હાથરસ દુર્ઘટનામાં ફરાર મુખ્ય આરોપીએ દિલ્હીમાં કર્યું આત્મસમર્પણ
- સુપ્રીમ કોર્ટના વકીલ એપી સિંહનો દાવો, કહ્યું-મધુકરને રાત્રે 10 વાગ્યે યુપી પોલીસની વિશેષ તપાસ ટીમને સોંપવામાં આવ્યો
નવી દિલ્હી, 06 જુલાઈ : હાથરસમાં સત્સંગ દરમિયાન નાસભાગને કારણે 121 લોકોના મૃત્યુના કેસમાં ફરાર મુખ્ય આરોપી દેવપ્રકાશ મધુકરે દિલ્હીમાં આત્મસમર્પણ કર્યું. સુપ્રીમ કોર્ટના વકીલ એપી સિંહે દાવો કર્યો હતો કે મધુકરને રાત્રે 10 વાગ્યે યુપી પોલીસની વિશેષ તપાસ ટીમને સોંપવામાં આવ્યો છે. હાથરસ પોલીસ રાજસ્થાન અને હરિયાણાની સાથે યુપીમાં મધુકરને શોધવાનો દાવો કરી રહી હતી. શરણાગતિ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં નોંધાયેલી એફઆઈઆરમાં મુખ્ય સેવાદાર મધુકર પર પર 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
એડવોકેટ એપી સિંહે જુઓ શું કહ્યું ?
એડવોકેટ એપી સિંહે કહ્યું કે, મધુકરની દિલ્હીમાં સારવાર ચાલી રહી હતી. અમે તપાસમાં મદદ કરવા માંગીએ છીએ. મધુકરે પોતે સત્સંગ માટે વહીવટીતંત્ર પાસેથી મંજૂરી લીધી હતી. તેઓ કાર્યક્રમના મુખ્ય આયોજક પણ હતા. તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો : કોણ છે લિસા નંદી, જેમને બ્રિટિશ PM કીર સ્ટાર્મરે તેમની કેબિનેટમાં સ્થાન આપ્યું? જાણો
હાથરસ પોલીસે કહ્યું- રસ્તા પર ચાલતી વખતે કરાઈ ધરપકડ
હાથરસના પોલીસ અધિક્ષક નિપુન અગ્રવાલે જણાવ્યું કે પોલીસ ટીમે મધુકરની ધરપકડ કરી છે, જેના પર 1 લાખ રૂપિયાનું ઈનામ હતું. આ ધરપકડ દિલ્હીમાં રસ્તા પર ચાલતી વખતે થઈ હતી. હોસ્પિટલમાંથી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
132 સાક્ષીઓના નિવેદનો નોંધાયા
આગ્રા ઝોનના ADG અનુપમ કુલશ્રેષ્ઠે કહ્યું કે, SIT ટૂંક સમયમાં મુખ્ય પ્રધાનને અંતિમ રિપોર્ટ સોંપશે. અત્યાર સુધીમાં 132 સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. તે જ સમયે, એક પોલીસ અધિકારીએ કહ્યું, હજુ સુધી કોઈને ક્લીનચીટ આપવામાં આવી નથી. પોલીસ પૂછપરછ માટે નારાયણ સાકર વિશ્વ હરિ ઉર્ફે ભોલે બાબાને પણ શોધી રહી છે. જોકે, FIRમાં ભોલે બાબાનું નામ નથી. દરમિયાન, તપાસ માટે રચાયેલ ન્યાયિક પંચ શનિવારે હાથરસ પહોંચી રહ્યું છે.
…જેથી કોઈ ઈનામનો દાવો ન કરી શકે
એપી સિંહે કહ્યું કે અમે શુક્રવાર સુધીમાં મધુકરને તપાસ એજન્સીઓને સોંપી દેવાનું વચન આપ્યું હતું. વચન મુજબ યુપી પોલીસને બોલાવીને આત્મસમર્પણ કરવામાં આવ્યું હતું. આગોતરા જામીન અરજી પણ દાખલ કરવામાં આવી ન હતી. મધુકરને હૃદયની બીમારી છે, તે સારવાર માટે દિલ્હી આવ્યો હતો. પોલીસ તેમની ઈચ્છા મુજબ પૂછપરછ કરી શકે છે. અમે તેને આત્મસમર્પણ કરવા માટે કહ્યું, જેથી કોઈ તેની ધરપકડ માટે ઈનામનો દાવો ન કરી શકે.
આ પણ વાંચો : કાલથી ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે 5 T20 મેચ ટુર્નામેન્ટ, જાણો ક્યાં જોઈ શકાશે મેચ