શ્રાવણ માસમાં ઈંડા-ચિકનની લારીઓ બંધ રાખવા માટે આદેશ
હાલમાં 29 જુલાઈથી હિન્દુઓ માટે પવિત્ર ગણાતો શ્રાવણ મહિનો શરુ થઇ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાન શિવની આરાધના અને ધ્યાન ધરતાં હોય છે. પણ તેમાં ધાર્મિક સ્થાનોની આસપાસ ચાલતી નોનવેજની લારીઓના કારણે લોકોની ભક્તિમાં ખલેલ ન પહોંચે જેને લઈને સુરત શહેરમાં ઈંડા-ચિકનની લારીઓ બંધ રાખવા આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક સ્થળો પર ગંદકી નહીં થાય તેની પણ ખાસ તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જાહેરનામાંનો ભંગ કરનારા વિરુદ્ધ આરોગ્ય સમિતિ કાર્યવાહી કરશે
વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર સમગ્ર શ્રાવણ માસ દરમિયાન જાહેરનામાનું ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ અને જાહેર સ્થળોએ નોન-વેજ વાનગીઓ અને ખોરાકનું વેચાણ કરતી લારીઓ વિરુદ્ધ તુરંત કાર્યવાહી કરવામાં આવશે તેમ આરોગ્ય સમિતિ દ્વારા જાણવામાં આવ્યું હતું. આગામી 29 જુલાઈથી શ્રાવણ મહિનાની શરૂઆત થઇ રહીં છે જેને લઈને સુરત શહેરમાં વહીવટી તંત્ર દ્વારા જાહેર સ્થળો ઉપર નોનવેજ ખોરાકની લારીઓ બંધ કરવાનું ફરમાન જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : રાજકોટ : શ્રાવણ મહિનાના તમામ સોમવાર, જન્માષ્ટીએ નોનવેજ વેચવા પર પ્રતિબંધ
ઈંડા-ચિકનની લારીઓ બંધ રાખવા આદેશ
રાજકોટ મનપાએ શ્રાવણ મહિના તમામ સોમવાર અને જન્માષ્ટમીના દિવસે શહેરમાં નોનવેજ વેચવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. મનપાએ જાહેરનામું બહાર પાડી જણાવ્યું છે કે, શ્રાવણ મહિનાના ચાર સોમવાર એટલે કે, 1 ઓગસ્ટ, 8 ઓગસ્ટ, 15 ઓગસ્ટ અને 22 ઓગસ્ટના રોજ નોનવેજ વેચવા પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમજ 18 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીએ પણ નોનવેજ વેચવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ દિવસોમા શહેરમાં તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા અને માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ GPMC એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.