ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

કોણ છે લિસા નંદી, જેમને બ્રિટિશ PM કીર સ્ટાર્મરે તેમની કેબિનેટમાં સ્થાન આપ્યું? જાણો 

  • બ્રિટનના નવા વડાપ્રધાન કીર સ્ટાર્મરે પ્રચંડ બહુમતિથી જીત બાદ તેમની કેબિનેટની જાહેરાત કરી

લંડન, 6 જુલાઇ: બ્રિટનના નવા વડાપ્રધાન કીર સ્ટાર્મરે શુક્રવારે તેમની કેબિનેટની જાહેરાત કરી હતી. સ્ટાર્મરની કેબિનેટમાં ભારતીય મૂળની એક મહિલા નેતાને પણ મહત્ત્વનું મંત્રાલય મળ્યું છે. ઉત્તર-પશ્ચિમ ઇંગ્લેન્ડના વિગન સંસદીય મતવિસ્તારમાંથી ભારે માર્જિન સાથે પુનઃ ચૂંટાયેલા ભારતીય મૂળના લિસા નંદીને વડાપ્રધાન કીર સ્ટાર્મર દ્વારા સંસ્કૃતિ, મીડિયા અને રમતગમત પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ચૂંટણીમાં લેબર પાર્ટીની જંગી જીત પછી, સ્ટાર્મરે તરત જ તેમની કેબિનેટની જાહેરાત કરી અને નવી સરકારનું કામ શરૂ કર્યું.

લિસા એક સમયે સ્ટાર્મરની હરીફ હતી

ઉલ્લેખનીય છે કે, લીસા નંદી જાન્યુઆરી 2020માં લેબર પાર્ટીના પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં છેલ્લા 3 દાવેદારોમાંની એક હતી, જ્યાં તેણીનો સામનો સ્ટારર અને અન્ય ઉમેદવાર સાથે હતો. ત્યારથી લિસા સ્ટાર્મરની અધ્યક્ષતા હેઠળ સેવા આપી રહી છે. મહત્ત્વપૂર્ણ છે કે, લિસા નંદીના પિતા દીપક નંદી અંગ્રેજી સાહિત્યમાં જાણીતું નામ છે અને તેઓ 1956માં બ્રિટન ગયા હતા. તે જ સમયે, નંદીના દાદા ફ્રેન્ક બાયર્સ લિબરલ પાર્ટીના સાંસદ હતા. લિસા લ્યુસી ફ્રેઝરનું સ્થાન લેશે, જેઓ ઋષિ સુનકના નેતૃત્વમાં કન્ઝર્વેટિવ પાર્ટીની સરકારમાં સંસ્કૃતિ મંત્રાલયનો હવાલો સંભાળી રહ્યા છે.

લંડન યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી લીધી

લિસા નંદીએ પાર્સ વૂડ હાઈસ્કૂલ અને હોલી ક્રોસ કોલેજમાં પોતાનું સ્કૂલિંગ કર્યું હતું. આ પછી તેણે 2001માં ન્યૂકેસલ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું. લિસાએ લંડન યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી પણ મેળવી છે. લિસાએ તેની કારકિર્દીની શરૂઆતમાં લેબર પાર્ટીના સાંસદ નીલ ગેરાર્ડ સાથે પણ કામ કર્યું હતું. લિસાએ શરણાર્થી મુદ્દાઓ પર પણ વ્યાપકપણે કામ કર્યું છે અને ઈંગ્લેન્ડ માટે ચિલ્ડ્રન્સ કમિશનર અને સ્વતંત્ર આશ્રય આયોગના સલાહકાર તરીકે સેવા આપી છે.

ઋષિ સુનકના પક્ષને કારમી હારનો સામનો કરવો પડ્યો

ઉલ્લેખનીય છે કે, ઋષિ સુનકના નેતૃત્વમાં કન્ઝર્વેટિવ પાર્ટીને બ્રિટિશ સંસદીય ચૂંટણીમાં મોટી હારનો સામનો કરવો પડ્યો છે. ઋષિ સુનકે ભલે તેમની ચૂંટણી આસાનીથી જીતી લીધી હોય, પરંતુ તેમના ઘણા મંત્રીઓ ચૂંટણી હારી ગયા હતા. પૂર્વ વડાપ્રધાન લિઝ ટ્રસ પણ પોતાની સીટ બચાવી શક્યા નથી. લેબર પાર્ટીએ આ ચૂંટણીઓમાં જંગી જીત મેળવી હતી અને 650માંથી 411 બેઠકો કબજે કરી હતી. તે જ સમયે, ગત સામાન્ય ચૂંટણીમાં 365 બેઠકો જીતનાર કન્ઝર્વેટિવ પાર્ટી આ વખતે માત્ર 121 બેઠકો પર જ ઘટી ગઈ છે.

આ પણ જુઓ: ભારતીય મૂળના મહિલા બની શકે છે યુએસના નવા પ્રમુખ, જાણો કોણે કર્યો દાવો?

Back to top button