- સર્વેલન્સ અને સ્ક્રીનિંગ વધારવા માટે સૂચના અપાઈ
- હોસ્પિટલો અને આરોગ્ય સુવિધાઓને મચ્છર મુક્ત રાખવા માટે નોડલ ઓફિસરની નિમણૂક કરવા પણ કહેવાયું
નવી દિલ્હી, 03 જુલાઈ : મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસના ઘણા કેસ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકાર સતર્ક થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ઝીકા વાયરસને લઈને તમામ રાજ્યોને એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરી હેઠળ તમામ રાજ્યોને સગર્ભા સ્ત્રીઓમાં ઝિકા વાયરસના સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને સર્વેલન્સ વધારવા અને સ્ક્રીનિંગ વધારવા માટે સૂચના આપવામાં આવી છે.
પુણેમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઝિકા વાયરસના છ કેસ નોંધાયા
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના પુણેમાં છેલ્લા 11 દિવસમાં ઝિકા વાયરસના છ કેસ નોંધાયા છે. 1 જુલાઈના રોજ બે ગર્ભવતી મહિલાઓમાં ઝિકા વાયરસના ચેપની પુષ્ટિ થઈ હતી. આ જ કારણ છે કે કેન્દ્ર સરકાર આ અંગે સતર્ક છે. સરકારે ઝિકા વાયરસથી સંક્રમિત મહિલાઓના ભ્રૂણ પર સતત દેખરેખ રાખવાનો પણ નિર્દેશ આપ્યો છે. હોસ્પિટલો અને આરોગ્ય સુવિધાઓને મચ્છર મુક્ત રાખવા માટે નોડલ ઓફિસરની નિમણૂક કરવા ઉપરાંત રહેણાંક વિસ્તારો, શાળાઓ, બાંધકામ સ્થળો અને વિવિધ સંસ્થાઓને પણ મચ્છર મુક્ત રાખવા માટે કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : વિપક્ષોના વૉકઆઉટ રાજ્યસભામાં ગુસ્સે થયેલા PM મોદીએ શું કહ્યું, જૂઓ વીડિયો
સગર્ભા સ્ત્રીઓ માટે ઝિકા વાયરસનો ચેપ વધુ જોખમી
ઝીકા વાયરસ પણ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવો મચ્છરજન્ય રોગ છે. આ રોગથી સંક્રમિત સગર્ભા સ્ત્રીઓમાં જન્મેલા બાળકોના માથાનું કદ સામાન્ય કરતા ઓછું હોય છે. આ કારણે ઝીકા વાયરસનો ચેપ ચિંતાનો વિષય છે. ભારતમાં વર્ષ 2016માં ઝિકા વાયરસના ચેપનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારથી, તમિલનાડુ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કેરળ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને કર્ણાટકમાં પણ ચેપના કેસ નોંધાયા છે. 2 જુલાઈ સુધીમાં, મહારાષ્ટ્રના પુણેમાં ઝિકા વાયરસના છ કેસ નોંધાયા છે.
ઝિકા વાયરસના ચેપના લક્ષણો શું છે?
ઝિકા વાયરસના ચેપથી પીડિત લોકોમાં માથાનો દુખાવો, તાવ, સાંધાનો દુખાવો, ચામડી પર ફોલ્લીઓ, આંખોની સફેદીમાં લાલાશ અને સ્નાયુઓમાં દુખાવો જેવા લક્ષણો દેખાય છે. ઝિકા વાયરસનું નામ યુગાન્ડાના ઝિકા જંગલોના નામ પરથી રાખવામાં આવ્યું છે. વર્ષ 1947માં અહીં પહેલીવાર આ રોગના લક્ષણો જોવા મળ્યા હતા. પાંચ વર્ષ પછી, યુગાન્ડા અને તાન્ઝાનિયાના લોકોમાં પણ આ વાયરસનો ચેપ જોવા મળ્યો.
આ પણ વાંચો : ગુજરાતમાં 24700 જગ્યાઓ પર શિક્ષકોની ભરતી થશે, કેબિનેટ બેઠકમાં મંજુરી