સુરતમાં 6 માળનું બિલ્ડીંગ ધરાશાયી થતાં 15 લોકો ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂની કામગીરી શરૂ
સુરત, 06 જુલાઈ 2024, શહેરમાં આજે સવારે પાંડેસરા GIDCમાં આગની ઘટના બની હતી. આગ હોલવવા માટે ફાયરની 18 ગાડીઓ દોડી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. બીજી તરફ શહેરના સચિન વિસ્તારમાં પાલીગામ ખાતે ફરીવાર ફાયર વિભાગની દોડાદોડ થઈ છે. આ વિસ્તારમાં 6 માળની ઈમારત એકાએક ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ ઘટનામાં 15 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
ફાયર વિભાગે રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે સચિનના પાલીગામ ખાતે એકાએક બનેલી ઘટનાને કારણે ફાયર વિભાગ ફરીથી દોડતું થયું છે. પાલીગામ વિસ્તારમાં આવેલી 6 માળની ઇમારત એકાએક ધરાશાયી થઈ જતાં આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. ઇમારત ધરાશય થવાની ઘટના બનતા ફાયર વિભાગ ઘટના સ્થળ ઉપર પહોંચીને રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી છે. ફાયરના ઉચ્ચ અધિકારીઓ તેમજ સચિન પોલીસ સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયરના જવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે.
6 માળની ઇમારત ધરાશયી થતાં દોડધામ મચી ગઈ
સચિન ડીએમનગરની 6 માળની ઇમારત ધરાશયી થતાં દોડધામ મચી ગઈ છે. આજુબાજુ પણ લોકો એકત્રિત થઈ ગયા છે. આ ઘટનામાં 15 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. કાટમાળ ખૂબ મોટા પ્રમાણમાં હોવાને કારણે ફાયર વિભાગ દ્વારા તમામ કાટમાળને દૂર કરવામાં આવી રહ્યું છે. કેટલાક લોકોને ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃસુરતની પાંડેસરા GIDCમાં મીલમાં આગ લાગી, ફાયરની 18 ગાડીઓ ઘટનાસ્થળે