અમદાવાદ, 01 જુલાઈ 2024, ગુજરાતમાં ભારે વરસાદને કારણે વીજપુરવઠો અને રોડ રસ્તાઓને અસર પહોંચી છે. રાજ્યમાં આજે 30 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યાં છે. જેમાં બે સ્ટેટ હાઈવે, 26 પંચાયત અને બે અન્ય માર્ગો બંધ કરવામાં આવ્યાં છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રના 38 ગામડાઓમાં વીજપુરવઠો બંધ થઈ જવાથી લોકોને મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ PGVCLની ટીમે તાત્કાલિક ધોરણે પુરવઠો પૂર્વવત કરી નાંખ્યો હતો.
અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યાં
ગુજરાતમાં ભારે વરસાદને કારણે બે સ્ટેટ હાઈવે સહિત પંચાયત હસ્તકના 26 માર્ગ, અન્ય બે માર્ગ બંધ છે. તેમજ સુરતમાં 6. પોરબંદરમાં બે માર્ગ બંધ કરાયા છે. તથા રાજકોટ, અમરેલીમાં 1-1 માર્ગ બંધ છે. તેમજ સુરેન્દ્રનગર, ભાવનગર 1-1 માર્ગ બંધ છે. રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત છે. સવારે 4 કલાકમાં 154 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ખંભાળિયામાં 5.3 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો કુલ 35 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં સપાટો બોલાવ્યો છે. અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. ખંભાળિયામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, ચાર કલાકમાં સવા પાંચ ઈંચ વરસાદથી પાણી જ પાણી છે. તો અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે.
સૌરાષ્ટ્ર કચ્છના ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો
રાજકોટમાં વરસાદના કારણે એચટી-1 સબ ડિવિઝન હેઠળ યોગેશ્વર, નવાગામ, મારૂતી, મોરબી રોડ, સાત હનુમાન, મીરા ઉદ્યોગ ફીડર એચ.ટી-2 સબ ડિવિઝન હેઠળ સેન્ટ્રલ જેલ, સંતોષીનગર, પંચવટી ફીડર જ્યારે એચ.ટી-3 સબ ડિવિઝન હેઠળ અજંતા, વૃંદાવન, કસ્તુરી, નાનામવા, એટલાસ રાજહંસ ફીડરમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેને ટેકનિકલ ટીમોએ ફરી પ્રસ્થાપિત કરી આપ્યો છે, જેથી લોકોને મુશ્કેલીમાંથી રાહત મળી હતી. સૌરાષ્ટ્ર કચ્છના 38 જેટલા ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાઇ જતા લોકોને ગરમીમાં બફારા વચ્ચે જીવન વિતાવવું પડે છે અને વીજ પુરવઠો ઠપ્પ થતાં અનેક કામો ઠપ્પ થઈ ગયા હતાં. PGVCLની ટીમોએ તાત્કાલિક ધોરણે વીજપુરવઠો કાર્યરત કર્યો હતો.
આ પણ વાંચોઃવરસાદને કારણે સૌરાષ્ટ્રના 38 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો, PGVCLની ટીમે પૂર્વવત કર્યો