તાલાલાઃ વિશ્વમાં પ્રખ્યાત ગીર પંથકની કેસર કેરીના ગઢ ગણાતા તાલાલા ગીરના યાર્ડમાં કેસર કેરીની હરરાજીનો વિધિવત પ્રારંભ થયો છે. ગીરની પ્રખ્યાત કેસર કેરીના ભાવોમાં પાછલા તમામ વર્ષોના રેકોર્ડ તોડી આ વર્ષે હરરાજીના પ્રથમ દિવસે સર્વોચ્ચ રૂ.1500ના પ્રતિ બોકસના ભાવ બોલાયા હતા. હરરાજીના પ્રારંભે પ્રથમ કેરીનું બોક્સ ગૌશાળાના લાભાર્થે રૂ.16 હજારમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ બોલી લગાવી ખરીદ્યું હતું. છેલ્લા બે વર્ષથી વાતાવરણની વિષમતાને કારણે આ વર્ષે ગીર પંથકની કેસર કેરીનું ઉત્પાદન ઓછું થવાના કારણે પ્રથમ દિવસે તાલાલા યાર્ડમાં માત્ર 2600 બોકસ જ હરરાજીમાં આવ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષની સરખામણીએ 3 હજાર બોક્સ ઓછાં આવ્યા હતા.
માત્ર 2600 બોક્સ જ હરરાજીમાં આવ્યાં
વિશ્વમાં ફળોના રાજા તરીકે ઓળખાતી ગીર પંથકની કેસર કેરીની હરરાજીની તાલાલા એ.પી.એમ.સી. ખાતે વિધિવત શરૂઆત થઈ છે. આજે થયેલી હરરાજી અંગે યાર્ડના ચેરમેન સંજય શીંગાળાએ જણાવેલ કે, પ્રથમ દિવસે ગત વર્ષની સરખામણીએ ખુબ ઓછા એટલે કે માત્ર 2600 બોક્સ જ કેસર કેરીના યાર્ડમાં હરરાજી માટે આવ્યા હતા. વર્ષોની પ્રણાલી મુજબ આજે યાર્ડમાં હરરાજીમાં પ્રથમ કેરીનું બોકસ રૂ.16 હજારમાં વેંચાયું હતું. આ રકમ ગૌશાળામાં અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ હરરાજી વિઘિવત રીતે આગળ વધારવામાં આવી હતી.
કેસર કેરીની આવક ઓછી જોવા મળી
વધુમાં જણાવતા સંજયભાઈ કહે છે કે, કેસર કેરીના પ્રતિ એક બોકસના ન્યુનતમ રૂ.500 અને મહત્તમ રૂ.1500 સુઘી બોલાયા હતા. જેમાં નાના અને મધ્યમ કેરીના ફળના એક બોકસના રૂ. 700થી 800 જેવો ભાવ સરેરાશ રહ્યો હતો. ગીર પંથકમાં પ્રતિકુળ હવામાન અને ગત વર્ષનાં વાવાઝોડાના કારણે કેસર કેરીના પાકને ગ્રહણ લાગ્યું હોવાથી ઉત્પાદન ઘણું ઘટ્યું છે. જેના લીઘે આ વર્ષે કેરીના એક્સપોર્ટની સંભાવના પણ નહિવત જોવા મળી રહી છે. કારણ કે દર વર્ષે આંબાના એક એક બગીચામાંથી 300થી 400 કેરીના બોકસ હરરાજીમાં આવતા જેની સામે આ વર્ષે માત્ર 15થી 60 બોકસ જ આવવાની ઘારણા છે. જો કે આ વર્ષની સીઝન 15 જુન સુઘી લાંબી ચાલે તેવી સંભાવના લાગી રહી છે પરંતુ પ્રમાણમાં કેસર કેરીની આવક ઓછી જોવા મળશે.