અમદાવાદગુજરાત

રથયાત્રાના રૂટ પર સ્થિત જર્જરિત મકાનો પર જતા લોકોને AMCના કર્મચારીઓ અટકાવશે

Text To Speech

અમદાવાદ, 06 જુલાઈ 2024, નગરના નાથ ભગવાન જગન્નાથ આવતી કાલે અષાઢી બીજને દિવસે નગરચર્યાએ નીકળશે. ભગવાનના દર્શન કરવા માટે દૂર-દૂરથી લોકો આવતા હોય છે. શહેરમાં રથયાત્રાનો રૂટ કોટ વિસ્તારમાંથી પસાર થાય છે. જેમાં વર્ષો જૂના મકાનો ભયજનક અને જર્જરિત છે. ગત વર્ષે રથયાત્રામાં દરિયાપુરમાં મકાનની ગેલેરી તૂટી પડવાની ઘટના બાદ હવે જ્યાં પણ જર્જરીત મકાન હોય ત્યાં કોઈપણ વ્યક્તિ પ્રવેશ ન કરે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીને જવાબદારી સોંપવામાં આવી છે. પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી ભયજનક મકાન પર હાજર રહેશે અને કોઈપણ વ્યક્તિને આવા મકાનમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

પોલીસ લોકોને ભયજનક મકાનો પાસેથી દૂર કરશે
રથયાત્રા રૂટ પર કુલ 463 જેટલા ભયજનક અને જર્જરિત મકાનો મળી આવ્યા છે. જેને ચાર રૂટમાં ફાળવવામાં આવ્યા છે. આવતીકાલે રવિવારે રથયાત્રા દરમિયાન આ મકાનોમાં આવેલી ગેલેરી-બાલકની કે ઝરૂખામાં વધારે વ્યક્તિ ઊભા ન રહે તેના માટે હવે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જો વધારે વ્યક્તિ ભેગા થઈ જાય તો રથયાત્રા રોડ પર હાજર પોલીસ કર્મચારીઓની મદદ લઈને મકાનોમાંથી લોકોને ઉતારવાની કામગીરી પણ આપવામાં આવશે.

AMCના અધિકારીઓ જર્જરીત મકાનો પર ફરજ બજાવશે
AMCના 390 કર્મચારીઓ સવારથી જ આ તમામ ભયજનક-જર્જરિત મકાનોમાં હાજર રહેશે. આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને જે તે વોર્ડના ઇન્સ્પેક્ટરની સાથે જોડાયેલા કર્મચારીને જર્જરિત મકાનોમાં જવાબદારી સોંપવામાં આવી છે. તે તમામ લોકો દ્વારા સ્થળ પર રૂબરૂ તપાસ કરવામાં આવશે. પોલીસના કર્મચારીઓને પણ ભયજનક મકાનમાં કોઈ વ્યક્તિ પ્રવેશ નહીં કરે તેને લઇ હાજર રહેશે.

આ પણ વાંચોઃ અમદાવાદ રથયાત્રાઃઆજે અને આવતીકાલે AMTS-BRTSના આ રૂટ બંધ રહેશે

Back to top button