઓ હવે આ લોકોને આવાસ યોજના હેઠળનો આગળનો હપ્તો આપી રહ્યા નથી.
શું છે સમગ્ર મામલો?
આ મામલો ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાનો છે. જિલ્લાના ઠૂઠીહારી, શીતલાપુર, ચટિયા, રામનદર, બકુલડિહા, ખેસહરા કિશુનપુર અને મેધૌલી ગામમાં લગભગ 2350 લાભાર્થીઓને PM આવાસ યોજનાના હપ્તા આપવામાં આવ્યા હતા. જેમાંથી ઘણા લોકોના મકાનો બની ચૂક્યા છે. આવા લોકોમાંથી 11 મહિલાઓ એવી હતી કે, જેમણે પીએમ આવાસ યોજનાનો પ્રથમ હપ્તો એટલે કે રૂ. 40,000 મળતાની સાથે જ તરત જ તેમના પતિને છોડી દીધા હતા. મહત્ત્વપૂર્ણ છે કે, પીએમ આવાસ યોજના હેઠળ એવી જોગવાઈ છે કે, જો આ પૈસાનો ઉપયોગ અન્ય જગ્યાએ કરવામાં આવશે તો તેમની પાસેથી આ પૈસા વસૂલવામાં આવશે. આ પહેલા બારાબંકી જિલ્લામાં પણ આવી ઘટના બહાર આવી હતી.
શું છે પ્રધાનમંત્રી આવાસ યોજના?
આ હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને કાયમી મકાનો મળે છે. સરકાર દ્વારા ઘર બનાવવા માટે 2.5 લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. આ સબસિડી આવક પ્રમાણે લોન પર આપવામાં આવે છે.
આ પણ જુઓ: બુટલેગર સાથે ઝડપાયેલી CIDની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીના જામીન નામંજુર