અમિત શાહે અમદાવાદમાં અમીન PJKP વિદ્યાર્થી ભવન અને આધુનિક મલ્ટિસ્પેશિયાલિટી SLiMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું
અમદાવાદ, 7 જુલાઈ: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ગુજરાતનાં અમદાવાદમાં અમીન પીજેકેપી વિદ્યાર્થી ભવનનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અમિત શાહે અમદાવાદમાં આધુનિક મલ્ટિસ્પેશિયાલિટી SLiMS હોસ્પિટલનું પણ ઉદઘાટન કર્યું હતું.
જો કોઈ સંસ્થા તેની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ કરે તો કહી શકાય કે સંસ્થાને સમગ્ર સમાજનો સહયોગ મળ્યો છે: અમિત શાહ
અમીન પીજેકેપી વિદ્યાર્થી ભવનના ઉદઘાટન બાદ અમિત શાહે જણાવ્યું હતું કે, જો કોઈ સંસ્થાએ તેની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ કર્યા હોય તો એમ કહી શકાય કે સંસ્થાને સમગ્ર સમાજનો સહયોગ મળ્યો છે, તો જ તે 100 વર્ષ પૂરા કરી શકી છે. તેમણે જણાવ્યું હતું કે, આ સંસ્થાએ 92 વર્ષથી હજારો બાળકોના જીવનમાં સતત જ્ઞાનનો દીપક પાથર્યો છે અને આ હોસ્ટેલે ગુજરાત અને દેશની સેવા કરનારા અનેક વ્યક્તિત્વો આપ્યા છે. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે પણ જો તમે તેનો સામનો સ્મિત અને દૃઢ નિશ્ચયથી કરશો તો બધી જ મુશ્કેલીઓ જાતે જ દૂર થઈ જશે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, આ સંસ્થાએ ગુજરાતના વિકાસમાં યોગદાન આપનારા અનેક સારા નાગરિકો પેદા કર્યા છે. તેમણે કહ્યું હતું કે, આજે જ્યાં આપણે સૌ બેઠા છીએ, ત્યાં સરદાર પટેલે એક સમયે આઝાદીની ચળવળ દરમિયાન પોતાનાં દિવસો ગાળ્યાં હતાં અને ઘણી બેઠકો યોજી હતી. તેમણે કહ્યું હતું કે, દરેક સ્થળની પોતાની સંસ્કૃતિ હોય છે અને ભૂમિ સાથે જોડાણ આપણામાં સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન કરે છે. શાહે જણાવ્યું હતું કે, અહીં આવનારા વિદ્યાર્થીઓએ હંમેશા એ યાદ રાખવું જોઈએ કે આઝાદીની ચળવળમાં સરદાર પટેલ જેવા મહાન વ્યક્તિત્વે અહિંથી બહુ મોટું યોગદાન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આજની પેઢીના વિદ્યાર્થીઓએ દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપવાની જરૂર નથી પરંતુ તેમણે દેશ માટે જીવવાની જરૂર છે. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે તેઓ તેમના જીવનમાં જે પણ કરે છે, તે તેમણે દેશ માટે કરવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, આપણામાં દેશ માટે જીવનભર કામ કરવાનો જુસ્સો હોવો જોઈએ.
અમિત શાહે જણાવ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણ માટે આ વિદ્યાર્થી ભવનમાં આશરે 1000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે. તેમણે જણાવ્યું હતું કે, જે વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણની સુવિધા નથી ત્યાંના વિદ્યાર્થીઓ પણ અહીં આવીને અભ્યાસ કરી શકશે, જેનાથી તેમના જીવનને પ્રકાશિત કરી શકાશે. તેમણે જણાવ્યું હતું કે, કડવા પટેલ સમાજે ગુજરાતના વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે. શાહે જણાવ્યું હતું કે, ગુજરાત અને પટેલ સમાજના વિકાસનો ગ્રાફ જોઇએ તો બંને સમાંતરે આગળ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે પટેલ સમાજના વિકાસની સાથે સાથે ગુજરાતનો પણ વિકાસ થયો છે. તેમણે જણાવ્યું હતું કે, પટેલ સમાજ મહેનતુ સમાજ છે, જેમાં શિક્ષણ, ધંધાકીય માનસ, સાહસ જેવા ગુણો છે અને સમાજને એક કરીને આગળ વધવા જેવા ગુણો ધરાવે છે, જેણે સમગ્ર પટેલ સમાજને, ખાસ કરીને કડવા પાટીદાર સમાજને ખૂબ જ આગળ લઈ ગયો છે. તેમણે જણાવ્યું હતું કે, આ સમાજે પોતાનો તેમજ સમાજનો વિકાસ કરવાની સાથે ગુજરાત અને દેશના વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, અહીં આવનારા તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ ભાગ્યશાળી છે કે તેમને એક ઐતિહાસિક સ્થળે અભ્યાસ કરવાની તક મળી છે. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિનો અધિકાર છે કે તે પોતાના કલ્યાણ માટે વિચારે અને પોતાની ખુશીની શોધમાં રહે, પરંતુ જો કોઈ પોતાના કલ્યાણ માટે આવો રસ્તો પસંદ કરે તો સમાજ માટે સારું રહેશે જેનાથી બીજા લોકોને પણ ફાયદો થશે. શાહે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ તેમના જીવનમાં એક ધ્યેય નક્કી કરવું જોઈએ અને તેને હાંસલ કરવા માટે પ્રયાસો કરવા અતિ મહત્ત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જીવનમાં સખત મહેનત કરવી જરૂરી છે પરંતુ કોઈએ ક્યારેય શોર્ટકટ ન અપનાવવો જોઈએ.
આ પણ વાંચો: કચ્છી નૂતનવર્ષની આજે દેશ અને દુનિયામાં ઉત્સાહ-ઉમંગથી ઉજવણી