ટોપ ન્યૂઝનેશનલ

VIDEO : મુંબઈમાં મોડીરાત્રે છ કલાકમાં 300 મીમી વરસાદ, શાળાઓ-કોલેજો બંધ, ટ્રેન સેવા ખોરવાઈ

  • આજે પણ ભારે વરસાદની સંભાવના
  • અનેક રૂટ પર ટ્રેનો રોકી દેવામાં આવી
  • પાણી ભરાઈ જવાના કારણે દાદરમાં સ્થિતિ વધુ ગંભીર

મુંબઈ, 08 જુલાઈ : ભારે વરસાદને કારણે મુંબઈના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. એટલું જ નહીં રેલ વ્યવહારને પણ અસર થઈ છે. અનેક રૂટ પર ટ્રેનો રોકી દેવામાં આવી છે. એટલું જ નહીં કેટલાક વિસ્તારોમાં શાળાઓ, કોલેજો અને ઓફિસો પણ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

છ કલાકમાં 300 મીમીથી વધુ વરસાદ ખાબક્યો

મુંબઈમાં ગઈકાલે રાત્રે 1 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધીના છ કલાકના ગાળામાં વિવિધ સ્થળોએ 300 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લોકલ ટ્રેન સેવા ખોરવાઈ ગઈ હતી. આજે પણ ભારે વરસાદની સંભાવના છે. મોડીરાત્રે પડેલા ભારે વરસાદને કારણે મુંબઈના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. દાદરમાં સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.

શાળાઓ અને કૉલેજોમાં પ્રથમ સત્ર માટે રજા જાહેર

વિદ્યાર્થીઓને અસુવિધા ટાળવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ તમામ સરકારી અને ખાનગી શાળાઓ અને કૉલેજોમાં પ્રથમ સત્ર માટે રજા જાહેર કરી છે. સાથે જ કહ્યું કે પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ આગામી સત્ર માટે નિર્ણય લેવામાં આવશે. CPROનું કહેવું છે કે સાયન, ભાંડુપ અને નાહુર સ્ટેશનો વચ્ચેની ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે. પાટા પાણીમાં ડૂબી ગયા હતા, જેથી લગભગ એક કલાક સુધી ટ્રેનો રોકી દેવામાં આવી હતી. પાણી થોડુ ઓછુ થતા ફરી ટ્રેનો ચાલુ કરવામાં આવી છે. પરંતુ ટ્રેન સેવા હજુ પણ પ્રભાવિત છે.

રેલ વ્યવહાર ખોરવાયો

દરમિયાન, મધ્ય રેલવેએ જણાવ્યું હતું કે મુંબઈ ઉપનગરીય અને હાર્બર લાઈનો પર ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાને પગલે રેલ વ્યવહારમાં વિલંબ થયો હતો. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, કુર્લા-વિક્રોલી અને ભાંડુપ સ્ટેશનો પ્રભાવિત થયા હતા.

આ ટ્રેનો રદ કરવામાં આવી છે

મુંબઈ ડિવિઝનના વિવિધ રેલવે સ્ટેશનો પર પાણી ભરાવાને કારણે નીચેની ટ્રેનો આજે રદ કરવામાં આવી છે.
1- 12110 (MMR-CSMT)
2- 11010 (પુણે-CSMT)
3- 12124 (પુણે CSMT ડેક્કન)
4- 11007 (પુણે-CSMT ડેક્કન)
5- 12127 (CSMT-પુણે ઇન્ટરસિટી એક્સપ્રેસ)

આ પણ વાંચો : કલ્કિ 2898 એડી 500 કરોડને પાર, જાણો કિલ-મુંજાએ કેટલી કરી કમાણી ?

Back to top button