બનાસકાંઠા: ડીસામાં દિવસભર વરસાદની હેલી: સાંજે 4:00 વાગ્યા સુધીમાં એક ઇંચ ઉપરાંત વરસાદ નોંધાયો
બનાસકાંઠા 02 જુલાઈ 2024 : ઉત્તર ગુજરાતમાં ચોમાસુ બરાબરનું જામ્યું છે. ત્યારે ડીસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં દિવસભર વરસાદની હેલી થતા સાંજે ચાર વાગ્યા સુધીમાં એક ઇંચ ઉપરાંત વરસાદ પડ્યો હતો. સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં પણ આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. ડીસામાં ભારે વરસાદના કારણે ગવાડી વિસ્તારમાં તોતીગ વૃક્ષ ધરાઈ થતાં નીચે ઊભેલી કારને નુકસાન થવા પામ્યું હતું. જ્યારે વૃક્ષ ચાલુ વીજ લાઈન પર પડતા વીજ લાઈન તૂટી જતા સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો હતો.
રાજ્યભરમાં મેઘમહેર થઈ રહી છે ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ પ્રથમ રાઉન્ડ દરમિયાન જ વાવણી લાયક વરસાદ વરસ્યો છે. ડીસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મંગળવારે સવારથી જ ઝરમર ઝરમર શરૂ થયેલો વરસાદ દિવસ દરમિયાન અનેક વખત ઝાપટા સ્વરૂપે વરસ્યો હતો. દિવસભર વરસાદની હેલી રહેતા સાંજે 4:00 વાગ્યા સુધીમાં ડીસા હવામાન કચેરી ખાતે એક ઇંચ ઉપરાંત વરસાદ નોંધાયો હતો.
દિવસભર વરસાદ ચાલુ રહેતા અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદોનું પુનરાવર્તન થયું હતું. શહેરના ગવાડી વિસ્તારોમાં વર્ષો જૂનું તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા નીચે ઊભેલી એક કારનો ભૂકકો બોલી જવા પામ્યો હતો. જ્યારે વૃક્ષ પડવાના કારણે વીજ વાયરો તૂટી જતા ત્રણ વીજપોલને પણ નુકસાન થયું હતું અને સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ જવા પામ્યો હતો.
આ ઉપરાંત ડીસાના મુખ્ય બસ સ્ટેશનમાં જવાના રસ્તાના પ્રવેશ દ્વાર પર વરસાદી પાણી ભરાયા હતા. જેથી બસોની અવરજવરમાં પણ મુશ્કેલી સર્જાઇ હતી. જ્યારે પાટણ હાઈવે રોડ પર પણ પાણી ભરાયા હતા.
આ પણ વાંચો : બનાસકાંઠા : લાખણીમાં બારે મેઘ ખાંગા ચાર કલાકમાં નવ ઇંચ વરસાદ