બનાસકાંઠા : ડીસાના માલગઢમાં પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવમાં 29 બાળકોને પ્રવેશ અપાયો
બનાસકાંઠા 29 જૂન 2024 : ડીસા તાલુકાના માલગઢ ગામની પરબડી વિસ્તારમાં આવેલ મીરાબેન સોનાજી પરમાર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ હતી. જેમાં નાના બાળકોને કુમકુમ તિલક કરી મોં મીઠું કરી શાળાના શિક્ષકોએ વધાવ્યા હતા. જેમાં બાલવાટિકામાં 24 બાળકો અને ધો.1 માં 5 બાળકોને શાળામાં પ્રવેશ અપાયો હતો.
જ્યારે આગેવાનો, ગ્રામજનો, શિક્ષકો અને વિદ્યાર્થીનીઓના હસ્તે રીબીન કાપી કોમ્પ્યુટર રૂમને ખુલ્લો મૂકાયો હતો. જ્યારે આવનાર મહેમાનોનું પુષ્પગુચ્છ આપી મોં મીઠું કરાવી શાલ ઓઢાડી વિશેષ સન્માન કરાયું હતું. જ્યારે નાના બાળકોને ચોકલેટનું પણ વિતરણ કરાયું હતું. જ્યારે ઉપસ્થિત આગેવાનો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે શાળાના સંચાલક શિવાજી સોનાજી પરમાર, શાળાના આચાર્ય ભરતભાઇ પટેલ, બનાસકાંઠા જીલ્લા ઉપપ્રમુખ મગનલાલ માળી, ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઇ માળી, ડીસા તાલુકા મામલતદાર બકુલેશ એસ. દરજી, માલગઢ ગ્રામ પંચાયત સરપંચના પતિદેવ ભેરાજી સુંદેશા, માલગઢના ડેલીગેટ નરેશભાઇ સોલંકી, કાંકરેજના પ્રભારી ખેતાજી તેજાજી માળી, કલ્પેશકુમાર હંસરાજભાઇ ગેલોત, હીતેશભાઇ પઢિયાર, સુરેશભાઇ ટાંક, હાર્દિકભાઇ ગેલોત, એમ.એસ.પી.ના સભ્યો, શિક્ષકો, સ્ટાફગણ, ગ્રામજનો, આંગણવાડી કાર્યકર બહેનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા પાલિકામાં મિલકત અંગેની વાંધા અરજીઓનો નિકાલ