ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જામીનની શરતમાં ગૂગલ મેપ પરથી લોકેશન માંગવુ ખોટું છે; સુપ્રીમ કોર્ટ કેમ ગુસ્સે થઈ?

  • જામીન પર એવી શરતો મૂકી શકાય નહીં કે જેનાથી કોઈ આરોપીને ટ્રેક કરી શકાય અથવા તેના વિશે અંગત માહિતી એકત્ર કરી શકાય: SC

નવી દિલ્હી, 8 જુલાઇ: સુપ્રીમ કોર્ટે આજે સોમવારે એક મોટો નિર્ણય સંભળાવ્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જામીન પર એવી શરતો મૂકી શકાય નહીં કે જેનાથી કોઈ આરોપીને ટ્રેક કરી શકાય અથવા તેના વિશે અંગત માહિતી એકત્ર કરી શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આવી શરતો સંપૂર્ણપણે ગેરબંધારણીય છે અને ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. સુપ્રીમ કોર્ટ એક કેસની સુનાવણી કરી રહી હતી જેમાં જામીન પર એવી શરત મૂકવામાં આવી હતી કે, આરોપી ગુગલ મેપ્સ દ્વારા પોલીસ સાથે પોતાનું લોકેશન શેર કરતો રહેશે. સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતાં કહ્યું કે, ‘જામીનની શરત તરીકે ગૂગલ મેપ પિન શેર કરવો એ ગોપનીયતાનું ઉલ્લંઘન છે. આરોપીના અંગત જીવનમાં ડોકિયું કરવું યોગ્ય નથી.’

જસ્ટિસ એ.એસ.ઓકા અને ઉજ્જવલ ભુયાનની બેંચે કહ્યું કે, ‘કોઈ પણ કોર્ટ જામીન પર એવી શરતો લાદી શકે નહીં જે જામીનના ઉદ્દેશ્યને નુકસાન પહોંચાડે.’ જસ્ટિસ ઓકાએ કહ્યું, ‘અમે કહી દીધું છે કે આવી જામીનની શરતો લાદી શકાય નહીં જે જામીનનો અર્થ નષ્ટ કરે. જો કે એવું કહેવામાં આવ્યું હતું કે ગૂગલ પિનથી કોઈ નુકસાન થતું નથી.’

ગૂગલ મેપને જામીનની શરતોમાં સામેલ કરીને તેનો દુરુપયોગ થવો જોઈએ નહીં: કોર્ટ 

સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે સુપ્રીમ કોર્ટ સહિત અન્ય ઘણી અદાલતોની બેંચે આવા નિર્ણયો આપ્યા છે જેમાં આરોપીને ગૂગલ મેપ પિન શેર કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ પહેલા એપ્રિલમાં સુનાવણી દરમિયાન બેંચે તેને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, અમને ખબર નથી કે આ ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે થશે પરંતુ આવી કોઈ શરત ન લગાવવી જોઈએ. કોર્ટે કહ્યું હતું કે, ગૂગલ મેપ પિનનો ઉપયોગ નેવિગેશન અને લોકેશન જાણવા માટે થાય છે. તેને જામીનની શરતોમાં સામેલ કરીને તેનો દુરુપયોગ થવો જોઈએ નહીં.

સમગ્ર મામલો શું હતો?

હકીકતે એક નાઈજીરિયન નાગરિકને દિલ્હી હાઈકોર્ટમાંથી શરતી જામીન આપવામાં આવ્યા હતા. દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ડ્રગ્સના કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી હાઈકોર્ટે જામીન પર બે શરતો મૂકી હતી. કોર્ટે કહ્યું હતું કે, તે ગૂગલ મેપનો પિન શેર કરશે જેથી તપાસ અધિકારી તેના લોકેશનથી વાકેફ રહે. આ સિવાય નાઈજીરિયાના હાઈ કમિશને એ સુનિશ્ચિત કરવું પડશે કે તે દેશ છોડીને ના જાય અને જ્યારે પણ જરૂર પડે ત્યારે ટ્રાયલ કોર્ટમાં હાજર થાય.

 

તે જ સમયે, જુલાઈ 2023માં, સુપ્રીમ કોર્ટે આવી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, ગૂગલ મેપ પિન કલમ 21 હેઠળ આપવામાં આવેલા ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરશે. ઓગસ્ટ 2023માં સુપ્રીમ કોર્ટે ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી મંત્રાલયને ગૂગલ મેપ પિન અંગે જવાબ આપવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી મંત્રાલયે કહ્યું હતું કે, ગૂગલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ આ સંબંધમાં વધુ સારી માહિતી આપી શકે છે. આ પછી ગૂગલે પણ કહ્યું હતું કે, ‘ગૂગલ મેપ પિન નેવિગેશન માટે સારી છે પરંતુ તેને જામીનની શરત તરીકે સમર્થન આપી શકાય નહીં.’ હવે સુપ્રીમ કોર્ટે માત્ર આ બે જામીનની શરતોને અલગ જ નથી કરી પરંતુ આરોપીઓને જામીન પણ આપ્યા છે.

આ પણ જુઓ: સંદેશખલી કેસમાં મમતા સરકારને SCનો આંચકો: CBI તપાસ ચાલુ રહેશે

Back to top button