ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં લમ્પી વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 1000થી વધુ પશુઓના મોત; કચ્છ, જામનગર અને બનાસકાંઠામાં સૌથી વધુ કેસ

Text To Speech

રાજ્યમાં પશુઓમાં  લમ્પી વાયરસનો કહેર વધી રહ્યો છે. લમ્પી વાયરસના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 1021 પશુઓના મૃત્યુ થયા છે. લમ્પી વાયરસને લઈને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની  અધ્યક્ષતામાં બેઠક મળશે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે પત્રકાર પરિષદ કરીને કહ્યું કે રાજ્યમાં રસીનો પૂરતો જથો છે પશુઓના રસીકરણની કામગીરી યુદ્ધના ધોરણે કરવા આદેશ આપ્યા છે.

2.68 લાખથી વધુ પશુઓનું રસીકરણ 
રાજયના 14 જિલ્લાના 880 ગામોમાં લમ્પી સ્કીન ડીસીઝનાં અસરગ્રસ્ત તમામ 37,121 પશુઓને સારવાર પૂરી પડાઈ છે. જ્યારે અસરગ્રસ્ત ગામમાં રોગીષ્ટ પશુઓને તાત્કાલિક અલગ કરી, નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી 2.68 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે.

LUMPY VIRUS
સમગ્ર રાજ્યમાં પશુઓમાં લમ્પી વાયરસના કેસએ હાહાકાર મચાવી દીધો છે

ફ્રી હેલ્પલાઈન 1962ની ખાસ સુવિધા
પશુપાલકોને તાત્કાલિક સારવાર અને અન્ય માહિતી મળી રહે તે હેતુસર ટોલ ફ્રી હેલ્પલાઈન 1962ની ખાસ સુવિધા કાર્યરત કરી અસરગ્રસ્ત ગામોમાં પશુપાલન ખાતાના 152 પશુચિકિત્સા અધિકારીઓ અને 438  પશુધન નિરિક્ષકો દ્વારા  સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી યુધ્ધના ધોરણે કરવા પશુપાલન વિભાગે નિર્દશ કર્યા છે.

10 ગામ દીઠ એક પશુ એમ્બ્યુલન્સની ફાળવણી
અસરગ્રસ્ત જિલ્લા લમ્પી રોગ ફેલાતો અટકે એ માટે વધારાના પશુ ચિકિત્સકોને ડેપ્યુટેશન પર મુકવામાં આવ્યા છે. પશુધન નિરિક્ષકોને પણ ડેપ્યુટેશન પર મુકવામાં આવ્યા છે. 465 એનિમલ એમ્બ્યુલન્સ વાનમાંથી 200 વાન લમ્પી વાઇરસની સારવાર માટે ફાળવવામાં આવી છે. 10 ગામ દીઠ એક પશુ એમ્બ્યુલન્સ ફાળવાઈ છે. રસીના 20 લાખ ડોઝની જરૂર પડશે એ પ્રમાણે જથ્થો મંગાવવા જણાવ્યું છે. હાલ સ્ટોકમાં 2 લાખથી વધુ ડોઝ ઉપલબ્ધ છે.

LUMPY VIRUS
રાજયના 14 જિલ્લાના 880 ગામોમાં લમ્પી સ્કીન ડીસીઝનાં અસરગ્રસ્ત તમામ 37,121 પશુઓને સારવાર પૂરી પડાઈ છે.

બનાસકાંઠા વધી રહ્યાં છે લમ્પી વાયરસના કેસ 
સમગ્ર રાજ્યમાં પશુઓમાં લમ્પી વાયરસના કેસએ હાહાકાર મચાવી દીધો છે ત્યારે, બનાસકાંઠામાં લમ્પી વાયરસ વધુ વકર્યો છે. બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાયરસના કેસોમાં વધારો થયો છે. મળતી માહિતી મુજબ જિલ્લામાં આજે વધુ 266 પશુઓ સંક્રમિત થયા છે. આ સાથે જિલ્લામાં  લંપી વાયરસથી સંક્રમિત પશુઓનો આંક 844 પર પહોંચ્યો છે. તો અત્યાર સુધીમાં જિલ્લામાં આ જીવલેણ વાયરસને કારણે 15 પશુઓના મોત થયા છે. બનાસકાંઠાના 66 ગામોમાં પશુઓમાં લંપી વાયરસનો કહેર જોવા મળ્યો છે.

બનાસકાંઠામાં લમ્પી  વાયરસના વધતા સંક્રમણને લઈ રાજસ્થાનની આવતા પશુ પર રોક લગાવાઈ છે. બનાસકાંઠાની અમીરગઢ અને ખોડા બોર્ડર સીલ કરાઈ છે. તંત્ર દ્વારા ચેકિંગ શરુ કરાયું છે. 11 જિલ્લાના પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળ્યો છે.

Back to top button