કરાચીઃ પાકિસ્તાનમાં ફરી એકવાર ચીની નાગરિકો પર હુમલો કરવામાં આવ્યો છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, સિંધની કરાચી યુનિવર્સિટીમાં કન્ફ્યુશિયસ ઇન્સ્ટિટ્યૂટની નજીક એક વાન પાસે થયેલા વિસ્ફોટમાં ચીની નાગરિકો સહિત ચાર લોકોના મોત થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ હુમલાની જવાબદારી લીધી છે. આ આત્મઘાતી હુમલો BLAની મજીદ બ્રિગેડની મહિલા ફિદાયીન હુમલાખોર શરી બલોચ ઉર્ફે બ્રમેશ દ્વારા કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ BLA શું છે? તે શા માટે હુમલો કરે છે અને તેમની માંગણીઓ શું છે?
BLA શું છે?
BLA બલૂચિસ્તાન પાકિસ્તાનનું એક આતંકવાદી સંગઠન છે. જેનો હેતુ બલૂચિસ્તાનને પાકિસ્તાનથી આઝાદ કરવાનો છે. BLAનું કહેવું છે કે, પાકિસ્તાન આર્મી બલૂચિસ્તાનમાં સ્થાનિક લોકો સાથે અમાનવીય વર્તન કરે છે. બલૂચ રાષ્ટ્રવાદીઓ માને છે કે, પાકિસ્તાને ક્યારેય બલૂચિસ્તાનના વિકાસ માટે પગલાં લીધાં નથી અને માત્ર તેના સંસાધનોનું શોષણ કર્યું છે. પાકિસ્તાન સહિત ઘણા દેશો તેને આતંકવાદી સંગઠન માને છે. BLA 1970થી બલૂચિસ્તાનની આઝાદી માટે લડી રહ્યું છે. તાજેતરના વર્ષોમાં, BLAએ પાકિસ્તાનમાં ઘણી જગ્યાએ હુમલા કર્યા છે.
2021માં BLAએ 12 હુમલા કર્યા હતા
BLA ગેરિલા હુમલાઓ કરવા માટે જાણીતું છે. વર્ષ 2021માં BLAએ ઓછામાં ઓછા 12 હુમલા કર્યા હતા. વર્ષ 2020માં થયેલા હુમલામાં BLA દ્વારા 16 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. BLA બલૂચિસ્તાનના વિસ્તારમાં વધુ સક્રિય છે, પરંતુ પાકિસ્તાનના અન્ય વિસ્તારોમાં પણ તેની પ્રવૃત્તિઓ છે. BLAની રચના સત્તાવાર રીતે વર્ષ 2000માં થઈ હતી પરંતુ તે 1973થી સ્વતંત્ર બલૂચિસ્તાનની લડાઈમાં સામેલ છે. પાકિસ્તાન ભારત અને અફઘાનિસ્તાન પર BLAને સમર્થન આપવાનો આરોપ લગાવી રહ્યું છે, જેનો બંને દેશો વિરોધ કરી રહ્યાં છે.
કાયદે-આઝમ રેસિડેન્સી પરથી BLAએ પાકિસ્તાની ધ્વજ ઉતાર્યો હતો
કાયદે આઝમ રેસીડેન્સી પાકિસ્તાનનું એક ઐતિહાસિક સ્થળ છે. આ તે જગ્યા છે જ્યાં મોહમ્મદ અલી ઝીણાએ તેમના જીવનના અંતિમ દિવસો વિતાવ્યા હતા. 15 જૂન 2013ના રોજ ઈમારત પર રોકેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જે બાદ ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. જેની જવાબદારી BLAએ લીધી હતી. BLA આતંકવાદીઓએ સ્મારક સ્થળ પરથી પાકિસ્તાનનો ધ્વજ હટાવીને BLA ધ્વજ લગાવ્યો હતો. આ ઈમારત પાછળથી ફરી બનાવવામાં આવી હતી અને 14 ઓગસ્ટ 2014ના રોજ પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફે તેનું ઉદ્ઘાટન કર્યું હતું.