અમદાવાદ, 08 જુલાઈ 2024, ગુજરાતમાં GMERSની મેડિકલ કોલેજની ફીમાં ધરખમ વધારા મુદ્દે અગાઉ વાલીઓ અને વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી. આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ફી વધારા અંગે કહ્યું છે કે, ભાજપની સરકાર બન્યા બાદ એક પણ સરકારી મેડિકલ કોલેજ બની નથી અને બીજી તરફ સરકાર દ્વારા ફી વધારો કરવામાં આવી રહ્યો છે. ઊંચી ફી અને ખાનગી કોલેજમાં ભણીને વિદ્યાર્થીઓ ડોકટર બનશે તો શોષણ થવાની પૂરી શક્યતા છે જેથી આ ફી વધારો પાછો ખેંચવામાં આવે નહિ તો કોંગ્રેસ દ્વારા સખત વિરોધ કરવામાં આવશે.
28 જૂન 2024નો પરિપત્ર છે જેમાં ફી વધારો થયો
શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ડોક્ટરમાં દેવના દર્શન થાય છે. મેં આરોગ્ય વિભાગમાં કામ કર્યું છે. વિદ્યાર્થી ડોકટર બને ત્યારે તે સમાજની સારી સેવા કરી શકે. સરકારી મેડિકલ કોલેજમાં સસ્તી ફી સાથે ભણી શકે તો વિદ્યાર્થી સેવા કરી શકે છે. ઊંચી ફી અને ખાનગી કોલેજોમાં ભણીને ડોક્ટર બને તો તેને શોષણ થયાની ભાવના થાય છે. 14 વર્ષ પહેલાં ગુજરાત સરકારે ગુજરાત મેડિકલ રિસર્ચ સોસાયટીની સ્થાપના કરી હતી. ઓછી ફી અને ફી પર કાબુ રહે તે માટે GMERSની 13 મેડિકલ કોલેજોની સ્થાપના કરી હતી. 28 જૂન 2024નો પરિપત્ર છે જેમાં ફી વધારો થયો છે.
GMERS કોલેજમાં 87 ટકા સુધીનો ફી વધારો
રાજ્યની 13 GMERS કોલેજમાં ફીનો વધારો કરવામાં આવ્યો છે. GMERS કોલેજમાં 87 ટકા સુધીનો ફી વધારો કરવામાં આવ્યો છે. સરકારી કોટામાં 3.40 લાખથી વધારીને 5.5 લાખ ફી કરવામાં આવી છે. મેનેજમેન્ટ કોટામાં 9.7 લાખથી વધારીને 17 લાખ ફી કરવામાં આવી છે. NRI કોટાની ફી 22,000 ડોલરથી 25,000 ડોલર કરવામાં આવી છે.
કોંગ્રેસ જરૂર પડે તો ફી વધારા મામલે રસ્તા પર આવશે
એક વર્ષ અગાઉ પણ આવો ફી વધારાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમે મુખ્યમંત્રીએ પત્ર લખ્યો હતો ત્યારે ચૂંટણી હોવાથી મેડિકલ કોલેજોમાં ફી વધારો કર્યો ન હતો. ત્યારે આ વર્ષે ફરી વાર આ વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી અને આરોગ્ય વિભાગને ફી વધારા સામેં પત્ર લખીને મોકલીશું. આ ફી વધારાના પરિપત્રને પરત ખેંચવામાં આવે કોંગ્રેસની માગ છે. મુખ્યમંત્રી મૃદુ બનીને કોઈક નિર્ણય લે તેવું ના થાય અને ફી વધારો પરત ખેંચવામાં આવે. આગામી દિવસોમાં કોંગ્રેસ જરૂર પડે તો ફી વધારા મામલે રસ્તા પર આવશે.
આ પણ વાંચોઃજૂનાગઢના ભાજપના સાંસદ રાજેશ ચૂડાસમાને કોંગ્રેસના પૂંજાભાઈ વંશે ચેલેન્જ આપી