ટોપ ન્યૂઝનેશનલ

હાથરસ ઘટનાનો આરોપી 14 દિવસ ન્યાયિક કસ્ટડીમાં, પોલીસ માંગશે રીમાન્ડ

Text To Speech

હાથરસ, 6 જુલાઈ : હાથરસ નાસભાગ કેસના મુખ્ય આરોપી દેવ પ્રકાશ મધુકરની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. શનિવારે હાથરસ કોર્ટે તેને 14 દિવસ માટે જેલમાં મોકલી આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દેવ પ્રકાશ મધુકરે એક દિવસ પહેલા જ આત્મસમર્પણ કર્યું હતું.

પોલીસ રિમાન્ડની માંગણી કરશે

મહત્વનું છે કે, પોલીસે મધુકર પર 1 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. તેની ધરપકડ બાદ, દેવ પ્રકાશ મધુકર શનિવારે હાથરસ કોર્ટમાં હાજર થયો હતો જ્યાં તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસ સોમવાર કે મંગળવારે રિમાન્ડ માટે કોર્ટમાં અરજી કરશે. ગયા મંગળવારે હાથરસમાં થયેલી નાસભાગમાં 121 લોકોએ જીવ ગુમાવ્યા હતા. પોલીસ ઉપદેશક બાબા સૂરજપાલના સેવકો અને સત્સંગના આયોજકો વિરુદ્ધ એફઆઈઆર નોંધીને તપાસ કરી રહી છે. આ પહેલા પણ 6 લોકો ઝડપાઈ ચૂક્યા છે. અત્યાર સુધી મુખ્ય આરોપી દેવપ્રકાશ મધુકર ફરાર હતો, જેની શુક્રવારે સાંજે ધરપકડ કરવામાં આવી હતી.

દેવ પ્રકાશ મધુકર કાર્યક્રમના મુખ્ય આયોજક

હાથરસ કાર્યક્રમના મુખ્ય આયોજક દેવ પ્રકાશ મધુકર હતા. આ ઉપરાંત તે બાબાના ખાસ માણસ પણ છે. અકસ્માત બાદ બાબાએ તેની સાથે ફોન પર લાંબા સમય સુધી વાત કરી હતી. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, નાસભાગની ઘટના બાદ દેવ પ્રકાશ મધુકર ઘરે પરત ફર્યા ન હતા. તેના પરિવારના સભ્યો પણ ગુમ છે. મધુકર વિશે એવું કહેવાય છે કે તે એક સમયે જુનિયર એન્જિનિયર (JE) હતા પરંતુ બાદમાં બાબા સૂરજપાલના પરમ ભક્ત બની ગયા હતા. દેવ પ્રકાશ મધુકરનું ઘર સિકંદરા રાઉ વિસ્તારમાં દામાદપુરાની નવી કોલોનીમાં છે.

ભોલે બાબાનો કોઈ સુરાગ મળ્યો નથી

હાથરસમાં સત્સંગ કરનારા ભોલે બાબા વિશે યુપી પોલીસને કોઈ સુરાગ નથી મળ્યો. હાથરસ નાસભાગની ઘટનાની તપાસ માટે ઉત્તર પ્રદેશ સરકારે SITની રચના કરી હતી. જેણે આ કેસમાં અત્યાર સુધીમાં 90 લોકોના નિવેદન નોંધ્યા છે. આ માહિતી આગ્રા ઝોનના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ અનુપમ કુલશ્રેષ્ઠે શુક્રવારે આપી હતી, જેઓ પોતે SITમાં સામેલ છે.

Back to top button