અમદાવાદ, 2 જુલાઈ 2024, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના નિવેદન બાદ અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય ખાતે સામ સામે આવી ગયા હતાં. કોંગ્રેસ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોંગ્રેસ કાર્યાલયમાં પણ મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉમટી પડ્યાં છે. બંને પક્ષ વચ્ચે ઘર્ષણ ના થાય તે માટે પોલીસ દ્વારા કાર્યાલયથી પાલડી ચાર રસ્તા સુધી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
કાર્યકરો અને નેતાઓ એકત્ર થતા વાતાવરણ તંગ બન્યું
ભાજપ અને કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ એકત્ર થતા વાતાવરણ તંગ બન્યું છે. બન્ને પક્ષે સામસામે પથ્થરો અને કાચની બોટલો પણ ફેંકાઈ છે. પોલીસે સ્થિતિને કંટ્રોલ કરવા લાઠીચાર્જ કર્યો છે.પથ્થરમારો થતા એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો છે. જેને 108 મારફત હોસ્પિટલ ખસેડાયો છે.
ભાજપના કાર્યકરોએ પોલીસની ગાડી અટકાવી
ભાજપના કાર્યકરોએ પોલીસ સાથે ઘર્ષણ શરૂ કર્યું છે. એસીપીને ખેંચી લેતા તેઓ ઢળી પડ્યા હતા. ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીના નારા શરૂ કર્યા હતા. ભાજપના કાર્યકરોએ રસ્તા ઉપર બેસીને પોલીસની ગાડી અટકાવી દીધી હતી.કોંગ્રેસના કાર્યકરો વધુ ઉગ્ર બન્યા છે. જાહેર રોડ ઉપર આવીને પથ્થરમારો શરૂ કર્યો છે. પરિસ્થિતિ પોલીસના કંટ્રોલની બહાર થઈ ગઈ હતી. પોલીસે લાઠી ચાર્જ શરૂ કરતાં સ્થિતિ જળવાઈ હતી.
ભાજપનું આ કાયરતા પ્રકારનું કૃત્ય
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તેવું નિવેદન કરતાં જ VHP અને બજરંગદળે કોંગ્રેસ કાર્યાલયે અંધારામાં આવીને તોફાન કર્યું છે. VHPના કાર્યકરોએ કરેલા આ કૃત્યને અમે વખોડી કાઢીએ છીએ. આવનારા સમયમાં ભાજપનું આ કાયરતા પ્રકારનું કૃત્ય ભવિષ્યમાં ફરીથી ના થાય તે પ્રકારના અમે દાખલા બેસાડીશું. ભૂતકાળમાં યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકરોએ ધોળા દિવસે અને જાહેરાત કરીને ભાજપના કાર્યાલયને તાળા માર્યા છે.
આ પણ વાંચો-અમદાવાદમાં VHPએ કોંગ્રેસ કાર્યાલય પર રાહુલ ગાંધીના ફોટા પર કાળો સ્પ્રે માર્યો