ગુજરાત સરકાર ખેડૂતોને નેનો યુરીયા અને નેનો DAPની ખરીદી પર 50% સહાય આપશે
- સહકારી સંસ્થાઓ મકાઈની ટેકાના ભાવે ખરીદી કરશે અને તેમાંથી ઇથેનોલનું નિર્માણ થશે
- વર્ષ ૨૦૨૯ સુધીમાં દેશની કોઇપણ પંચાયત દૂધ ડેરી અથવા પેક્સ વિનાની નહિ હોય
- દિલ્હી ખાતે દેશના સૌપ્રથમ અમૂલ ઓર્ગેનિક સ્ટોરનું લોકર્પણ તેમજ “ભારત ઓર્ગેનિક આટા”નું કરાયું લોન્ચિંગ
HD ન્યૂઝ ડેસ્ક, 6 જુલાઈ, ગાંધીનગર ખાતે ૧૦૨મા આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય કક્ષાનો “સહકાર સે સમૃદ્ધિ” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી મુરલીધર મહોલ અને ગુજરાતના સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિત દેશભરના સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સહકારી સંસ્થાઓ મકાઈની ટેકાના ભાવે ખરીદી કરશે અને તેમાંથી ઇથેનોલનું નિર્માણ થશે વર્ષ ૨૦૨૯ સુધીમાં દેશની કોઇપણ પંચાયત દૂધ ડેરી અથવા પેક્સ વિનાની નહિ હોય. દિલ્હી ખાતે દેશના સૌપ્રથમ અમૂલ ઓર્ગેનિક સ્ટોરનું લોકર્પણ તેમજ “ભારત ઓર્ગેનિક આટા”નું લોન્ચિંગ કરાયું
સહકારિતા ક્ષેત્રને દેશના અર્થતંત્રનો સૌથી મજબૂત સ્તંભ બનાવી વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે આહ્વાન કરતા કેન્દ્રીય સહકારિતા મંત્રી શાહે કહ્યું હતું કે, સહકારિતા ક્ષેત્ર કરોડો ભારતીયોના જીવન સાથે જોડાયેલું ક્ષેત્ર છે, જે નાગરીકોના જીવનમાં મોટો બદલાવ લાવશે. કેન્દ્રીય સહકારિતા મંત્રીએ ગુજરાત સરકારના નિર્ણયને બિરદાવતા કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ખેડૂતોને નેનો યુરીયા અને નેનો ડીએપીની ખરીદી પર ૫૦ ટકાની વિશેષ સહાય આપવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પારંપરિક યુરિયાના સ્થાને નેનો યુરીયા અને નેનો ડીએપી પ્રવાહીનો ઉપયોગ કરવાથી યુરિયાનો વપરાશ ઘટશે, જેથી પાક અને જમીનની ગુણવત્તા સાથે માનવ સ્વાસ્થ્યમાં પણ નોંધપાત્ર સુધારો આવશે. નેનો યુરિયાના ઉપયોગથી થતા વિવિધ ફાયદાઓ અંગે વિસ્તૃત વાત કરી તેમણે રાજ્યના દરેક ખેડૂતો નેનો યુરિયાનો ઉપયોગ કરે તે માટે પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો.
