રાજસ્થાનના માઉન્ટ આબુનું નખ્ખી તળાવ થયું ઓવરફ્લો, ઝરણાં બન્યા જીવંત
પાલનપુર: ગુજરાતના બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા 72 કલાકથી હળવા થી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે હિલ સ્ટેશનનોનું વાતાવરણ ખુશનુમા બની ગયું છે. અહીંના જાણીતા એવા નખ્ખી તળાવમાં ભારે વરસાદને લઈને ભરપુર પાણી આવતા આ તળાવ ઓવરફલો થઈ ગયું છે. જેને લઈને ઝરણાં પણ જીવંત બની ગયા છે. પર્વતીય વિસ્તારમાં આવેલા આબુરોડ થી માઉન્ટ આબુ સુધીનો માર્ગ અને માઉન્ટ આબુથી ગુરુશિખર જતા માર્ગમાં વચ્ચે અનેક જગ્યાએ વરસાદના કારણે ઝરણાં જીવંત થયા છે. ઝરણાંઓ શરૂ થતા જ ગુજરાતીઓ પ્રવાસીઓ મોટી સંખ્યામાં તેનો નજારો માણવા પહોંચે છે. તેમાંય શનિ -રવિવારના રોજ મોટી સંખ્યામાં પર્યટકો માઉન્ટ આબુ પહોંચતા હોય છે. જ્યારે પર્વતોને સ્પર્શ કરી નીકળતા વાદળોના મનમોહક નજારા પ્રવાસીને આકર્ષિત કરે છે. અહીંના સ્થાનિક યોગેશભાઈએ જણાવ્યું હતું કે, પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ જેનું રહે છે તે નખ્ખી તળાવ મંગળવારે સવારે સંપૂર્ણ ભરાઈ ગયું હતું. જેને લઈને આ તળાવ ઓવરફલો થયું છે. નખ્ખી તળાવ ઓવરફ્લો થતા અહીંના બોટીંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો અને સ્થાનિક લોકોના ચહેરાઓ પર પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.
પાલનપુર નજીકની ઉમરદશી નદીમાં આવ્યા નવા નીર
પાલનપુર થી સાંબરડા જતા ધનિયાના ગામ નજીકથી પસાર થતી ઉમરદશી નદીમાં મંગળવારે સવારે ભારે વરસાદના પગલે નવા નિર શરૂ થયા હતા. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી આજુબાજુના પહાડી વિસ્તારમાંથી નાળાઓમાં ઉભરાઈ જતા આ નાળાઓ થકી ઉમરદશી નદીમાં પાણી આવતા લોકો મોટી સંખ્યામાં પુલ ઉપર ભેગા થઈ ગયા હતા. ધનિયાણા નજીક આવેલા આ નદીના પુલ ઉપર આજુબાજુથી લોકો વાહનો લઈને નદીના પાણીને જોવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઉમરદશી નદીમાં આવેલા પાણીથી ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ છે. નવા નીર શરૂ થતા આજુબાજુના ખેતરોમાં આવેલા કુવાના તળ પણ ઉંચા આવવાની ખેડૂતોને આશા બંધાઈ છે.
બનાસકાંઠામાં સવારથી જ વરસાદની હેલી
બનાસકાંઠા જિલ્લામાં પાંચ દિવસ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે મંગળવારે વહેલી સવારથી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી હેલી જોવા મળી રહી છે. જેના કારણે કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી ભરાયા છે. તો ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. જ્યારે વાતાવરણમાં પણ હવે એકંદરે લોકો ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં દાંતામાં ત્રણે ઇંચ, ધાનેરામાં દોઢ ઇંચ જ્યારે દાંતીવાડા, પાલનપુર, ડીસા, વડગામ, વાવ અને થરાદમાં એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.