થાણેમાં ભારે વરસાદના કારણે લોકલ ટ્રેન સેવા ખોરવાઈ, મુસાફરોને પડી મુશ્કેલી


- ભારે વરસાદથી ઝાડ પડવાથી અને પાટા પર કાદવ થઈ ગયો હોવાથી ટ્રેન સેવાને અસર પહોંચી
થાણે, 7 જુલાઇ: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કસારા અને ટિટવાલા સ્ટેશનો વચ્ચે આજે રવિવારે સવારે ભારે વરસાદ અને ઝાડ પડવાને કારણે લોકલ ટ્રેન સેવા ખોરવાઈ ગઈ હતી તેમ અધિકારીઓએ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સવારે 6.30 વાગ્યાની આસપાસ ભારે વરસાદને કારણે આટગાંવ અને તાનશેટ સ્ટેશન વચ્ચેના પાટા પર કાદવ થઈ ગયો હતો અને વાશિંદ સ્ટેશન નજીક એક ઝાડ પડી જવાથી ટ્રેક બ્લોક થઈ ગયો હતો, જેના કારણે કલ્યાણ-કસારા માર્ગ પર રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. સેન્ટ્રલ રેલવે (CR)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “કસારા અને ટિટવાલા વચ્ચેની ટ્રેન સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે.”
આ મામલે અધિકારીએ શું કહ્યું?
અધિકારીએ જણાવ્યું કે, સવારે 6.30 વાગ્યે ટ્રેકને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યો હતો. મધ્ય રેલવેના અન્ય એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વાશિંદ પાસે એક ‘ઓવરહેડ ઇક્વિપમેન્ટ’ (ટ્રેનમાં ઇલેક્ટ્રિક ટ્રેક્શન દ્વારા ઉર્જા પ્રસારિત કરવા માટે વપરાતું ઉપકરણ)નો એક થાંભલો વળી ગયો હતો અને ટ્રેનનું ‘પેન્ટોગ્રાફ’ (ઇલેક્ટ્રિકલ રીસીવિંગ ડિવાઇસ) તેમાં ફસાઇ ગયું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, સમારકામનું કામ ચાલી રહ્યું છે અને શક્ય તેટલી વહેલી તકે ટ્રેક સાફ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉપનગરીય ટ્રેન સેવાઓને મુંબઈ સિવાય થાણે, પાલઘર અને રાયગઢ સહિતના પડોશી વિસ્તારોની લાઈફલાઈન ગણવામાં આવે છે. મધ્ય રેલવેના ઉપનગરીય નેટવર્ક દ્વારા દરરોજ 30 લાખથી વધુ લોકો મુસાફરી કરે છે.
ચોમાસા દરમિયાન દરરોજ લોકલ સેવા થશે પ્રભાવિત
ઉલ્લેખનીય છે કે, અગાઉ મધ્ય રેલવેએ મુંબઈ નેટવર્ક પર પ્લેટફોર્મ વિસ્તરણના કામોને કારણે 30મી મેની મધ્યરાત્રિથી 63 કલાકનો મેગા બ્લોક ચલાવ્યો હતો. જેના કારણે મુંબઈની લાઈફલાઈન ગણાતી મુંબઈ લોકલ ટ્રેનની સેવા ખોરવાઈ ગઈ હતી અને લાખોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બ્લોકના સમયગાળા દરમિયાન લોકલ અને લાંબા અંતરની ટ્રેન સેવાઓને ભારે અસર થઈ હતી. હવે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, આગામી કેટલાક મહિનામાં લોકલ સેવાઓ ખોરવાઈ હોવાનું ઘણી વખત જોવા મળશે.
આ પણ જુઓ: હોસ્પિટલની બેદરકારીનો વીડિયો, દર્દીઓના રિપોર્ટમાંથી બને છે કાગળની પ્લેટો!