ગુજરાતટોપ ન્યૂઝબિઝનેસ

વરસાદ વચ્ચે સામાન્ય જનતાને શાકભાજી પણ રડાવે છે,આ કારણોથી થઈ રહ્યો છે ભાવ વધારો

Text To Speech

હાલમાં રાજ્યમાં જે રીતે વરસાદી માહોલ જામ્યો છે. તેની અસર હવે શાકભાજીના ભાવ પર પડી રહી છે. છેલ્લા એક સપ્તાહથી અવિરત વરસાદ પડતાં ખુલ્લા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. ખેતરમાં ઊભેલો પાક ડૂબી ગયો હતો. એટલું જ નહીં સપ્તાહ કરતાં વધુ સમય સુધી ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા ઊભો પાક નાશ પામ્યો છે. જેના કારણે હવે સામાન્ય માણસ પર મોંઘવારીનો ભાર જોવા મળી રહ્યો છે.

ખાસ કરીને વરસાદને લીધે શાકભાજીની આવક અડધી થઇ જતાં ભાવ બમણાં થઈ ગયા છે. જેને કારણે ભીંડા, ગુવારસિંગ, તુવેરસિંગ પાપડી જેવા શાકભાજીના ભાવ 100 રૂપિયાને આંબી ગયા છે. જ્યારે ચોળી તો બજારમાંથી ગાયબ જ થઈ ગઈ છે. જ્યારે રોજિંદા વપરાશમાં આવતાં કાંદા અને બટાટાના ભાવ 10 રૂપિયાથી 30 રૂપિયે કિલો થઈ જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. હજુ પણ લીંબુના ભાવ છૂટક બજારમાં 70 રૂ. છે. જયારે લીલા મરચાંથી માંડીને સિમલા મરચાંના ભાવ પણ બમણાં થઈ ગયા છે. આગામી થોડા દિવસ સુધી શાકભાજીના ભાવવધારાનો માર લોકોએ સહન કરવો પડશે.

Vegetable price hike
છૂટક મોંઘવારીમાં વધારો

આ અંગે રાજ્યની વિવિધ એપીએમસીમાં ચોમાસાની સિઝનમાં રોજિંદા રીંગણ, કાંદા, બટાટા, કોબિજ, ફ્લાવર, પાપડી, મરચા, આદું મળી 2500 થી 3 હજાર ટન શાકભાજીની આવક થાય છે, પરંતુ મુશળધાર વરસાદ પડ્યા બાદ શાકભાજીની આવક ઘટી ગઇ છે. તેમાં પણ વીતેલા ત્રણ-ચાર દિવસથી શાકભાજીની આવક અડધી થઇ ગઇ છે. વાત જો સુરત APMC ની કરવામાં આવે તો 23 જુલાઈના રોજ 1869 ટન અને 25 જુલાઈના 1594 ટન શાકભાજીની આવક થઈ હતી. બે દિવસથી કાંદાની આવક ઘટી ગઇ છે. તેમજ વિવિધ રાજ્યોમાં વરસાદની અસર પણ લોકલ બજારમાં જોવા મળી રહી છે.

મહારાષ્ટ્ર અને ઉત્તર ભારતમાંથી આવતા શાકભાજીની આવક ઘટી

રાજ્યની વિવિધ એપીએમસીમાં મહારાષ્ટ્રના નાશિક તેમજ ઉત્તર ભારતમાંથી રોજિંદા શાકભાજીની મોટી આવક થાય છે. મહારાષ્ટ્ર તરફથી રોજના 25 થી 30 ટ્રક અને ઉત્તર ભારત તરફ્થી 10 થી 15 ટ્રક શાકભાજી આવે છે, પરંતુ હાલમાં બંને સ્થળેથી મળીને માંડ 15 જેટલી ટ્રક જ આવે છે. દરમિયાન સ્થાનિકની સાથે અન્ય રાજય અને જિલ્લામાંથી આવતા શાકભાજીની આવક પણ ઘટી ગઇ હોવાથી શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેના કારણે બજારમાં મોંઘવારીની અસર જોવા મળી રહી છે.

Back to top button