રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં મેઘો અનરાધાર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ
- જૂનાગઢના માંગરોળમાં પણ એક જ રાતમાં સવા આઠ ઈંચ વરસાદ
- સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અને ભરૂચ માટે આજે ઓરેન્જ એલર્ટ જાહેર
અમદાવાદ, 1 જુલાઈ : ગુજરાતમાં ગઈકાલે રવિવારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં સાડા આઠ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. બીજી તરફ જૂનાગઢના માંગરોળમાં પણ એક જ રાતમાં સવા આઠ ઈંચ વરસાદ ખાબક્યો હતો.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડા
મળતી માહિતી મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં સાડા આઠ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જયારે માણાવદરમાં પણ સવા આઠ ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સુરતના મહુવામા સાત ઈંચ, વંથલી અને દ્વારકામાં છ-છ ઈંચ, બારડોલી અને કુતિયાણામાં પણ છ-છ ઈંચ, ઓલપાડ અને કામરેજમાં પોણા છ ઈંચ, સુરત શહેરમાં સાડા પાંચ ઈંચ, મુન્દ્રા, વાપી અને મેંદરડામાં પાંચ-પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો.
સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અને ભરૂચ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
આ ઉપરાંત કપરાડા, બાબરા અને ભેસાણમાં સાડા ચાર ઈંચ, ભરૂચ અને જૂનાગઢ શહેરમાં ચાર-ચાર ઈંચ, ખેરગામ અને વિસાવદરમાં પણ ચાર-ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં જેતપુર અને નવસારીમાં પણ ચાર-ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ગણદેવી, ધરમપુર, જલાલપોર, હાંસોટ, કુંકાવાવ, વાલોડ, રાણાવાવ, મોરબી, ચીખલી, માંડવી અને ઉમરપાડામાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આજે સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અને ભરૂચ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ NTAએ નીટ 2024 રીટેસ્ટના પરિણામ કર્યા જાહેર, જૂઓ કેવી રીતે જાણી શકશો?