કાશ્મીરના કુલગામમાં 5 આતંકી ઠાર મરાયા: 2 જવાન શહીદ, રાજૌરીમાં આર્મી કેમ્પ પર થયો હુમલો
- કુલગામ જિલ્લામાં બે અલગ-અલગ જગ્યાએ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ
કાશ્મીર, 7 જુલાઇ: જમ્મુ-કાશ્મીરના દક્ષિણ ભાગમાં આવેલા કુલગામ જિલ્લામાં બે અલગ-અલગ જગ્યાએ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. આ પહેલા શનિવારે ચાર આતંકીઓ માર્યા ગયા હતા. આવી સ્થિતિમાં કુલગામમાં અત્યાર સુધીમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા છે. જો કે આ બંને ઓપરેશન દરમિયાન 2 સૈનિકોએ પણ બલિદાન આપ્યું છે. જ્યારે બીજી તરફ જમ્મુ ડિવિઝનના રાજૌરી જિલ્લામાં શંકાસ્પદ ગોળીબારમાં એક જવાન ઘાયલ થયો છે. તેને સારવાર માટે લશ્કરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, સૈનિકને પગમાં ગોળી વાગી છે.
રાજૌરીમાં સૈન્ય કેમ્પમાં શંકાસ્પદ ગોળીબાર
મળતી માહિતી મુજબ, રાજૌરી જિલ્લાના માંજાકોટ સ્થિત સૈન્ય કેમ્પમાં શંકાસ્પદ ગોળીબારમાં એક જવાન ઘાયલ થયો છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ફાયરિંગના અવાજ સાથે લગભગ અડધા કલાક સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો. આ પછી ઘાયલ સૈનિકને શોધી કાઢવામાં આવ્યો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવી છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, આ સૈનિક આતંકવાદી હુમલામાં ઘાયલ થયો હતો કે આકસ્મિક ગોળીથી. આ મામલે સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે.
શનિવારે કુલગામ જિલ્લામાં બે સ્થળોએ અથડામણ થયું હતું, જે રવિવારે પણ ચાલુ રહ્યું હતું. IG બી.કે. બિરડીએ જણાવ્યું કે, ફ્રિસલ ચિન્નીગામમાં ચાર આતંકીઓ ઠાર મરાયા હતા. સૂત્રો મુજબ, રવિવારે વધુ એક આતંકી માર્યો ગયો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનામાં સુરક્ષા દળોએ 11 આતંકીઓને ઠાર કર્યા છે.
આ જવાનો શહીદી પામ્યા
મળતી માહિતી મુજબ, આ અથડામણ ફ્રિસલ, ચિન્નીગામ અને મુદ્રાઘમ વિસ્તારમાં થયું હતું. કાર્યવાહીમાં, મુદ્રાઘમમાં પેરા કમાન્ડો લાન્સ નાયક પ્રદીપ નૈન અને ફ્રિસલમાં રાષ્ટ્રીય રાઈફલ્સના હવાલદાર રાજકુમારને ઈજા થઈ હતી. બાદમાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જોકે, સેના દ્વારા આ નામોની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે ચોક્કસ ઇનપુટના આધારે પોલીસ અને સુરક્ષા દળોની એક ટીમે કુલગામના મુદ્રાઘમ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરક્ષા દળો સંદિગ્ધ વિસ્તાર તરફ આગળ વધતા જ છુપાયેલા આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબી કાર્યવાહીના કારણે અથડામણ શરૂ થયું હતું.
પ્રારંભિક ગોળીબારમાં સેનાનો એક જવાન ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ પછી સુરક્ષાદળોએ સાવધાની સાથે ઓપરેશન ચાલુ રાખ્યું હતું. આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે જેથી કરીને આતંકીઓ અંધારાનો ફાયદો ઉઠાવીને ભાગી ન શકે.
બીજી અથડામણમાં શું થયું?
બીજી અથડામણ ફ્રિસલ ચિન્નીગામ વિસ્તારમાં થઈ હતી. અહીં પણ સુરક્ષાદળોએ આતંકીઓને ઘેરી લીધા અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું. આ દરમિયાન જ્યારે ઘેરાબંધી ચુસ્ત થઈ ગઈ ત્યારે આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબી કાર્યવાહીથી શરૂ થયેલી અથડામણમાં ઘરમાં છુપાયેલા ચાર આતંકવાદીઓને પણ ઠાર મારવામાં આવ્યા હતા.
ડ્રોન ફૂટેજમાં ચાર મૃતદેહો ઘરની બહાર પડેલા જોવા મળ્યા હતા. જો કે, સતત ગોળીબારના કારણે આ મૃતદેહો મળી શક્યા નહીં. એન્કાઉન્ટર શરૂ થતાં જ સુરક્ષા દળોના વરિષ્ઠ અધિકારીઓ બંને જગ્યાએ પહોંચી ગયા હતા. આસપાસના વિસ્તારોમાં પણ સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે.
આતંકવાદીઓની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છેઃ IG
ફ્રિસલમાં એન્કાઉન્ટર સ્થળ પર પહોંચેલા IG બીકે બિરડીએ કહ્યું કે, સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. અહીં આતંકવાદીઓને માર્યા જવું એ સુરક્ષા દળો માટે મોટી ઉપલબ્ધિ છે. અથડામણ સ્થળ જમ્મુ-શ્રીગર હાઈવેથી દૂર એક આંતરિક વિસ્તાર છે. કેટલાક આતંકવાદીઓના મૃતદેહ પડેલા જોવા મળ્યા છે, પરંતુ ઓપરેશન હજુ પણ ચાલુ છે.
આ પણ જુઓ: જમ્મુ કાશ્મીર : કુલગામના બે ગામોમાં એન્કાઉન્ટર, 4 આતંકી ઢેર, 1 જવાન શહીદ