બનાસકાંઠા : ડીસાની આદર્શ પ્રાથમિક શાળામાં બાલ સંસદ ચૂંટણી યોજાઇ
બનાસકાંઠા 02 જુલાઈ 2024 : ડીસાની વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન સંસ્કાર મંડળ-ડીસા સંચાલિત, ગઢ નિવાસી શ્રીમતિ મ.ઉ.પેથાણી આદર્શ પ્રાથમિક શાળામાં બાલ સંસદ-2024 ચૂંટણી યોજાઇ હતી. જેમાં ડીસા આદર્શ પ્રાથમિક શાળામાં બાલ સંસદ-2024 ની રચના કરાઇ હતી. લોકશાહીમાં ચૂંટણી પ્રક્રીયાને હ્રદય સમી ગણવામાં આવે છે. બાળકો પણ આ હ્રદય સમી ચૂંટણી પ્રક્રીયા, પ્રચાર, મતદાન,પરિણામ વગેરેનો પ્રત્યક્ષ અનુભવ કરી શકે તે હેતુથી આદર્શ પ્રાથમિક શાળામાં બાલ સંસદ-2024 ની રચના કરાઇ હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય પ્રવિણભાઇ પટેલ, સુપરવાઇઝર દિનેશભાઇ સુંદેશા અને શિક્ષકો દ્વારા બાલ સંસદની રચનાના હેતુઓ, પ્રક્રીયા, નિયમો, કાર્યો, ફરજો વગેરે વિશે વિસ્તારથી ચર્ચા કર્યા બાદ ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રીયા શરૂ કરાઇ હતી. ત્યારબાદ ઉમેદવારી નોંધાવનાર દરેક વિદ્યાર્થીઓએ પોતાની આગવી ભાષા અને શૈલીમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. નિર્ધારીત સમયે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન કરાયું હતું. આ સમયગાળા દરમિયાન શાળાના શિક્ષકો સમગ્ર ચૂંટણી પ્રક્રીયાની કામગીરી નિભાવી હતી. બાળકોએ પણ ખૂબ જ ઉત્સાહથી મતદાન કર્યું હતું. મતદાન પૂર્ણ થયા બાદ મત ગણતરી કરી વિજેતા ઉમેદવારોની નામાવલી પ્રસિદ્ધ કરાઇ હતી. વિજેતા ઉમેદવારોની વિવિધ સમિતિઓની રચના કરાઇ હતી. આમ શાળામાં બાલ સંસદ-2024-25 ની રચના ખૂબ જ ઉત્સાહથી કરાઇ હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસાની આદર્શ હાઇસ્કૂલમાં વાલી સભા યોજાઇ