વિશેષ
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વન મહોત્સવે કરાશે ૩૦.૭૮ લાખ રોપાઓનું વિતરણ
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ૭૩ માં વન મહોત્સવ- ૨૦૨૨ દરમિયાન ચાલુ વર્ષે વિતરણ કરવા માટે સામાજિક વનિકરણ વિભાગ, ગિર સોમનાથ દ્વારા વિવિધ જાતિના ૩૦.૭૮ લાખ વિતરણ રોપાઓ તૈયાર કરાયા છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં ૨૧.૦૩ લાખ અને ગીર સોમનાથ જિલ્લામાં ૯.૭૫ લાખ રોપાઓનો ચાલુ વર્ષે લક્ષ્યાંક છે.
રોપા વિતરણ સિવાય અન્ય કાર્યક્રમો પણ હાથ ધરાશે
વન વિભાગ દ્વારા વિવધ રોપાઓનો રોપ ઉછેર કેન્દ્રોમાં ઉછેર કરાયો છે. વન વિભાગ દ્વારા જુદી જુદી જાતના બીજ વિતરણ કરવાનું પણ આયોજન છે. તેમજ આંગણવાડી, કૂપોષિત બાળકો, સગર્ભા સ્ત્રીઓના ઘર આંગણે ફળાઉ રોપા વાવેતર- વિતરણ કરવાની ઝૂંબેશ પણ ચાલી રહી છે. જૂનાગઢમાં ૬૩ અને ગિર સોમનાથ જિલ્લામાં ૩૨ ખાતાકીય નર્સરીઓ (રોપ ઉછેર કેન્દ્ર) આવેલા હોવાનું આરએફઓ લક્ષ્મણ સુત્રેજાએ જણાવ્યું હતું.
વન મહોત્સવમાં દરવર્ષે અનેક લોકો, સંસ્થાઓ લે છે ભાગ
નાયબ વન સંરક્ષક, સામાજિક વનિકરણ વિભાગ, ગીર સોમનાથના વેરાવળના ડો. સોભિતા અગ્રવાલના જણાવ્યા અનુસાર, વૃક્ષારોપણની પાવન કામગીરીને વ્યાપક, અસરકારક, સાર્વત્રિક અને લોકભોગ્ય બનાવવાના ઉદેશથી પ્રતિ વર્ષ વન મહોત્સવ યોજાતા રહે છે. જેથી વધુને વધુ સામાજિક વનિકરણ થઇ શકે. જેમાં નાગરિક, ખેડૂત, શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાઓ, ઉધોગકારો દ્વારા વધુને વધુ હિસ્સેદારી ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. વન વિભાગ દ્વારા તેઓની વિવિધ નર્સરીઓમાં ઉછેરેલા વિવિધ રોપાઓનું તેઓને વિતરણ કરવામાં આવે છે, જેને સારો એવો પ્રતિસાદ મળે છે.
ક્યાં ક્યાં રોપાઓનું વિતરણ થાય છે ?
આ મહોત્સવમાં વિવિધ રોપાઓ પૈકી નીલગીરી, અરડુસો, લીમો, દેશી બાવળ, બંગાળી બાવળ, સાગ, ફળાઉ, ફૂલછોડ, તુલસી વગેરેના રોપાઓનો સમાવેશ થાય છે. વધુમાં ડીએફઓ ડો. સોભિતા અગ્રવાલે જણાવ્યું હતું કે, રોપા વિતરણ માટે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા રોપાના દર અને વિતરણની છે સુઆયોજીત પધ્ધતિ છે. જેમાં કેટલાક રોપાઓનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે. તો કેટલાંકના ટોકન દરે વિતરણ કરવામાં આવે છે. થેલીની સાઇઝ મુજબ ભાવો નકકી થતાં હોય છે. રૂ. ૨ થી લઇને રૂ.૧૦૦ સુધીના રોપાના ભાવ હોય છે. રોપાઓ ઉછેરવા અને તેની જાળવણી માટેનું માર્ગદર્શન પણ વન વિભાગ દ્વારા પૂરું પાડવામાં આવે છે.