સહકારી સંસ્થાઓ વચ્ચે સહકારિતાને પ્રોત્સાહન આપવા સહકારિતા ક્ષેત્રનો સંપૂર્ણ આર્થિક વ્યવહાર સહકારી ક્ષેત્રમાં જ કરવા કેન્દ્રીય મંત્રીએ સૌને અનુરોધ કર્યો હતો. તેમણે ગુજરાતના ૨ જિલ્લાનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, “કો-ઓપરેશન અમોન્ગ્સ કો-ઓપરેટીવ” અંતર્ગત ગુજરાતના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. માત્ર આ બે જિલ્લામાં જ રૂ. ૭૮૫ કરોડની ડીપોઝીટ વધારવામાં સફળતા મળી છે. આ બંને જિલ્લામાં મળી ઝીરો ટકા વ્યાજે આશરે ૨૩,૦૦૦થી વધુ કિસાન ક્રેડીટ કાર્ડ તેમજ ૩.૮ લાખ RuPay ડેબીટ કાર્ડ ખેડૂત ભાઈઓ અને દૂધ ઉત્પાદન કરતી માતાઓને આપવામાં આવ્યા છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકારે જૈવિક ઉત્પાદનો એટલે કે, ઓર્ગેનિક ફૂડને પ્રોત્સાહન આપવા નેશનલ કો-ઓપરેટીવ ઓર્ગેનીક્સ લીમીટેડની સ્થાપના કરી છે. અમૂલે પણ આજે દિલ્હી ખાતે દેશના સૌ પ્રથમ અમૂલ ઓર્ગેનિક સ્ટોરનો શુભારંભ કર્યો છે. આગામી સમયમાં અમૂલ દેશભરમાં વધુ ૧૦૦ અમૂલ ઓર્ગેનિક સ્ટોર શરૂ કરશે. મકાઈના ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળે તે માટે કો-ઓપરેટીવ સંસ્થાઓના માધ્યમથી મકાઈની MSP એટલે કે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે અને તેમાંથી પેટ્રોલમાં મિશ્રણ માટે ઇથેનોલનું નિર્માણ કરવામાં આવશે. સાથે જ ભારત સરકારે નાફેડ અને કન્ઝ્યુમર કો-ઓપરેટીવના માધ્યમથી મુખ્ય ચાર દાળની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સહકારી ક્ષેત્રની વિશેષતાઓ જણાવતાં કહ્યું કે, ૮૩ હજારથી વધુ મંડળીઓના ૨ કરોડ ૩૦ લાખથી વધુ સભાસદો સહકારિતાથી ‘સમાન હેતુ, સમાન હિત, સમાન ધ્યેય’ની ભાવનાથી કાર્યરત છે. પ્રાકૃતિક ખેતી સહકારી ધોરણે વિકસાવવા રાજ્યમાં ૪૦૦ ઉપરાંત જેટલી પ્રાકૃતિક ખેતી સહકારી મંડળીઓ ચાલે છે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. તેમણે સહકારી પ્રવૃત્તિ અને સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા સૌને સહકારી ક્ષેત્રની વિકાસયાત્રાથી અમૃતકાળમાં વિકસિત ગુજરાત થી વિકસિત ભારત બનાવવા પણ સહયોગી થવા અનુરોધ કર્યો હતો. સહકાર મંત્રી અમિતભાઈ શાહ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે ભારતના દિલ્હીમાં અમૂલના પહેલા ઓર્ગેનિક સ્ટોરનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સહકાર સાથે સંકળાયેલ ખેડૂતોને ‘નેનો યુરિયા કીટ’ પણ એનાયત કરી હતી તથા નેશનલ કો-ઓપરેટીવ ઓર્ગેનીક્સ લીમીટેડના “ભારત ઓર્ગેનિક આટા”નું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે ગુજરાત અર્બન કોઓપરેટીવ બેન્ક ફેડરેશનના અધ્યક્ષ જ્યોતિન્દ્ર મહેતાએ આભાર વિધિ કરી હતી.
આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસના અવસર પર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, અમૂલના ચેરમેન શામળભાઈ પટેલ, નાફેડના અધ્યક્ષ અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ આહીર, ક્રિભકોના ચેરમેન ડો. ચંદ્રપાલ સિંઘ યાદવ, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેન્કના ચેરમેન અજયભાઇ પટેલ, ગુજકોમાસોલના ઉપાધ્યક્ષ બિપીનભાઈ પટેલ, ખેતી બેન્કના અધ્યક્ષ ડોલરભાઈ કોટેચા, રાજ્યસભા સાંસદ નરહરિભાઈ અમીન,રાજ્ય સહકારી સંઘના અધ્યક્ષ ઘનશ્યામભાઈ અમીન, ઇફ્કોના ડિરેક્ટર અને ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા સહિત દેશભરમાંથી આવેલા સહકારિતા સાથે સંકળાયેલા સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો..નાણામંત્રી આ તારીખે બજેટ રજૂ કરશે, સંસદ સત્રની તારીખો જાહેર