ગ્રાહક બનીને આવેલા શખ્સોએ બેંકકર્મીઓને બંધક બનાવી રૂ.45 લાખની ચલાવી લૂંટ
- સીસીટીવીની મદદથી ગુનેગારોની ઓળખ મેળવવા તજવીજ
- લૂંટારુઓએ બેન્કકર્મીઓ સાથે મારપીટ પણ કરી
પટના, 01 જુલાઈ : બિહારના શેખપુરામાં આજે ધોળે દિવસે બેંક લૂંટની ઘટના સામે આવી છે. બારબીઘાના શ્રી કૃષ્ણ ચોક ખાતે આવેલી એક્સિસ બેંકમાં 10 જેટલા શખ્સો ઘૂસ્યા હતા. બેંક કર્મચારીઓને શંકા જતાં શખ્સોએ પોતાના હથિયારો કાઢીને તમામને બંધક બનાવી લીધા હતા. આ પછી કેશ કાઉન્ટર અને લોકરમાં રાખેલી લગભગ તમામ રોકડ લૂંટી લેવામાં આવી હતી. આટલું જ નહીં બદમાશોએ બેંકની અંદર ગ્રાહકોને પણ લૂંટ્યા હતા.
સીસીટીવીની મદદથી ગુનેગારોની શોધખોળ શરુ
આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસ ગુનેગારોને ઓળખવા માટે સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે. કુલ કેટલી રકમની લૂંટ થઈ? આ અંગે હજુ તપાસ ચાલી રહી છે. સીસીટીવીની મદદથી ગુનેગારોને ઓળખવામાં આવી રહ્યા છે. બેંકના સ્ટાફ અને મેનેજર પાસેથી પણ માહિતી લેવામાં આવી રહી છે.
બદમાશોએ બેંક સ્ટાફને માર પણ માર્યો
પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર સવારે 10 વાગ્યે બેંક ખુલ્યાના થોડા સમય બાદ લગભગ 10 શખ્સો અંદર આવ્યા હતા. તેઓ જુદી જુદી જગ્યાએ ઉભા હતા. થોડા સમય પછી આ લોકોએ તેમના હથિયારો બહાર કાઢ્યા અને પહેલા દરેકના ફોન જપ્ત કર્યા. આ પછી તેઓએ લૂંટને અંજામ આપ્યો હતો. બદમાશોએ બેંક સ્ટાફને પણ માર માર્યો હતો.
આ પણ વાંચો : ગુજરાતમાં 19 હજારથી વધુ વિદ્યાર્થીનીઓને ડોક્ટર બનવા માટે 573 કરોડની આર્થિક સહાય મળી